Saturday, June 3, 2023
HomeGujaratગરીબ બાળકોને ભણાવવા આ વ્યક્તિએ પોતાનું ઘર સુદ્ધા ગિરવે મૂક્યું છે, તમે...

ગરીબ બાળકોને ભણાવવા આ વ્યક્તિએ પોતાનું ઘર સુદ્ધા ગિરવે મૂક્યું છે, તમે પણ કહેશો..

- Advertisement -

સમાજ તરફથી મળેલી નાની અમથી સહાયપણ ઋણ સાથે ચૂકવવાનું બધા જ વ્યક્તિ પ્રણ લે તો સામાન્ય લોકોનું જીવન સરળ બનાવી શકાય. નરોડામાં રહેતાં અમરતભાઈ પટેલ આવું જ ઋણ અદા કરી રહ્યા છે;અને તેનાથી અભ્યાસ કરી રહેલાં અનેક બાળકો પોતાનું શિક્ષણ સારી રીતે પૂરું કરી રહ્યા છે. એક વિદ્યાર્થીનીનું તેઓ બૅચલર ઑફ ડેન્ટલ સર્જરીનો અભ્યાસ કરાવી રહ્યા છે અને બીજી એક યુવતિ હાલમાં તેમના મદદથી ફિલિપીન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરી રહી છે!

અમરતભાઈ જે પણ કરી રહ્યા છે તેની પાછળ મૂળ પ્રેરણા છે તે તેમના જીવનમાં બનેલી ઘટના. આ ઘટના છે કડી તાલુકાના કરશનપુર ગામની. મૂળે અમરતભાઈનો પરિવાર વિરમગામના ઉભડા ગામના વતની, પણ પિતા નાનજીભાઈ પટેલને મજૂરી અર્થે કડી તાલુકામાં આવવાનું થયું. અહીં પિતા મજૂરીમાંજોતરાયા અને દીકરા અમરતનું શિક્ષણ આગળ વધ્યું. અમરત અભ્યાસમાં તેજસ્વી હતા અને ગામમાં આ વાત જાણીતી પણ હતી. અમરતનું દસમાનું પરિણામ આવ્યું અને તેમને વિદ્યાનગરમાં ડિપ્લોમાં એડમિશન મેળવવું હતું. એડમિશન તો મળી જાય તેમ હતું, પણ તેનો મહિને ખર્ચ રૂપિયા 600ની આસપાસ બેસતો હતો. પિતાની રૂપિયા 250ની આવકમાં તે શક્ય બનવાનું નહોતું, એટલે ગામના લોકો સુધી કોઈક રીતે આ વાત પહોંચી અને પછી શરૂ થયો અમરતને ગામના પૈસે ભણાવવાનો સેવાયજ્ઞ. આ સેવામાં સૌએ થાય એટલી મદદ કરી અને જોતજોતમાં 29,600નો ફાળો એકત્રિત થયો. આનાથી અમરતનું શિક્ષણ સરળતાથી થવાનું હતું અને થયું પણ ખરું.

- Advertisement -

શિક્ષણ પૂરું થયું અને થોડા જ વખતમાં અમરતને રેલવેમાં નોકરી મળી. શિક્ષણ, ઉંમર અને પદથી યુવાન અમરતને માનમરતબો મળ્યો અને અમરતભાઈ થકી ઓળખ થવા માંડી. 1987માં મળેલી નોકરીથી અમરતભાઈના જીવનમાં ઠીકઠાક પૈસો આવવા લાગ્યો. સામાન્ય રીતે આ કિસ્સામાં વ્યક્તિ પોતાનું ઘર રાચરચીલું કરે અને સમાજમાં રૂતબો કેળવાય તે રીતે ખર્ચ કરવા માંડે. પણ અમરતભાઈએ તેમ ન કર્યું, તેમણે સૌપ્રથમ તો ગામના લોકોના પૈસા પરત કર્યા અને તે સમયે એક નિશ્ચય પણ કર્યો કે મને જેમ ગામના લોકોએભણાવ્યો તેમ હું પણ ગરીબ બાળકોને થાય એટલી મદદ કરીશ. પછી શરૂ થયો ગરીબ બાળકોને સહાય કરવાનો સિલસિલો. છેલ્લા સાડા ત્રણ દાયકાથી તેઓ અનેક બાળકોના શિક્ષણનો આધાર બન્યા છે અને તેમના થકી અનેક બાળકોનો કારકિર્દીનો સૂરજ તપી રહ્યો છે. અમરતભાઈ આજે રેલવે વિભાગમાં સ્પીડ ટ્રેનના ડ્રાઇવર તરીકે ફરજ અદા કરી રહ્યા છે;પણ તેઓ તેનાથી ઉપર પોતાની ફરજ ધ્યાનમાં આવતા ગરીબ બાળકોને મદદ કરવાની પણ જોવે છે.

અત્યાર સુધી અગણિત બાળકોને તેઓએ મદદ કરી છે. આ ઉપરાંત તેમણે પોતાની સહાયમાં એક મંત્ર રાખ્યો છે વિદ્યાર્થીને જે જરૂર હોય તે મદદ કરવી. તેથી તેમણે સ્કૂલ ફી, ટ્યૂશન ફી, પુસ્તકો એમ અલગ-અલગ સામગ્રી વિદ્યાર્થીઓને આપી છે. ઇવન. એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને તેમણે લેપટોપ ખરીદીને આપ્યા છે. ઉપર કહ્યા મુજબ એક યુવતિને વિદેશમાં પણ અભ્યાસ કરવાનો ખર્ચ તેઓ ઉપાડે છે. રહેવાની વ્યવસ્થા ન હોય તેઓને પોતાના ઘરે રાખીને સગવડ પૂરી પાડે છે.

રેલવે વિભાગ તેમના આટલી લાંબી સર્વિસ અને અનુભવના બદલામાં સારો કહેવાય તેવો પગાર આપે છે. આ રકમ બે લાખની છે. પણ તેઓ આ રૂપિયા પોતાના જીવન પાછળ ન ખર્ચાય તેનું ધ્યાન રાખીને માત્ર બાળકોના શિક્ષણને પ્રાધ્યાન્ય આપ્યું છે. કરકસર કરીને જીવન જીવવાનું તેમણે સ્વીકારી લીધું છે અને તેનો લાભ વધુને વધુ બાળકોને મળે તેમ તેઓ ઇચ્છે છે. આ ઉપરાંત, નરોડાથી કાલુપુર જવા માટે તેઓ સાઇકલનો જ ઉપયોગ કરે છે. આ સેવાકાર્યમાં જો સહભાગિનીનો સાથ ન હોય તો તે કાર્ય લાંબુ ન ચાલે. પણ નસીબે તેમને એવા સાથીદાર મળ્યા છે, જે પોતે પણ અમરતભાઈના આ સેવાકાર્યમાં સહભાગી થાય છે. તેમના પત્ની ઘરે કપડાં સીવે છે અને તેમાંથી જે પૈસા એકઠા થાય તે પણ આ અમૂલ્ય સેવામાં ઉપયોગમાં લેવાય છે.

ગરીબ બાળકોને શિક્ષણ આપવાના ધ્યેયને અમરતભાઈ એટલાં વળગી રહ્યા છે કે તેઓ ગિરવે મૂકેલા પોતાના ઘરને પણ છોડાવતા નથી. ઘણી વાર નાણાં એકઠા થાય અને ઘર છોડાવવાનો વિચાર પણ આવે. પરંતુ જેઓ કોઈ વિદ્યાર્થી આવે એટલે ઘર છોડાવવાનું આયોજન પડતું મૂકીને તેઓ તે બાળકના ભવિષ્યનું આયોજન કરવામાં લાગી જાય છે. ઇવન, ઘણી વાર પોતાની પાસે રૂપિયા ખૂટ્યા હોય તો ઉધાર લઈને પણ તેઓ બાળકોને મદદ કરી છે. અમરતભાઈના ઘરના દરવાજા તમામ વર્ગ, જ્ઞાતિ અને ધર્મના વિદ્યાર્થીઓ માટે ખુલ્લાં છે અને તેમનું મન, હદૃય અને બેંક બેલેન્સ પણ તેમણે ખુલ્લું રાખ્યું છે. સમાજની જવાબદારી છે કે અમરતભાઈ જેવાં સેવાવીરનું કામ વધુ લોકો સુધી પહોંચે, જેથી કોઈ બાળક શિક્ષણ વિનાનું ન રહે, અને પૈસાના અભાવે તો નહીં જ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular