Friday, April 17, 2026
HomeGujaratહું પુરુષમાં નહોતો માટે મેં જ મારી પત્નીનાં લગ્ન કરાવ્યાં

હું પુરુષમાં નહોતો માટે મેં જ મારી પત્નીનાં લગ્ન કરાવ્યાં

- Advertisement -

પ્રશાંત દયાળ : મેં જ્યારે માસીને પૂછયું કે, ‘લોકો તમને શું કહી બોલાવતા’ ત્યારે મારી સામે જોઈ વાત કરી રહેલાં માસીએ પોતાની નજર નીચી કરી, સાડીનો છેડો પોતાની હાથની આંગળી ઉપર વીંટતાં જવાબ આપ્યો, ‘મને ઘર અને સ્કૂલમાં બધા બાયલો કહેતા હતા, તેના કારણે મને ખૂબ ગુસ્સો આવતો. કયારેક ગુસ્સામાં કોઈને મારી બેસતી હતી, પરંતુ તેમાં હું શું કરું, મારો થોડો કોઈ વાંક હતો?’ વાક્ય પૂરું કરતાં માસીએ ઉપર જોયું ત્યારે તેની આંખમાં ઈશ્વરે કરેલી ભૂલની લાચારી વાંચી શકાતી હતી. એક વ્યંડળ તરીકે પોતાના અંગેની વાત કરવાની સખત મનાઈ હોવા છતાં તેને વિશ્વાસમાં લીધા પછી તેણે પોતાની વાત કરવાની શરૂઆત કરી હતી.

તેનું મૂળ નામ મયંક હતું. તેના પિતાનું ચોથું સંતાન હતું. ત્રણ મોટા ભાઈઓ હતા અને પોતાના પછી બે બહેનો હતી. છ સંતાનોમાં મયંક બધા કરતાં જુદો હતો. તેના ભાઈઓ જ્યારે મિત્રો સાથે રમવા જતા ત્યારે મયંક પોતાની નાની બહેનો સાથે રમતો. શરૂઆતમાં એવું લાગ્યું કે મયંક નાનો છે તેના કારણે બહેનો સાથે રમે છે પણ સ્કૂલમાં ભણવા માટે મૂક્યો ત્યાર પછી પણ તે છોકરીઓ સાથે જ રમતો હતો. તેને ખુદને તેની સમવયસ્ક છોકરીઓ અને સ્ત્રીઓનો સહવાસ ગમતો હતો. પિતા ખેડૂત હતા એટલે માતા પણ ખેતીના કામે પિતાની સાથે ખેતરમાં જતી હતી. તે વખતે મયંક પોતાની બહેનનાં કપડાં પહેરી અરીસામાં જોતો હતો. જ્યારે આ વાતની ઘરના સભ્યોને ખબર પડી ત્યારે બધાને આઘાત લાગ્યો હતો.

- Advertisement -

મયંક માત્ર છોકરીઓનાં કપડાં પહેરતો હતો તેવું નહોતું; પણ તેનાં બોલચાલ અને વ્યવહારમાં પણ સ્ત્રીપણું હતું. સ્ત્રીઓને જે ગમે તે બધી વાતોમાં તેને રસ પડતો હતો. તેના કારણે તે બધે અન્ય છોકરાઓ કરતાં અલગ પડતો હતો.

મોટાભાગે છોકરીઓ સાથે જ રહેતો હોવાને કારણે તેને બધા બાયલો કહેતા હતા. તે ઉંમરે બાયલાના અર્થની ખબર નહોતી પણ બધા પોતાને ચીડવે છે તેવું લાગતું હોવાને કારણે ગુસ્સો આવે તો કોઈને મારી બેસતો હતો. મોટા ભાઈઓ અને માતા-પિતા ચિંતિત હતાં. તેમણે અનેક વાર મયંકને પોતાની પાસે બેસાડી સમજાવ્યો અને ધમકાવ્યો કે, “તું છોકરો છે, છોકરી નથી પણ તે વાત સમજાય તેવી સમજ નહોતી. દિવસે-દિવસે મયંકનો વ્યવહાર વધુ બદલાઈ રહ્યો હતો.

તેને ખુદને તે વાતનું આશ્ચર્ય હતું કે ઘર અને બહાર તેને બધા ટોકતા હતા અથવા તેની મશ્કરી કરતા હતા. એક દિવસ તેને આ જ મુદ્દે તેના મોટાભાઈ સાથે ખૂબ ઝઘડો થયો અને મયંકે પિતાનું ઘર છોડ્યું. ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષની હતી. પિતાનું ઘર છોડી પેટ ભરવા માટે એક કંપનીમાં મજૂર તરીકે નોકરી શરૂ કરી લીધી. બીજી વાત એવી બની કે ઘર છોડયા પછી મયંકને ટોકનાર કે રોકનાર કોઈ નહોતું, જેના કારણે તેના મનમાં રહેલી તમામ ઇચ્છાઓ તેણે પૂરી કરવાની શરૂઆત કરી હતી. જેમાં તેને મહિલાનાં વસ્ત્રો પહેરી બહાર નીકળવામાં પણ સંકોચ રહ્યો નહોતો. જયારે ઓળખીતા-પારખીતાઓએ મયંકના પિતાને તેના આ વ્યવહારની વાત કરી ત્યારે તે વધારે દુઃખી થયા હતા.

- Advertisement -

આ સ્થિતિમાં શું કરવું તેના ઉપાય તરીકે બધાએ સાથે મળી નક્કી કર્યું કે મયંકની પત્નીને પિયરથી તેડાવી મયંક સાથે રહે તેવી વ્યવસ્થા કરવી. કદાચ પોતાની પત્ની સાથે રહેવાને કારણે તેનો વ્યવહાર પુરુષ જેવો થાય. તેમની જ્ઞાતિમાં ઘોડિયાંલગ્ન થતાં હતાં. જેના કારણે મયંકના જન્મ પછી તેનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં. મયંક જુવાન થઈ ચૂક્યો હતો જેના કારણે તેની પત્નીને તેડાવવામાં કોઈ વાંધો નહોતો, જેથી તેની પત્ની સંધ્યાને તેડી લાવ્યાં હતાં. સંધ્યા જે દિવસે મયંકના ઘરે આવી તે રાતે મયંક સંધ્યાના ખોળામાં માથું મૂકી ખૂબ રડ્યો. તેને પોતાની ઉપર ગુસ્સો આવતો હતો અને સંધ્યાની દયા આવતી હતી.

જો કે પહેલાં સંધ્યાને મયંકના રડવાનું કારણ સમજાયું નહોતું. મયંક સાથે કુદરતે છેતરપિંડી કરી હતી, કારણ કે તેને દેહ પુરુષનો હતો પણ તેનામાં પૌરુષત્વ નહોતું. કુદરતથી છેતરાયેલો મયંક પોતાની પત્ની સંધ્યા સાથે કોઈ છેતરપિંડી કરવા માગતો નહોતો.

જેના કારણે તેણે પહેલી રાતે સંધ્યાને પોતાની શારીરિક મર્યાદાની વાત કરી પોતાનું હૈયું ખાલી કર્યું. મયંકની જિંદગીમાં આ પહેલો એકરાર હતો કે તે પુરુષ નથી. સંધ્યા માટે આ વાત કેટલી આંચકારૂપ હોઈ શકે તેની કલ્પના કરતાં ડર લાગે તેવી વાત છે પણ તેણે મયંકનાં આંસુ લૂછતાં અત્યંત સ્વસ્થતાથી જવાબ આપ્યો હતો કે, ‘કુદરત સામે મારી કોઈ ફરિયાદ નથી. તમે જેવા છો તેવા મારા છો.’ સંધ્યાની આ વાત રણમાં ફૂટી નીકળેલાં ઝરણા જેવી હતી. પહેલાં મયંક એકલો હતો અને હવે બેકલો થયો હતો પણ તેને કોઈ વાતે ચેન પડતું નહોતું, કારણ કે તેના જ જેવી શારીરિક મર્યાદાને કારણે વ્યંડળની જિંદગી સ્વીકારી લેનાર સાથે તેના સંપર્કો વધ્યા હતા. વ્યંડળો પુરુષ પણ નહોતા અને સ્ત્રીમાં પણ નહોતાં, છતાં બધાં એકસરખા સાથે રહેતા હોવાને કારણે ભૂલી જતાં કે તેમનું દર્દ કેટલું મોટું છે.

- Advertisement -

તેના કારણે મયંકે નિર્ણય કર્યો કે કુદરતે તેને જેવો બનાવ્યો છે તેવી જિંદગી તેણે હસતાં-હસતાં જીવવાની જ છે અને તે માટે સંધ્યાને લઈ શહેરમાં આવી ગયો અને વ્યંડળ થવા માટેનો અખાડો પસંદ કર્યો. જેમ સાધુઓના અખાડા હોય છે તેમ વ્યંડળોના પણ અખાડા હોય છે. તેના ગુરુ હોય અને તેમના પોતાના અલગ-અલગ નિયમો હોય છે. એક અખાડામાં દાખલ થવા માટે તમામ ધાર્મિક વિધિ પ્રમાણે મયંક લિંગછેદન કરાવી વ્યંડળ બન્યો અને ત્યાં તેને નવું નામ મળ્યું – ‘મેઘામાસી.’ પુત્રના વ્યંડળ થવાના આ સમાચાર મયંકના પિતા માટે આઘાતજનક હતા, જેના કારણે તેમનું મોત નીપજયું હતું.

મયંકમાંથી મેઘામાસીની સામાન્ય દેખાતી જિંદગી અસામાન્ય હતી. સૌથી પહેલા તો અખાડાના નિયમ પ્રમાણે કોઈ સ્ત્રીને સાથે રાખી શકાય નહીં, તેના કારણે મેઘામાસી માટે સમસ્યા હતી કે સંધ્યાનું શું કરવું? તેણે સંધ્યાને સમજાવી અને વચલો રસ્તો કાઢયો. જો સંધ્યા કોઈની સાથે લગ્ન કરી લે તો તેના પતિ સાથે માસીને ત્યાં રહી શકે. ખુદ માસીએ પોતાની પત્ની માટે મુરતિયો શોધ્યો અને તેનાં લગ્ન કરાવ્યાં, જેના દ્વારા થયેલો દીકરો પોતાના ઘરે વહુ લાવશે એટલો મોટો છે. લગ્ન અને જન્મપ્રસંગે જઈ તાળીઓ પાડી પૈસા માગવાનો રિવાજ લોકો માટે આમ વાત હશે પણ માસીને તે ક્યારેય ગમ્યું નથી, છતાં પેટ ભરવા માટે કોઈ વિકલ્પ નથી કારણ કે વ્યંડળને કોઈ નોકરી આપતું નથી.

મેઘામાસી આજે વ્યંડળની જિંદગી જીવે છે પણ જે કામ તેણે સમાજ માટે કર્યાં છે તે કામ કદાચ મોટા મૂછાળા પણ કરી શકે કે નહીં તે શંકા છે. પોતાની પડોશમાં રહેતા ગરીબ પરિવારની ચારથી પાંચ બાળાઓને દત્તક લીધી છે અને તેમની તમામ જવાબદારી પોતે ઉપાડે છે. જો કે આપણા નેતાઓ કે ઉદ્યોગગૃહોની જેમ બાળાઓને દત્તક લીધા પછી કોઈ ફોટા પડાવ્યા નથી, કે અખબારોમાં પ્રેસનોટ મોકલી સમાચાર છપાવ્યા નથી. તેને તો આ વાત કોઈ જાણે નહીં તેમાં રસ છે. મેઘામાસીને મળવા માટે તેના ઘરે જવાનું થયું ત્યારે આંગણામાં એક ઘોડિયું ઝૂલતું હતું. જેમાં એક માસૂમ બાળક સરસ મઝાની ઊંઘ લઈ રહ્યું હતું. આ એક કુંવારીના પેટે જન્મેલું હતું.

બાળકની માતા તેને કચરાપેટી કે મંદિરના ઓટલે મૂકે તે પહેલાં મેઘામાસીએ તેને પોતાનો ખોળો આપી દીધો હતો, કારણ કે મેઘામાસીની પાસે પણ તમારી અને મારી જેમ ધબકતું હૃદય છે અને તેમને પણ કોઈની હૂંફની જરૂર છે.

મેઘામાસી કહે છે કે, મેં ક્યારેય કુદરત સામે ફરિયાદ કરી નથી, કારણ કે માણસને ઠપકો અપાય પણ ભગવાનને શું કહેવું! છતાં મેઘામાસી નિયમિત રીતે બહુચરાજી જતાં હોય છે, કારણ કે બહુચરમાતા પૌરુષત્વ આપનાર દેવી છે. તે માતાજીની સામે માથું નમાવી વિનંતી કરે છે કે મા આવતા જન્મ અમને આવો અવતાર આપીશ નહીં.

[‘જીવતી વારતા’ પુસ્તકમાંથી]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular