Thursday, April 16, 2026
HomeGujaratનસીબનો દોષ નથી; વિધાતા લેખ લખવાનું ભૂલી ગયા હશે...

નસીબનો દોષ નથી; વિધાતા લેખ લખવાનું ભૂલી ગયા હશે…

- Advertisement -

પ્રશાંત દયાળ : હું તેને મળવા માટે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલા બાળસંરક્ષણ ગૃહમાં ગયો, જેને સામાન્ય રીતે રિમાન્ડ હોમ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં બાળગુનેગારો તેમ જ રખડનારા અથવા ઘરેથી ભાગી આવેલાં બાળકોને રાખવામાં આવે છે. જો કે હું જેને મળવા માટે ગયો હતો તે પ્રેમ ઉર્ફે મુન્નો કોઈ બાળગુનેગાર નહોતો, તેમ જ ઘરેથી ભાગીને પણ આવ્યો નહોતો. તેનાં નસીબની બલિહારી એવી હતી કે તેને રિમાન્ડ હોમમાં આવવું પડયું હતું. હું રિમાન્ડ હોમના સુપરિન્ટેન્ડેન્ટ તિવારીની સામેની ખુરશીમાં જઈને બેઠો એટલે થોડી વારમાં મારી સામે એક બાળક આવીને ઊભો રહ્યો. તેની ઉંમર પ્રમાણે તે સાત વર્ષનો જ લાગતો હતો. રંગ ગોરો અને પાતળા બાંધાનો હતો. મેં તેને પૂછયું, ‘તારું નામ?’ તેણે તરત સામે જવાબ આપ્યો ‘પ્રેમડો.’ પછી થોડો વિચાર કરીને કહ્યું, ‘મને મુન્નો પણ કહે છે.’ મેં તેને બીજો સવાલ કર્યો, ‘તું કયાં રહેતો હતો?’ આ પ્રશ્ન સાંભળતાં જ તેણે જવાબ આપ્યો – ‘ચાંદલોડિયા.’ તેનાં મોઢામાં રહેલો શબ્દ પૂરો થાય તે પહેલાં તેણે મને વિનંતીના સૂરમાં પૂછયું, ‘તમે મને ચાંદલોડિયા લઈ જશો? મારે ત્યાં જવું છે.’ મને પ્રેમની હકીકતની ખબર હતી એટલે મેં તેને સમજાવતાં કહ્યું, ‘પણ બેટા તું ક્યાં રહીશ?’ તેણે હાથનો ઈશારો કરતાં કહ્યું, ‘પેલો પુલ છે તેની નીચે દુકાન છે, તેના ઓટલા ઉપર સૂઈ જઈશ.’ પ્રેમની વાત કોઈપણ કઠણ મનના માણસને ધ્રુજાવી મૂકે તેવી હતી. એક નાનકડું બાળક જેનું હવે દુનિયામાં કોઈ નથી, પરંતુ તેને આ વાસ્તવિકતાનો ડર લાગતો નહોતો.

દસ દિવસ પહેલાં તેને પોલીસસ્ટાફ રિમાન્ડ હોમમાં મૂકી ગયો હતો. બસ તે જ દિવસથી તે રાહ જોઈ રહ્યો છે કે કોઈ તેને આવીને ફરી જ્યાં રહેતો હતો ત્યાં લઈ જાય. થોડા દિવસ પહેલાં સોલા સિવિલ ખાતેથી પોલીસસ્ટેશને ફોન આવ્યો હતો. ફોન કરનાર ડૉક્ટરે પોલીસને જાણકારી આપી હતી કે, તેમની હોસ્પિટલમાં એક મહિલા દાખલ થઈ છે પણ તેની સાથે તેની સંભાળ લઈ શકે તેવું કોઈ નથી. થોડી વારમાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે ખ્યાલ આવ્યો કે જે મહિલાને દાખલ કરવામાં આવી છે તે બેભાન હાલતમાં છે તેમ જ તેને તેના પાડોશીઓ દાખલ કરી ગયા હતા. હવે તેની સાથે તેનો સાત વર્ષનો પુત્ર પ્રેમ, કે જે પોતાનું પણ ધ્યાન રાખી શકે તેમ નહોતો. પોલીસે તપાસ કરી તો માલૂમ પડયું કે જે સ્ત્રી બેભાન હાલતમાં દાખલ થઈ છે તેનું નામ ગીતા મરાઠી છે.

- Advertisement -

થોડા વખત પહેલાં તે રોજગારી માટે અમદાવાદમાં આવી અને ચાંદલોડિયાના બાબુનગરમાં ઘર ભાડે રાખીને રહેતી હતી. તેને કોઈ બીમારી લાગુ પડતાં તેની હાલત ગંભીર થઈ હતી. તેને બેહોશીની હાલતમાં હોસ્પિટલ લાવવામાં આવી હતી. આમાં પોલીસે ખાસ કંઈ કરવાનું નહોતું પણ સવાલ માણસાઈનો હતો. એક તો સ્ત્રી બેભાન હાલતમાં હતી અને તેની સાથે તેનો નાનકડો પુત્ર હતો. જેને હજી પોતાની માતાને શું થયું છે તેની પણ ખબર નહોતી. તે હોસ્પિટલમાં પોતાની માતાની સારવાર કરતા ડૉક્ટરો તેમ જ હોસ્પિટલમાં આવેલી પોલીસને આશ્ચર્ય સાથે જોઈ રહેતો હતો. પ્રેમના મનમાં સવાલ હતો કે, તેની માતા તેની સાથે વાત કેમ કરતી નથી? સોલા સિવિલના ડૉક્ટરોએ પોલીસને સલાહ આપી કે, ગીતાની હાલતમાં સુધારો થતો નથી એટલે તેને અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવે. પોલીસના જવાનો બેભાન ગીતા અને તેના પુત્ર પ્રેમને લઈ અમદાવાદ સિવિલ પહોંચ્યા, જયાં ડૉક્ટરોએ ગીતાને બચાવી લેવાના પ્રયત્ન શરૂ કર્યા પણ ગીતાને એવી કોઈ બીમારીએ ઘેરી લીધી હતી કે તેની હાલત દર કલાકે બગડી રહી હતી. પ્રેમ આખી વાતને સમજી શકતો નહોતો અને પોતાની માતાને કોઈપણ પ્રકારની મદદ કરી શકે એટલો મોટો પણ નહોતો. તે પોતાની માતાના ચહેરા સામે જોઈ રહેતો હતો. કુદરત આટલી બેરહેમ હોય છે તેની ખબર નહોતી ડૉક્ટરોની બે દિવસની મહેનત બાદ પણ ગીતાનું હૃદય ધબકવાનું ભૂલી ગયું અને પ્રેમ એકલો થઈ ગયો.

ગીતાને કફન ઓઢાડી પોલીસ વોર્ડની બહાર લઈ જતી હતી ત્યારે પ્રેમે પૂછ્યુ, ‘મારી મમ્મીને ક્યાં લઈ જાવ છો?’ આ પ્રશ્ન સાંભળી. સ્ટ્રેચર લઈ જતો વોર્ડબોય થંભી ગયો હતો. તે હમણાં સુધી અનેક મૃતદેહો આ રીતે લઈ ગયો હતો પણ કોઈ મૃતદેહ સાથે આટલું નાનું બાળક નહોતું. તેણે પ્રેમના માથા ઉપર હાથ મૂકતાં કહ્યું, ‘તારી મા મરી ગઈ છે.’ એટલો જવાબ આપી વોર્ડબોયે સ્ટ્રેચરને ધક્કો મારી બહાર જતાં પોતાની આંખોના ખૂણા લૂછયા. ગીતાની સાથે તેનો પુત્ર પ્રેમ હતો પણ તે એટલો નાનો હતો કે પોતાની માતાને કાંધ–અગ્નિ આપી શકે તેમ નહોતો. તેના કારણે ગીતાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપવામાં આવ્યો.

ઘાટલોડિયા પોલીસસ્ટેશન ખાતે પ્રેમને લાવવામાં આવ્યો અને ત્યાં એને પોલીસ સબઈન્સ્પેક્ટર આર.એન.યાદવે તેના સગાંસંબંધી અંગે પૂછયું. પણ પ્રેમને અન્ય સગાંની તો ઠીક પણ પિતા કોણ છે તેની પણ ખબર નહોતી. તેને યાદ હતું તો માત્ર એટલું જ કે તેના મામા સુરતમાં ટોલનાકા પાસે રહે છે અને તે પોતે પણ ત્યાં ગયેલો છે. એટલે પોલીસ માત્ર આટલી માહિતી સાથે પ્રેમને લઈ સુરત પહોંચી. શહેરને જોડતાં તમામ ટોલનાકાંઓ પ્રેમને બતાવ્યાં પણ પ્રેમ પોતાના મામાનું ઘર બતાવી શકયો નહીં. છેવટે પોલીસ તેને લઈ અમદાવાદ આવી હતી. પી.એસ.આઈ. યાદવ સાથે સતત ચાર દિવસ રહેવાને કારણે પ્રેમ એટલો હળીમળી ગયો હતો કે તેને પોલીસસ્ટેશનમાં પણ મજા પડતી હતી, પરંતુ આ તેનું કાયમી ઘર નહોતું.

- Advertisement -

નિયમ પ્રમાણે યાદવ તેને લઈ રિમાન્ડ હોમ પહોંચ્યા. તેના કાગળો કરી તે બહાર નીકળી રહ્યા હતા ત્યારે પ્રેમ તેમને વળગી રડી પડ્યો, કારણ કે પ્રેમ હવે તેમને છોડવા માગતો નહોતો. લોકોની નજરમાં નિષ્ઠુર ગણાતી પોલીસને કોઈ બાળક આટલો પ્રેમ કરે તે વાત અજીબ લાગે છે. ખુદ પી.એસ.આઈ. યાદવ ડિસ્ટર્બ થઈ ગયા હતા. પ્રેમને પોતાનાથી અળગો કરી રિમાન્ડ હોમના સ્ટાફને સોંપ્યો ત્યારે તેમને જાણે ડૂમો બાજી ગયો હતો. બસ, પ્રેમ ત્યારથી રિમાન્ડ હોમમાં છે. તે રાહ જોઈ બેઠો છે કે કદાચ તેના મામા આવશે કે પછી કોઈ તેને ચાંદલોડિયા પાછો લઈ જશે, કારણ કે તે હજી ચાંદલોડિયાની શક્તિ સ્કૂલમાં ભણવા માગે છે, જયાં તે ત્રીજા ધોરણમાં ભણતો હતો.

પ્રેમ મને જોઈ રહ્યો હતો, જાણે તે મને પૂછવા માગતો હોય છે, ‘મને કયારે અહીયાંથી લઈ જશો?’ પ્રેમને જોઈ મને મારી જાત અને આપણી સમાજવ્યવસ્થા માટે શરમ આવી. પ્રેમને ફરી એક ઘર મળે તેના માટે હું કંઈ પણ કરી શકું તેમ નથી. પ્રેમની સાથે દુનિયામાં કોઈ નથી તે વાત તેને સમજાઈ નથી, કારણ કે તેણે જતી વખતે ફરી મને વિનંતી કરી, ‘તમે મને ચાંદલોડિયા લઈ જાવને…’ એટલે મેં તેને સમજાવતાં કહ્યું, ‘બેટા તું જમીશ કયાં?’ કદાચ હજી પણ તે દુનિયા સારી હોવાનું માનતો હશે માટે તેણે કહ્યું, ‘મારો એક દોસ્તાર છે તેની મમ્મી મને ખાવાનું આપશે.’ હું તેને કંઈ જવાબ આપી શકયો નહીં અને રિમાન્ડ હોમની બહાર નીકળ્યો, પરંતુ તેની આંખો મને ઝાંપાની બહાર પણ જોઈ રહી હતી. હજી પણ મને સતત લાગ્યા કરે છે કે તેની આંખો મને જોઈ રહી છે.

[‘જીવતી વારતા’ પુસ્તકમાંથી]

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular