તેનું નામ લજ્જા હતું પણ તે લજામણીના છોડ જેવી નહોતી. તે હસતી-રમતી તોફાની છોકરી હતી. સાવ નાની હતી ત્યારથી તેને મિત્રો સાથે રમવાનું ગમતું હતું અને ખૂબ રમવા મળે માટે તે ખૂબ મિત્ર બનાવતી હતી. ૧૯૮૧માં તેનો જન્મ થયો ત્યારે તેના પિતા હીરેન અને માતા નિયતિએ તેનું નામ લજ્જા રાખવાનું નક્કી કર્યું હતું, કારણ કે જાણીતા નવલકથાકાર અશ્વિની ભટ્ટની નવલકથા લજ્જા સન્યાલમાંથી તેમણે લજ્જા નામ નક્કી કર્યું હતું. લજ્જા સ્કૂલે જવા લાગી. છતાં તેના સ્વભાવમાં કોઈ ફર્ક પડયો નહોતો. લજ્જા આવી છે તેમ કહેવાની જરૂર પડતી નહોતી કારણ કે તેની હાજરીનો તમામને અહેસાસ થતો. કુદરતનાં કેટલાંક સર્જન એવાં હોય છે જેની સાથે તમારે કોઈ સંબંધ નહીં હોવા છતાં તે તમને પોતાનાં લાગે છે અને લજ્જા કુદરતનું તેવું જ એક સર્જન હતી.
તે ખૂબ વાતો કરતી હતી પણ તેની સામે તમે જુઓ એટલે લાગે કે તેના હોઠ કરતાં તેની આંખો વધારે બોલે છે. તે ઘણીબધી વાતો કરવા માગતી હતી પણ એવી વાતો કે, જેનો કોઈ અંત જ નહોતો. તે ક્યારેય એકલી રહી શકતી નહોતી. લોકોની વચ્ચે રહેવું ગમતું હતું પણ તેના ઘરનો માહોલ જ એવો હતો કે મોટાભાગે તેને એકલી રહેવાનો વખત આવ્યો નહોતો, તે હીરેન ગાંધીનું એકમાત્ર સંતાન હતી, છતાં તે કયારેય એકલી પડતી નહોતી.
ગુજરાતના નાટયકારોમાં હીરેન ગાંધીનો પરિચય આપવો પડે તેમ નથી. તે માત્ર નાટયકાર નથી. તેમણે શેરી નાટકોના સહારે લોકો સુધી જવાનો પ્રયત્ન કર્યો છે. હીરેન તેમના કામમાં કેટલા સફળ છે તેની માહિતી આપવી હોય તો એવું કહી શકાય કે, હમણાં સુધી રાજય સરકારે તેમનાં ત્રણ નાટકો ઉપર પ્રતિબંધ મૂકયો છે. હીરેન અને નિયતિના ઘરે જન્મેલી લજ્જાને વારસામાં સંવેદના મળી હતી. તેને ક્યારેય સામેની વ્યક્તિની વેદનાને શબ્દોમાં સમજાવવી પડી નથી. તેણે પોતાનાં માતા-પિતાને છેવાડાના લોકો વચ્ચે કામ કરતાં જોયાં હતાં. હિન્દુ-મુસ્લિમનો પ્રશ્ન હોય કે નદીકિનારે રિવરફ્રન્ટની વૈભવી યોજના બનાવવાની વાત હોય. તેની સામે શેરી નાટકો કરતાં પોતાના પિતા સાથે લજ્જા પણ જતી હતી. એટલું જ નહીં તે પણ નાટકોમાં ભાગ લેતી હતી. કલાકાર ક્યારેય નિષ્ઠુર હોતા નથી, કારણ કે તેને પોતાનામાંથી બહાર નીકળી બીજામાં જીવવાનું હોય છે અને તેવું સંવેદનશીલ માણસ જ કરી શકે. તે પાકી છત નીચે રહી સારી શાળામાં અભ્યાસ કરતી છોકરી હતી. છતાં તેને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની સામાજિક અને આર્થિક વ્યવસ્થા સમજાતી હતી.
માટે જ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં બેઘર થયેલા લોકોની મદદે દોડી ગઈ હતી. અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા પછી તે એમ.એ. કરવા માગતી હતી. તેને જિંદગીની એક-એક ક્ષણ જીવવી હતી. જાણે થોડા સમયમાં અનેક કામ આટોપી જવાની ઉતાવળ ના હોય! તેણે એમ.એ. કરવાનો પોતાનો વિચાર પડતો મૂકી મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાં પ્રવેશ મેળવવાનો નિર્ણય કર્યો અને તેણે અઘરી ગણાતી તેની પ્રવેશ પરીક્ષા પાસ કરીને ત્યાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાં તેણે પોતાનું પ્રથમ વર્ષ પૂરું કર્યું હતું. તે મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીમાં પોતાનું કામ કરતી હતી. ટાટા ઈન્સ્ટિટ્યૂટમાંથી બહાર નીકળતાં મોટી કંપનીઓ નોકરી આપવા આતુર હોય છે પણ તેને પહેલાં લોકો સુધી જવું હતું. એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેસી ગરીબો માટેના કાર્યક્રમો તૈયાર કરનારી સ્વૈચ્છિક સંસ્થાને બદલે તેને લોકોને સમજવા હતા માટે જ તેણે પોતાની ટ્રેનિંગના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં યુદ્ધપીડિત મહિલાઓ વચ્ચે જવાનો નિર્ણય કર્યો હતો અને તા.૭મી એપ્રિલના રોજ અફઘાનિસ્તાન જવાની હતી.
મુંબઈ ગયા પછી પણ તેને મુંબઈના દરિયાની ખારાશ સ્પર્શી નહોતી. તે નદી જેવી સરળ અને તોફાની હતી. નદી નિર્મળ હોય છે કારણ કે નદી બંધિયાર હોતી નથી. તે અમદાવાદ આવતી ત્યારે પણ હીરેન અને નિયતિને પાગલ કરી દેતી, જાણે હજી પણ તે સ્કૂલે જતી કોઈ બાળા હોય તેવું તોફાન કરતી હતી. તેનામાં ગજબની હિંમત હતી. તે કોઈપણ પરિસ્થિતિ સામે હાર માને તેવી નહોતી. તેની સાથે ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં ભણતી એક સહેલીએ કોઈ કારણસર જીવનથી કંટાળી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને બચાવી લેનારી લજ્જા હતી. તેની સાથે લજ્જા તેના રૂમમાં પંદર દિવસ રહી હતી અને તેને અહેસાસ કરાવ્યો હતો કે, જિંદગીને પત્તાની બાજીની જેમ જિંકી દેવાય નહીં. આખરી પત્તા સુધી રમવું પડે. હીરેન અને નિયતિ લજજાને જોતાં અને સાંભળતાં ત્યારે તેમની આંખોને કોઈ અજાણી ટાઢક મળતી હતી. તેમને લાગતું કે, હજી હમણા જ આંગળી પકડી પા-પા પગલી ચાલતા શીખેલી લજ્જુ મોટી થઈ ગઈ છે. ઘરમાં તેને લાડથી લજ્જુ કહેતાં હતાં.
હજી દસ દિવસ પહેલાં હીરેન અને નિયતિ ગોવા ફરવા ગયાં હતાં. ત્યાંથી પાછા ફરતાં તે બંને મુંબઈ રોકાયાં હતાં અને લજ્જાને મળ્યાં પણ હતાં. તે મમ્મી-પપ્પાને જોઈને ખુશ હતી. તેને મળી બંને અમદાવાદ પરત ફર્યાં હતાં. તે દિવસે સોમવાર હતો. લજ્જા બાર વાગ્યા સુધી તેના કામમાં વ્યસ્ત હતી.
બપોરે કેન્ટીનમાં જમવા પણ બધાની સાથે હતી. તેના રોજના ક્રમ પ્રમાણે તેને ચાર વાગ્યે તેના સુપરવાઈઝર સાથે ઝૂંપડપટ્ટીના કાર્યક્રમમાં જવાનું હતું. સવાચાર થયા પણ તે આવી નહીં એટલે તેના સુપરવાઈઝરે. તેને ફોન કર્યો પણ ફોન રિસીવ થયો નહીં. સાંજના પાંચ વાગ્યા છતાં લજ્જાનો કોઈ પત્તો લાગ્યો નહીં. તેની સહેલીઓને પણ ચિંતા થઈ. તેઓ તેના રૂમ પર તપાસ કરવા આવી તો તેનો રૂમ અંદરથી બંધ હતો. ફરી તેને મોબાઈલ જોડ્યો તો તેના રૂમમાંથી ફોનની રિંગ સંભળાતી રહી. પણ લજ્જાએ ના ફોન લીધો કે ના કોઈ જવાબ આપ્યો.
તેથી ધક્કો મારી દરવાજો તોડ્યો તો લજ્જાની સહેલીઓના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, કારણ કે તે હૂક સાથે ફાંસો ખાઈ લટકતી હતી. જ્યારે આ વાતની હીરેન અને નિયતિને જાણ કરવામાં આવી ત્યારે તેમના ઉપર શું વીતી હશે તેની કલ્પના હૃદયનો ધબકારો ચૂકવી દે તેવી છે! સમાચાર મળતાં બંને મુંબઈ પહોંચ્યાં હતાં. તેમની લજ્જા રિસાઈ ગઈ હતી પણ કોના કારણે રિસાઈ ગઈ અને તેને શું માઠું લાગ્યું તેની કોઈને ખબર નહોતી. પોલીસે તેના મિત્રોને પૂછ્યું અને તેનો રૂમ તપાસ્યો, તેના મોબાઈલની ડિટેઈલ અને મેઈલ પણ જોયાં. પણ લજ્જાના રિસામણાનું કોઈ કારણ પોલીસને કે હીરેનને મળ્યું નહીં.
હીરેન અને નિયતિનું નિવેદન લેનાર મુંબઈના પોલીસ ઈન્સ્પેકટરને પણ લજ્જાનો આ નિર્ણય સમજાયો નહોતો, કારણ કે થોડા દિવસો પૂર્વે મુંબઈની વેશ્યાઓને પરેશાન કરતી પોલીસની ફરિયાદ કરવા ખુદ લજ્જા પોલીસ સ્ટેશન ગઈ હતી અને તેનો ભેટો આ જ પોલીસ ઈન્સ્પેકટર સાથે થયો હતો. તેણે વેશ્યાને પરેશાન કરવાની બાબતે પોલીસનો ઊધડો લઈ નાખ્યો હતો. એટલે તે ઈન્સપેકટરને સારું લાગતું ન હતું કે, પોલીસ સ્ટેશનમાં આવી પોલીસને ધમકાવવાની હિંમત કરનાર લજ્જા આવી રીતે જિંદગી સામે હારી જાય! લજ્જાએ કેમ આવું પગલું ભર્યું તેનો જવાબ તો મળ્યો નહીં પણ આંખમાં આંસુ સાથે હીરેન અને નિયતિએ મુંબઈમાં જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. દીકરી સાસરે જાય ત્યારે પણ તેના માવતરની આંખમાં આંસુ હોય છે પણ તે આંસુ પણ તેવી દુવા જ આપતાં હોય છે કે, જ્યાં જાય ત્યાં ખુશ રહેજે, પરંતુ લજ્જાને તેવું કહેવાના શબ્દો પણ રહ્યા નહોતા.
હીરેનના ઘરે વેજલપુરમાં લજ્જાનું બેસણું હતું. જેમાં આવનાર તમામ લજ્જાને ઓળખતા હતા. તેમાં તેના સ્કૂલ અને કોલેજના મિત્રો પણ હતા. જાણે બધા લજ્જાનો ફોટો જોઈ તેને પૂછતાં હતાં, “લજ્જા જવાનો નિર્ણય ભલે તારો હોય પણ કારણ આપ્યા વગર કેમ ગઈ? તું તો અમારા માટે જિંદગીનો કોયડો બની ગઈ!”