Friday, April 24, 2026
HomeBusinessMetaમાં મોટી છટણીનો એલાન: 10% કર્મચારીઓની કપાત, હજારો નોકરીઓ જોખમમાં

Metaમાં મોટી છટણીનો એલાન: 10% કર્મચારીઓની કપાત, હજારો નોકરીઓ જોખમમાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય: સોશિયલ મીડિયા કંપની Metaએ પોતાના વર્કફોર્સમાં મોટી કપાત કરવાની જાહેરાત કરી છે. કંપની 20 મેના રોજ આશરે 10% કર્મચારીઓને છૂટા કરશે, જે સંખ્યામાં અંદાજે 8,000 જેટલા કર્મચારીઓ આવે છે.

Metaની ચીફ પીપલ ઓફિસર જેનેલ ગેલ દ્વારા કર્મચારીઓને મોકલાયેલા મેમોમાં આ માહિતી આપવામાં આવી છે. મેમોમાં જણાવાયું છે કે કંપની વધુ કાર્યક્ષમ બનવા અને નવા રોકાણોને સંતુલિત કરવા માટે આ નિર્ણય લઈ રહી છે. ગેલે સ્વીકાર્યું કે આ નિર્ણય મુશ્કેલ છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આવું કરવું જરૂરી બન્યું છે.

- Advertisement -

કંપનીએ આ માહિતી વહેલી જાહેર કરવાનો કારણ પણ આપ્યું છે. મેમો મુજબ, આ યોજના પહેલેથી જ લીક થઈ ગઈ હતી, જેના કારણે કર્મચારીઓને સ્પષ્ટતા આપવા માટે આ જાહેરાત કરાઈ છે.

અહેવાલો મુજબ, Meta આ પહેલો રાઉન્ડ છે અને આગળ વધુ છટણીના રાઉન્ડ પણ આવી શકે છે. અગાઉના રિપોર્ટ્સમાં જણાવાયું હતું કે કંપની કુલ 20% સુધી કર્મચારીઓમાં ઘટાડો કરી શકે છે. વર્ષના શરૂઆતમાં Metaમાં આશરે 79,000 કર્મચારીઓ કાર્યરત હતા.

આ છટણી એવા સમયે થઈ રહી છે જ્યારે કંપનીના CEO Mark Zuckerberg આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં ભારે રોકાણ કરી રહ્યા છે. કંપની પોતાની આંતરિક કામગીરીમાં મોટાપાયે ફેરફાર કરી રહી છે અને AI પર આધારિત નવી દિશામાં આગળ વધી રહી છે.

- Advertisement -

મેમો અનુસાર, કંપની છટણીનો ભોગ બનેલા કર્મચારીઓને સહાયતા આપશે. અમેરિકામાં કામ કરતા કર્મચારીઓને 16 અઠવાડિયાનો બેઝ પે અને દરેક સેવા વર્ષ માટે વધારાના 2 અઠવાડિયાનો પે આપવામાં આવશે. સાથે જ 18 મહિના સુધી હેલ્થકેર કવરેજ પણ આપવામાં આવશે.

અમેરિકા બહારના કર્મચારીઓ માટે પણ સમાન પ્રકારની પેકેજ આપવામાં આવશે, જોકે તે દેશ પ્રમાણે બદલાઈ શકે છે. ઉપરાંત, કંપની કર્મચારીઓને નવી નોકરી શોધવામાં મદદરૂપ થવા માટે કરિયર સર્વિસ અને ઈમિગ્રેશન સપોર્ટ પણ આપશે.

20 મેના રોજ અસરગ્રસ્ત કર્મચારીઓને તેમના ઓફિશિયલ અને પર્સનલ ઈમેલ પર જાણ કરવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને તેમના પર્સનલ ઈમેલ અપડેટ રાખવાની પણ સલાહ આપી છે.

- Advertisement -

Metaનો આ નિર્ણય ટેક ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલી છટણીની લહેરનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે, જ્યાં મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને નવી ટેક્નોલોજીમાં રોકાણ વધારવા માટે વર્કફોર્સમાં ફેરફાર કરી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular