નવજીવન ન્યૂઝ, અમદાવાદ : બનાસકાંઠા જિલ્લાના જલોત્રા નજીકથી 4 વર્ષના બાળકના અપહરણ કેસની તપાસમાં આંતરરાજ્ય બાળ તસ્કરી (child trafficking gang) ગેંગનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠામાંથી 2, મુંબઈ 2, હૈદરાબાદ 3 અને દિલ્હીમાં 1 મળી એમ કુલ 8 બાળકો (નવજાત શિશુ સહિત) ની તસ્કરી કરનારી ગેંગના ત્રણ સભ્યોને બનાસકાંઠા જિલ્લા પોલીસે (Banaskantha Police) તેલંગાણાથી ઉઠાવ્યા છે. પકડાયેલા આરોપીઓ સ્થાનિક એજન્ટો પાસેથી નવજાત શિશુ સહિતના બાળકોને ઉપાડ્યા બાદ 24 થી 48 કલાકમાં ડિલિવરી કરી 4થી 5 લાખમાં વેચતા હતા.
રાજસ્થાનના સૂજારામ ભીલ તેમના પરિવાર સાથે વડગામના ધનપુરા ગામે છાપરું બાંધીને ભિક્ષાવૃત્તિ કરે છે. તેમનો પુત્ર દેવ બપોરના સમયે રોડ રમતો હતો. તે સમયે તેને લાલચ આપીને વડગામના મેપડા ગામના ખેતરમાં રહેતા દાંતાના વાઘોર (કાંસા) ગામનો શૈલેષ લાડુભાઈ લક્ષ્મણભાઈ ગમાર નામનો શખ્સ ગાડીમાં ઉઠાવી ગયો હતો. જોકે આ શખસ અપહ્યુત બાળકનું વેચાણ કરે તે પહેલાં તેને તેમજ બાળ તસ્કરીમાં સંડોવાયેલા એક કિશોર સહિત ત્રણને બનાસકાંઠા પોલીસે ઝડપી લઈ 1.50 લાખની રોકડ કબજે કરી હતી. ત્યારબાદ બનાસકાંઠા એલસીબી ટીમે (Banaskantha LCB Team) તેલંગાણાની મુરગન ગેંગના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર બોદાશુ નાગારાજા ઉર્ફે મુરગન બોદાશુ વેંકટી, કાસરાપુ તિરૂપથી કસરાપુ મલ્લાલહ અને કેલેટી ગંગાધર ગંગારાજન (ત્રણેય રહે. તેલંગાણા)નો સમાવેશ થયો છે.








