Thursday, April 23, 2026
HomeGujaratસમજાય છે મને શબ્દો વગરની સંવેદના..કારણ કે વેદનાને પોતાની ભાષા નથી.

સમજાય છે મને શબ્દો વગરની સંવેદના..કારણ કે વેદનાને પોતાની ભાષા નથી.

- Advertisement -

રામપ્રસાદ પાંડે ૧૯૫૦ના દસકામાં પોતાના વતન ઉત્તર પ્રદેશના બલિયાથી રોજીરોટી કમાવા માટે અમદાવાદ આવ્યા હતા. તે અરસામાં શહેરમાં ચીસો પાડતાં મિલોનાં ભૂંગળાનો અવાજ સાંભળી પતિની રાહ જોઈ રહેલી ગૃહિણીઓને લાગતું કે તેમના ઈંતેજારનો સમય પૂરો થયો છે. ભાલકિયા મિલમાં નોકરી કરતા રામપ્રસાદ ઘરે પહોંચે તે પહેલાં તેમની પત્ની સવિતા થાળી તૈયાર રાખતી હતી. સવિતા સાવ સરળ સ્ત્રી હતી. પતિની સાથે આવેલી સવિતાને પોતે જ્યાં રહેતી હતી તે ચાલીની બહારની દુનિયાની પણ ખબર નહોતી. રામપ્રસાદ તેને જે સાડી લાવી આપે તે જ તે પહેરતી. તેણે ક્યારેય સાડી અને બ્લાઉઝના રંગ અંગે પણ કંઈ કહ્યું નથી, કારણ કે તેમના વચ્ચે સંબંધોનો મેળ મહત્ત્વનો હતો. સવિતાએ અમદાવાદની એલ. જી. હોસ્પિટલમાં મહેશને જન્મ આપ્યો ત્યારે રામપ્રસાદના આનંદનો પાર નહોતો. મિલમાં તેમની સાથે કામ કરતા તેમના સાથીએ કહ્યું, “પાંડેજી મીઠાઈ ક્યારે ખવડાવો છો” અને તેના બીજા જ દિવસે રામપ્રસાદ લાડુનો ટોપલો ભરી મિલમાં ગયા હતા. તે મિલમજૂર હતા પણ પોતાના દીકરા માટે મોટાં સપનાંઓ જોયાં હતાં. મહેશ સ્કૂલે જવાની ઉંમરનો થયો તેની સાથે રામપ્રસાદે તેને અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં દાખલ કર્યો હતો. મહેશ પછી વસંત અને સાહીલનો જન્મ થયો હતો. તેમના ઉછેર માટે પણ પેટે પાટા બાંધ્યા હતા. માણસ પોતાનાં સંતાનો માટે જે કંઈ પણ કરે છે તેમાં બલિદાનનો ભાવ ઓછો હોય છે પણ ખરેખર તો તેના મનમાં પોતાના માટે કંઈક કરવાની તીવ્ર ઇચ્છા હોય છે અને તેને તેવું કરવામાં આનંદ મળતો હોય છે.

મહેશ ખૂબ સમજુ અને મહેનતુ હતો અને સાથે સારો ક્રિકેટર પણ હતો. તેના કારણે તેને ગ્રેજયુએટ થતાની સાથે શહેરની એક રાષ્ટ્રીયકૃત બેન્કમાં સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળી ગઈ હતી. તે બેન્કની ટીમનો કેપ્ટન પણ હતો. નોકરી મળ્યા પછી તરત તેનાં લગ્ન લેવામાં આવ્યાં હતાં. તેની પત્ની સાવિત્રી મૂળ ઉત્તર પ્રદેશની હોવા છતાં તેનો જન્મ પણ અમદાવાદમાં થયો હોવાને કારણે તે પાક્કી ગુજરાતી હતી. તે પણ ગ્રેજ્યુએટ હતી, છતાં સાવિત્રીને કયારેય નોકરી કરવાની ઇચ્છા થઈ નહોતી. મહેશ અને સાવિત્રી લગ્ન પછી ખુશ હતાં. બેન્કની નોકરી મળ્યા પછી પણ મહેશ સંયુક્ત પરિવારમાં ચાલીના ઘરમાં રહેતો. સાવિત્રી પણ સમજદાર હતી. તેને ખબર હતી, કે મહેશ ઉપર વૃદ્ધ માતા-પિતા અને બે નાના ભાઈઓની જવાબદારી છે. લગ્ન પછી બીજા વર્ષે જ સાવિત્રીએ અનિરુદ્ધને જન્મ આપ્યો હતો. રામપ્રસાદે ક્યારેય વિચાર્યું નહોતું કે તેના જીવનમાં ચારે તરફથી ખુશીઓ ટોળું બનીને આવશે. ઘણાં વર્ષો પછી રામપ્રસાદ અને સવિતાને વતન યાદ આવ્યું હતું, તેના કારણે બંને પોતાનાં ગામ ગયાં હતાં. માતા-પિતાની ગેરહાજરીમાં અચાનક મહેશને તાવ આવવા લાગ્યો હતો. આમ તો ક્રિકેટર હોવાને કારણે સતત સ્ટ્રેસને કારણે શરીર તૂટતું હશે તેમ માની બે–ત્રણ દિવસ દવા લીધી નહીં, પરંતુ પછી તાવ સતત ચાલુ રહ્યો અને પેટમાં સતત દુઃખાવો થતો હતો. મહેશે નજીકના ફેમિલી ડૉક્ટરને બતાવ્યું પણ તેની દવા લીધા પછી પણ તબિયતમાં સુધારો ન થવાથી ડૉક્ટર પણ ચિંતામાં પડી ગયા હતા. તેમણે મહેશ સાથે આવેલા તેના નાનાભાઈ વસંતને સૂચના આપી કે મહેશને મોટી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવે, કારણ કે મહેશની બીમારી પકડાતી નહોતી. વસંત મોટાભાઈને એલ. જી. હોસ્પિટલમાં લઈ આવ્યો હતો.

- Advertisement -

સરકારી ડૉક્ટર્સે પણ દવાઓ અજમાવી જોઈ પણ મહેશની પીડામાં ઘટાડો ન થયો. વસંતે પોતાનાં મમ્મી-પપ્પાને બોલાવી લેવાનો નિર્ણય કર્યો પણ મહેશે ના પાડી હતી, કારણ કે નિવૃત્તિ પછી તેઓ પહેલી વખત વતન ગયાં હતાં પણ મહેશની હાલત બગડી રહી હતી. મહેશનો પુત્ર અનિરુદ્ધ માત્ર દોઢ વર્ષનો હતો તેના કારણે વસંતે પોતાની ભાભી સાવિત્રીને ઘરે રહેવાનું કહ્યું હતું અને વસંત પોતે એકલો હોસ્પિટલમાં રહેતો હતો. તે રાત્રે કોણ જાણે મહેશને તીવ્ર પીડા થતી હતી છતાં તેનો ચહેરો સ્વસ્થ હતો. તેણે તે રાત્રે વસંતને પોતાની પાસે બેસાડી કહ્યું, “વસંત, તું મારો ભાઈ જ નહીં પણ મારો દીકરો પણ છે. મને લાગે છે, કે હવે મારી પાસે સમય ઓછો રહ્યો છે.” આ વાકય સાંભળતાં વસંત ધ્રૂજી ગયો હતો. તેણે મોટાભાઈના મોઢા ઉપર હાથ મૂકતાં કહ્યું, “ભાઈ આવું ન બોલો, મને ડર લાગે છે.” મહેશે નજીક બેઠેલા વસંતનો હાથ પકડતાં કહ્યું, “ડરવાથી કંઈ થવાનું નથી. જે થવાનું છે તેને હું કે તું રોકી શકતા નથી. હું પણ મરવા માગતો નથી, મારે પણ જીવવું છે પણ માની લે, કે હું ન રહું તો સાવિત્રી અને અનિરુદ્ધનું ધ્યાન રાખજે.” આ સાંભળી વસંત રડવા લાગ્યો હતો, કારણ કે તે હજી નાનો હતો. તે ગુજરાત કૉલેજના બીજા વર્ષમાં ભણતો હતો. તે રાત તો શાંતિથી પસાર થઈ પણ બીજા દિવસે મહેશ પીડાના કારણે પલંગમાં ઊછળતો રહ્યો હતો. હવે તો પેઈનકિલર દવા પણ તેની પીડા ઘટાડી શકતી નહોતી. સાંજ થતાં સુધી મહેશ શાંત થઈ ગયો હતો. વસંતને લાગ્યું કે ઘણા દિવસ પછી તેના મોટાભાઈ સૂઈ રહ્યા છે. થોડીવારમાં તપાસવા માટે આવેલી નર્સે મહેશની પલ્સ જોઈ અને તેણે તરત ઇન્ટરકોમ ફોન કરીને ડૉક્ટરને બોલાવ્યા. વસંત કંઈ સમજી શકયો નહીં, તરત ડૉક્ટર દોડતા આવ્યા. તેમણે કાન ઉપર સ્ટેથોસ્કોપ લગાડ્યું. થોડી વાર સુધી તે તપાસતા રહ્યા પછી પૂછ્યું, પેશન્ટ સાથે કોણ છે? વસંતે કહ્યું, “હું.” વસંતની નાની ઉંમર જોઈ તેમણે કહ્યું, “ઘરેથી કોઈ મોટાને બોલાવી લે બેટા.” વસંત સ્તબ્ધ થઈ ગયો. તેણે નર્સ સામે જોયું તે જ વખતે નર્સે સફેદ ચાદર મગાવી મહેશના માથા સુધી ઓઢાડી દીધી. વસંત તે જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડયો હતો.

મહેશ દુનિયામાં રહ્યો નહોતો. તેના કારણે તેની પત્ની સાવિત્રીને બેન્કમાં નોકરી આપી દેવામાં આવી હતી. સાવિત્રીને નોકરી મળતાં તેના ઉપર ઘરની જવાબદારી આવી પડી હતી, કારણ કે તેનાં સાસુ-સસરા અને બે દિયરમાંથી કોઈ કમાતું નહોતું. સાવિત્રીએ ઘરના તમામ સભ્યો પોતાના છે એમ સમજી ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. વસંતે કૉલેજ પૂરી કરી હતી અને એમ.એ. કરતો હતો, સાથે ટયૂશન પણ કરતો હતો. ટ્યૂશનમાં આવતા બાળકો વસંતને માસ્ટરજી કહેતાં હતાં માટે તે જોઈને અનિરુદ્ધ પણ માસ્ટરજી કહેવા લાગ્યો હતો. કાલી કાલી ભાષામાં અનિરુદ્ધ વસંતને માસ્ટરજી કહેતો તે સાંભળી ઘરમાં બધા ખડખડાટ હસી પડતાં હતાં. વસંત ખુશ હતો, કારણ કે તેને લાગતું કે તે પોતાના ભાઈને આપેલું વચન પાળી રહ્યો છે. તેણે એમ.એ. કર્યું પણ અધ્યાપક તરીકે નોકરી મેળવવી સહેલી નહોતી. નોકરી નહીં મળતાં તે થાકી જતો ત્યારે તેની ભાભી સાવિત્રી તેને આશ્વાસન આપતી હતી. આ દરમિયાન વસંતનાં લગ્ન માટે માગા આવવા લાગ્યાં હતાં પણ તે ના પાડતો હતો. તેને લાગતું હતું કે તે લગ્ન કરશે તો કદાચ ભાઈને આપેલું વચન પાળી શકશે નહીં. બીજી તરફ એમ.એ. થયા પછી છ વર્ષ બાદ વસંતને એક કૉલેજમાં નોકરી મળી હતી. ઘરમાં બધાં ખુશ હતાં. તે નિમિત્તે ઘરનાં સભ્યો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં સાવિત્રીનો ભાઈ રમેશ પણ દિલ્હીથી આવ્યો હતો. તેણે સમારંભ પૂરો થયા પછી સંકોચ સાથે વસંતને કહ્યું, “માઠું ન લાગે તો મારી એક વિનંતી છે.” વસંતે તેની સામે જોયું. રમેશે બે હાથ જોડતાં કહ્યું, “મારી બહેન સાવિત્રી સાથે તું લગ્ન કરે તેવી મારી ઇચ્છા છે.” આ સાંભળી વસંત સ્તબ્ધ થઈ ગયો, પણ પછી તેને લાગ્યું, કે કદાચ તેના મનમાં ઊંડે ઊંડે આ જ વાત રહેલી છે. તેણે રમેશને પૂછયું, “તેં ભાભી સાથે વાત કરી?” રમેશે સાવિત્રી સાથે વાત કરી લેવાની ખાતરી આપી હતી. જો કે ઘરમાં જ્યારે વડીલોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે સમાજનો ડર બતાવી આ વાતનો વિરોધ કર્યો હતો પણ વસંત અને સાવિત્રીએ લગ્ન કરવાની તૈયારી દર્શાવી તેના કારણે ઘરનો વિરોધ શાંત થઈ ગયો હતો અને બંનેએ લગ્ન કરી લીધાં. તેમનાં લગ્ન પછી તેમને બીજા સંતાનની જરૂર પડી નથી.

આ વાતને આજે વર્ષો થઈ ગયાં છે. વસંત અમદાવાદની જ એક કોલેજમાં પ્રાધ્યાપક છે અને સાવિત્રી બેન્કમાં નોકરી કરે છે, જયારે તેમનો દીકરો અનિરુદ્ધ ૨૧ વર્ષનો થઈ ગયો છે અને તે મેંગલોરની કૉલેજમાં અભ્યાસ કરે છે. તેના નામની પાછળ પિતા તરીકે મહેશનું નામ છે પણ તે વસંતને આજે પણ માસ્ટરજી કહીને બોલાવે છે. મિત્ર જેવા પોતાના પુત્ર અનિરુદ્ધને વસંત કાયમ એક જ સલાહ આપે છે, કે મોટો માણસ ન થાય તો વાંધો નહીં પણ સારો માણસ અચૂક બનજે, કારણ કે બધા જ મોટા સારા નથી હોતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular