પ્રિય આકાશ,
તારી મહેનત રંગ લાવી,તારી આંખોએ જે સ્વપ્તન જોયુ હતું , તે સાચુ ઠર્યુ,તારી પહેલાથી સરકારી નોકરી મેળવવાની ખેવના હતી,તે માત્રને માત્ર તારી મહેનતથી પુરી કરી, સરકારી નોકરી માટે દેશના લાખો યુવાનો મહેનત કરે છે, પરંતુ આપણા દેશની વસ્તી સામે માત્ર એક ટકો જ સરકારી નોકરીઓ મેળવી શકે છે, બીજા શબ્દોમાં કહુ તો સરકાર માત્ર એક ટકાને સરકારી નોકરી આપી શકે છે, એટલે ખરેખર તુ નસીબદાર છે, આમ તો આપણે ખુબ જુદા છીએ કારણ મેં મનોમન નક્કી કર્યુ હતું કે મારે કયારેય સરકારી નોકરી કરવી નથી,છતાં આપણી દિશા એક છે,કારણ આપણે બંન્ને જાણે અજાણે સારો માણસ થવાની દિશામાં રોજ પ્રયત્ન કરીએ છીએ.
આમ તો મને કેટલીક બાબત વારસામાં મળી છે, જેમ મારા પિતાએ મને મારા નિર્ણય લેવાની મોકળાશ આપી તેમ મેં પણ તને તારી બહેન પ્રાર્થનાને મોકળાશ આપવાનો પ્રયાસ કર્યો છે,ખરેખર હું તમને કેટલી મોકળાશ આપી શકયો છુ તે તો તુ અને પ્રાર્થના જ કહી શકો, મારી સમજ પ્રમાણે મે તમારો ઉછેર કરવાનો પ્રયાસ કર્યો, બની શકે કે કયાંક મારી ચુક પણ થઈ હશે, પણ ચુક સુધારવાનો પણ મારો સતત પ્રયાસ રહ્યો છે, ખેર મુળ વાત ઉપર આવુ, આજે તે જે કઈ મેળવ્યુ છે તે તારી મહેનતના આધારે છે તેમાં કોઈ શંકા નથી,કારણ તારો સતત આગ્રહ રહ્યો હતો કે મારે તારી નોકરીના સંદર્ભમાં કોઈને ભલામણ કરવી નહીં કારણ તુ જે કઈ પ્રાપ્ત કરવા માગતો હતો તે માત્ર તારી મહેનતનું પરિણામ હોવુ જોઈએ નહીં કે મારી ભલામણ અથવા ઓળખનું પરિણામ. નહીં. મને આનંદ છે તારી જીદ્દમાં તુ ખરો ઉતર્યો.
(1) પણ જયારે હવે તુ તારી જીંદગીની નવી શરૂઆત કરી રહ્યો છુ ત્યારે તારૂ ધ્યાન કેટલીક બાબતો તરફ દોરવા માગુ છુ, તારી સફળતા તારી હોવા છતાં આપણી દરેક સફળતા પાછળ કોઈને કોઈ અપ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોય છે, તે તારા પરિવારના સભ્ય પણ હોય,તારા મિત્રો પણ હોય અને કોઈ અજાણી પ્રાર્થના પણ હોય, આપણે જાણતા નથી,પરંતુ અનેક અજાણી પ્રાર્થનાઓ આપણને મુશ્કેલીમાંથી ઉગારતી હોય છે અને અને સફળ થવામાં મદદ કરતી હોય છે, હવે તને પ્રશ્ન થશે કે કઈ રીતે તારી સફળતામાં કોઈ તને મદદ કરી શકે, તો ઉદાહરણ રૂપે કહુ,તુ જયારે કલાકોના કલાક તારા રૂમમાં પુરાઈ, અભ્યાસ કર્યા કરતો હતો, ત્યારે તારા હાથમાં થાળી પીરસી આપતી તારી મા તારી સફળતની અપ્રત્યક્ષ ભાગીદાર રહી છે,, તારો અભ્યાસ અટકે નહીં તે માટે તારા કામ કરી નાખતા તારા મિત્ર તારી સફળતના અપ્રત્યક્ષ ભાગીદાર છે,તારી સરકારી નોકરીની તૈયારી વચ્ચે તારા એમકોમના અભ્યાસ વખતે તારા એસાઈન્ટમેન્ટમાં મદદ કરતી તારી નાની બહેન પ્રાર્થના પણ તારી સફળતાની અપ્રત્યક્ષ ભાગીદાર રહી છે, અને હા કદાચ તને તેમનો ચહેરો પણ યાદ નહીં હોય તેવા મારા મિત્ર ચંદ્રકાંત મુખી તારી સફળતા માટે હનુમાન મંદિર જઈ દર શનિવારે સાત હનુમાન ચાલીસા કરતા તેમને પણ આપણે ભુલી શકીએ નહીં.આમ સફળ થઈએ ત્યારે ભલે શબ્દોમાં નહીં તો પણ તેનું શ્રેય મનોમન બીજાને આપવુ જોઈએ.
(2) સરકાર એટલે કોણ, આપણે સરકાર એટલે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને સરકાર માનીએ છીએ પણ ખરેખર સરકારનો ચહેરો તો તારા જેવા લાખો સરકારી અમલદારો છે, સામાન્ય માણસ તો કયારેય મુખ્યમંત્રી અને વડાપ્રધાનને મળતો જ નથી પણ સામાન્ય માણસને પોતાની જીંદગી સરળ ચાલે તે માટે તારા જેવા સરકારી અમલદારને મળવાનું થાય છે, સરકારી કચેરીઓમાં મોટા ભાગે આપણો અનુભવ સારો નથી, આપણી સાથે જે સરકારી અમલદાર જેવો વ્યવહાર કરે છે તે વ્યવહારની છાપ આપણા મનમાં સરકારની સારી નરસી હોવાનું નક્કી કરે છે, આમ હવે તુ સરકારનો ચહેરો છે, હું જયારે સરકાર શબ્દનો ઉપયોગ કરુ છુ ત્યારે શાસક નહીં પણ શાસનની વાત કરૂ છુ,શાસક નિતીઓ ઘડે છે,અને શાસને પ્રજાના હિતમાં તેનો યોગ્ય અમલ કરવાનો હોય છે, એટલે તુ અમલકર્તા થયો છે,એટલે તારા દ્વારે આવેલા સામાન્યમાં સામાન્ય માણસ સાથે તારો વ્યવહાર સારો રાખજે, કદાચ તે તારી ઉપર ગુસ્સો કરે, નારાજ થાય પણ તુ તારો સંયમ જાળવી રાખજે .
(3) પદનો ભાર રાખીશ નહીં, આપણે જન્મયા ત્યારે આપણી પાસે કોઈ પદ ન્હોતુ અને જઈશુુ ત્યારે પણ પદ નહિ હશે, આપણને જે કઈ હોદ્દાઓ મળે છે તે તો ઈશ્વર તરફ કરવામાં આવેલી સ્ટોપગેપ એરેંજમેન્ટ છે, ઈશ્વરે આપણને લોકોને સહાયભુત થવા માટે સરકારી નોકરી તક આપી છે, આમ તો સરકારી અધિકારીને સરકારી સેવક કહેવામાં આવે છે, પરંતુ આપણે જોયુ છે કે નોકરી મળ્યા પછી સરકારી સેવકમાં સેવકનો ભાવ રહેતો નથી, સેવકના મનમાં અધિકારીપણુ આવે છે, અધિકાર માત્ર લોકોના જીવનમાં સારુ તેના માટે સરકારે તને આપ્યો છુ, તુ સર્વોચ્ચ છે તેવો ભાવ અજાણતા પણ આવે નહીં તેની તકેદારી રાખજે, આપણે સામાન્ય લોકો સામે આપણી સર્વોપરીતા સાબીત કરવાની નથી, એટલે તુ ભાર વગર જીવના પ્રયત્ન કરજે, કારણ કોઈ પણ પ્રકારના ભાર વગર જીવવુ તે તો આપણા માટે છે બીજા કોઈ માટે નહીં.
(4) માત્ર સામાન્ય માણસો સાથે જ નહીં પણ તારી સાથે કામ કરતા સહકર્મીઓને પણ માન આપજે, બની શકે કે તારા કોઈ સહકર્મી પદમાં તારા કરતા નાના હશે અને ઉમંરમાં તારી કરતા સિનિયર હશે, તેમને સૈદવ સંભાળી લેજે, તારી કરતા પદમાં નાના સહકર્મી કરતા તુ હોશીયાર છે તેવા ભાવથી તુ સભાનતાપુર્વક પોતાનો દુર રાખજે, કારણ જેઓ પદની હરિફાઈમાં સફળ થયા નથી, તેમની ત્યારની સ્થિતિ અને તકનો અભાવ પણ કારણભુત હોઈ શકે છે, પણ તારી કરતા પદમાં નાના અને ઉમંરમાં મોટા હોય તેમને માન આપી તેમની પાસે શીખવાનો પ્રયત્ન કરજે , કારણ તેઓ પદમાં નાના હોવા છતાં તેમની પાસે વર્ષોનો અનુભવ છે અને તેમની પાસે જે જ્ઞાન છે તે કોઈ ગુગલબાબા પાસે કે પછી સ્પર્ધાત્મક પરિક્ષાના પુસ્તકોમાં મળતુ નથી,સતત શીખવાની પ્રક્રિયા ચાલુ રાખજે.
(5) સફળતા પણ એક નશો હોય છે,પરંતુ સફળ થવાની દોડમાં પોતાની જાતને અને પોતાના લોકોને ભુલીશ નહીં, તારી પોતાની માટેનો સમય રાખજે, દિવસમાં થોડો સમય પોતાની સાથે ગાળજે, પોતાની સાથે વાત કરજે, કારણ કાયમ આપણે બોલીએ છીએ, અને બીજા સાંભળે છે, બીજા બોલે છે અને આપણે સાંભળીએ છીએ પણ આપણે આપણી સાથે તો વાત કરતા જ નથી, પોતાની સાથે વાત કરવી સારી બાબત છે કારણ આપણે પોતાની જાત સાથે ખોટુ બોલતા નથી,આપણુ મન આપણો અરીસો છે આપણે જેવા છીએ તેવા દેખાઈએ છીએ,હવે તારો પરિવાર પણ થશે, તેમને પણ સમય આપજે કારણ પરિવારના સુખી કરવાની દોડમાં, તેમને સમય આપવો પણ જરૂરી હોય છે, મને પણ આ સમજ બહુ મોડી મળી જેના કારણે તમે નાના હતા અને તમને મારી વધારે જરૂર હતી ત્યારે હું તમારી સાથે ન્હોતો, પણ તેવી ભુલ તુ કરતો નથી.
(6) આપણને કાયમ મેળવવાની તાલીમ આપવામાં આવે છે, આપવાની નહીં, જીવનની ઈચ્છાઓ અમાપ હોય છે, જેમ જેમ તુ મેળવતો જઈશ તેમ તેમ તારી ઈચ્છાઓ અમાપ થતી જશે એટલે મેળવવાની વાતને પહેલાથી જ બ્રેક મારજે, મેળવવા કરતા આપવાનો આનંદ જુદો છે પ્રયત્ન કરી જો ઈશ્વરને પણ માંગનાર કરતા આપનાર વધારે પસંદ છે,તને થશે આપવા માટે પણ તારી પાસે હોવુ જોઈએ, પણ મારો અનુભવ છે કે મે મારા થોડામાંથી કોઈને થોડુક આપ્યુ તો ઈશ્વરે મારા થોડાને ઘણુ મોટુ કરી મને પાછુ આપ્યુ છે, મારો આ ક્રમ હજી ચાલુ છે, તને ખબર છે મારી તીજોરીમાં એક કવર છે જેની ઉપર મે મદદ તેવુ લખેલુ છે આ કવરમાં હું દરેક મહિને મારો પગાર થાય પછી એક ચોક્કસ રકમ મુકી દઉ છુ, જયારે પણ આપણી આસપાસ કોઈ જરૂરીયાતવાળો નજરે પડે તો મારા ડાબા હાથને ખબર પડે નહીં તેમ હું મદદના કવરમાંથી કાઢી તેમને આપી તેમનો રૂણી થાઉ છુ, આવુ તુ પણ કરજે, કારણ આપણુ બે્ન્ક બેલેન્સ તો વધે તેની ચીંતા તો બધા જ કરે છે, પણ કુદરતના એકાઉન્ટમાં તને ચક્રવૃધ્ધી વ્યાજ મળે તેવુ રોકાણ કરજે.
(7) હું અને તારી મમ્મી શરિરથી વૃધ્ધ થઈશુ,મનથી નહીં, અમારે જવુ નથી, પણ જવુ તે પણ કુદરતો ક્રમ છે, જો કે કોણ કયારે જશે તેની કોઈને ખબર હોતી નથી એટલે જવાની ચીંતા પણ નથી અને ઉતાવળ પણ નથી,છતાં આ વાત એટલા માટે કહુ છુ કે અમે આખી જીંદગી તારી સાથે રહેવાના નથી, એટલે પોતાનો તમામ રીતે સક્ષમ બનાવ,કારણ હવે જીંદગીના સારા ખરાબ દિવસોનો સામનો તારે એકલા હાથે કરવાનો છે, અમે છીએ ત્યાં સુધી ચીંતા કરીશ નહીં , મારો ઈશ્વર પણ તારી સાથે છે પરંતુ સરકારી નોકરીની પરિક્ષા તો તે પાસ કરી પણ જીંદગીની પરિક્ષા તેના કરતા મોટી અને કઠીણ હોય છે તેની માટે પોતાને તૈયાર કર, કારણ જીંદગીની પરિક્ષાની તૈયારી રોજ કરવી પડે છે અને રોજ પરિક્ષા આપવાની હોય છે, માત્ર પરિવારને નહીં, તારા મિત્રો, પડોશી અને તારી આસપાસના તમામ લોકોને સાચવી લેજે.
(8) નિરાશા આવે તો નિરાશ પણ થજે અને રડવુ આવે તો રડી પણ લેજે. પણ નિરાશા અને રડવામાં અટવાઈશ નહીં,જયારે તારી નજર સામેનો દરવાજો બંધ થાય ત્યારે બીજા બંધ દરવાજો ખોલવાનો પ્રયત્ન કરજે ,કારણ તુ સફળ જ રહે તેવી ઈચ્છા હોવા છતાં સફળતા દરેક વખતે મળશે નહીં, કયારેક નિષ્ફળતા પણ જરૂરી હોય છે જે આપણને માણસ રહેવામાં મદદ કરતી હોય છે, નિષ્ફળતા આપણને બીજાને સમજવામાં પણ મદદ કરે છે, હું જ સાચો અને બીજા ખોટા તેવુ માનતો નહીં, સામેવાળાની ખુરશીમાં બેસી તેને સમજવાનો પ્રયત્ન કરજે, કારણ દરેક વખતે દેખાય તે જ સત્ય હોતુ નથી, અને કોઈ પણ બાબત કાયમી હોતી નથી.
ચાલ જરા પત્ર લાંબો થઈ ગયો તુ મોટો માણસ થાય તેવી બાપ તરીકેની ઈચ્છા જરૂર હોય પણ મોટો ના થાય તો ચાલશે પણ સારો માણસ કાયમ રહે તેવી મનથી ઈચ્છા છે કારણ આપણે ત્યા મોટા ઘણા છે પણ સારા માણસનો દુષ્કાળ છે.
તારા બાબા,
પ્રશાંત દયાળ