Friday, April 24, 2026
HomeGujaratમીરાંએ અલ્લાહને જાણ્યા અને રફીએ કૃષ્ણને ઓળખ્યા

મીરાંએ અલ્લાહને જાણ્યા અને રફીએ કૃષ્ણને ઓળખ્યા

- Advertisement -

૨ફીઉદ્દીન અને મીરાં સૌથી પહેલાં ગુજરાત કોલેજનાં ગ્રાઉન્ડમાં મળ્યાં હતાં ત્યારે બંને સ્કૂલમાં ભણતાં હતાં. આ વાત ૧૯૮૫ની છે. બંને હોકીના સારા ખેલાડી હતાં. કદાચ તેમની મિત્રતાનું તે પહેલું કારણ હશે. તેમની વચ્ચે મિત્રતા તો થઈ પણ બંને પાસે અનેક પ્રશ્ન હતા જેના જવાબ તેઓ શોધતાં હતાં, મીરાંના પિતા કટ્ટર હિન્દુવાદી હતા, જયારે રફી અમદાવાદના શાહપુર વિસ્તારમાંથી આવતો હતો. જ્યાં સામાન્ય છમકલું પણ કોમી તોફાનમાં ફેરવાઈ જતું હતું, જેના કારણે સ્વાભાવિક હતું કે તેના મનમાં પણ હિન્દુઓ માટેની કેટલીક માન્યતાઓ હતી.

રફી અને મીરાં હજી આમ તો નાનાં હતાં પણ તેમને લાગ્યું કે તેમના કાને હમણાં સુધી સાંભળેલી વાતોમાં સત્યનો અંશ નાનો હતો. મીરાંને લાગ્યું રફી ભલે મુસ્લિમ રહ્યો પણ તેની ઈબાદત મારી પૂજા જેવી જ છે. તેવી જ રીતે રફીએ પણ તેવો અહેસાસ કર્યો કે મીરાં કૃષ્ણમય ભલે હોય પણ તેને મારી ઈબાદત સામે વાંધો નથી. આ રીતે એકબીજાને સમજવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. માણસ જો માણસને સમજવા લાગે તો ઈશ્વરને સમજતાં વાર નથી લાગતી. શાળાનું શિક્ષણ પૂરું કરી બંને સિવિલ સ્નાતક થયાં હતાં.

- Advertisement -

રફી સિવિલ એન્જિનિયર થયો અને મીરાંએ એમ.એ. કર્યું હતું. તે બંનેને લાગ્યું કે તેઓ એક સાચા નિર્ણય તરફ જઈ રહ્યાં છે અને તે નિર્ણયનાં જે પરિણામો આવે તેની સામે લડવાની તેમની તૈયારી હતી. તેમને ખબર હતી કે, તેમનાં લગ્ન માટે તેમના પરિવાર રાજી નહીં થાય એટલે તેમણે પોતાના ઘરે વાત કરતાં અગાઉ કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. જ્યારે મીરાંએ પોતાના ઘરે વાત કરી ત્યારે બન્યું પણ તેવું જ, તેના ચુસ્ત હિન્દુવાદી પિતાએ લગ્ન સામે નન્નો ભણ્યો. મીરાં અને રફીની જિંદગીની રાહ એટલો સહેલી નહોતી, કારણ કે રફીના પરિવારની તેવી ઇચ્છા હતી કે મીરાં મુસ્લિમ ધર્મ અંગિકાર કરે પણ તેની સામે સૌથી પહેલો રફીને જ વાંધો હતો. તેણે પોતાના પરિવારજનોને સમજાવ્યા હતા કે, ‘જો મીરાં મુસ્લિમ થશે તો પોતે હિન્દુ ધર્મ અંગિકાર કરશે.’ રફી અને મીરાં એકબીજાને પ્રેમ કરતાં હતાં જેના કારણે તેમની વચ્ચે તેમનો ધર્મ કયારેય આવ્યો નથી.

અલબત્ત, નાનપણમાં નમાઝ અદા ફરતા રફીએ ખોટું બોલતા પોતાના કેટલાક ધર્મગુરુઓને જોયા, તેના કારણે તેને ફરી ક્યારેય નમાઝ પઢવાની જરૂર લાગી નથી. જ્યારે મીરાં કૃષ્ણભકિત કરે છે પણ તેને પણ મંદિરમાં જવાની જરૂરિયાત લાગતી નથી, કારણ કે જો દિલ સાફ હોય તો ખુદા તમને સામે ચાલી મળવા આવે છે. મીરાં આજે પણ નખશિખ હિન્દુ અને ૨ફી પાક મુસ્લિમ છે. મીરાં કયારેય રફીને મંદિરમાં લઈ ગઈ નથી અને રફી તેને કયારેય કોઈ દરગાહ ઉપર લઈ ગયો નથી. લગ્ન પછી મીરાંના પિતાએ તેમની સાથે તમામ સંબંધો કાપી નાખ્યા હતા અને મીરાંએ રફીની સાથે શાહઆલમમાં તેના પરિવાર સાથે રહેવાની શરૂઆત કરી હતી. તેમના લગ્ન બાદ તેમના ઘરે એક નાનકડી પરીનું આગમન થયું હતું. તેનું નામ તેમણે રાખ્યું ‘સાદગી’.

મીરાં અને રફી રવૈચ્છિક સંસ્થા ચલાવે છે. તેઓ મુખ્યત્વે ગરીબ બાળકોને ભણાવવા સહિત કોમીએકતા માટે વિવિધ કાર્યક્રમો કરે છે. તા. ૨૮મી ફેબ્રુઆરી-૨૦૦૨ના રોજ રફી અંબાજી પાસે આવેલા દાંતા ગામે હતો ત્યાં આદિવાસીઓ વચ્ચે તેનો કાર્યક્રમ હતો. તેને તો ખબર પણ નહોતી કે ગોધરા અને અમદાવાદમાં શું બન્યું છે. જ્યારે ખબર પડી કે તોફનો શરૂ થયાં છે એટલે તે સીધો અંબાજી પહોંચ્યો અને ત્યાં જઈ કપાળમાં લાલ ચાંદલો કરી અમદાવાદ આવવા નીકળ્યો હતો. જયારે અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો જીવ બચાવવા માટે શાહઆલમમાં આવી ગયા હતા અને તેમના માટે એક રાહત છાવણી પણ શરૂ કરવામાં આવી હતી. આ વખતે મીરાં અને રફીને લાગ્યું કે, તેમણે પોતાના ઘરમાં બેસી રહેવાને બદલે બીજાની આંખમાં આંસુ લૂછવા માટે બહાર નીકળવું જોઈએ. બીજાનાં આંસુ તે માણસ જ લૂછી શકે જેને બીજાના દુઃખની સ્વાનુભૂતિ થતી હોય અને તે બંને પોતાની દીકરી સાદગી સાથે ઘર છોડી રાહત કેમ્પમાં ઘરવિહોણા થયેલા લોકો સાથે તેમનાં દુઃખને વહેંચવા માટે આવી ગયાં હતાં. લોકોને મદદ કરવા ઉપરાંત રાહતકેમ્પ માટે જરૂરી અનાજ-પાણી લેવા જવાનું કામ મીરાં સંભાળતી હતી, કારણ કે તે લેવા માટે હિન્દુ વિસ્તારમાં જવું પડતું હતું. શહેરનો માહોલ સારો નહોતો, છતાં મીરાંને કોઈ ડર લાગતો નહોતો.

- Advertisement -

તે દિવસે પણ મીરાં કાયમ મુજબ અનાજ લેવા માટે નીકળી હતી અને તે પાછી ફરી રહી હતી ત્યારે તેને કાંકરિયા પાસે એક ટોળાએ આંતરી હતી. ટોળું હિન્દુનું હતું એટલે ડરવાનું કોઈ કારણ નહોતું, છતાં મીરાંની પૂછપરછ કરી રહેલા ટોળાને કોણ જાણે ક્યાંથી ખબર પડી કે, મીરાં મુસ્લિમો માટે અનાજ લઈ જાય છે. બસ આટલી ખબર પડતા ટોળું ઉશ્કેરાયું. તેમને મંજૂર નહોતું કે કોઈ હિન્દુ થઈ મુસ્લિમને મદદ કરે અને પછી કોઈપણ માણસ બીજા માણસ સાથે વ્યવહાર ના કરે તેવો વ્યવહાર શરૂ થયો. તેના કપડાં ખેંચવા સહિત તેને ઉપાડી જવાની તૈયારીઓ થઈ હતી. હજી થોડા સમય પહેલાં મીરાંને જે લોકો પોતાના લાગતા હતા તે જ હવે તેના માટે હેવાન બની ગયા હતા. જેના કારણે મીરાં ખૂબ ડરી ગઈ હતી.

આ વખતે બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો આ દૃશ્ય જોઈ દોડી આવ્યા હતા, કારણ કે મીરાં તેમનાં બાળકોને ભણાવતી હતી અને તે લોકો જ તેને બચાવી ત્યાંથી લઈ ગયા હતા. તેઓ પણ હિન્દુ જ હતા. આ ઘટનાએ મીરાંના માનસને વ્યથિત કરી નાખ્યું હતું. આવી જ ઘટના મીરાંની દીકરી સાદગી સાથે બની હતી. તે સ્કૂલે જતી હતી તે વખતે તેણે એક ટોળું જોયું હતું. તે ટોળાએ બે માણસોને જમીન ઉપર પછાડી તેમના માથા ઉપર પથ્થરો મારી તેમને મારી નાખ્યા હતા. સાદગી ડરી તો ગઈ હતી પણ તેને હિન્દુ-મુસ્લિમ કેમ લડે છે તે વાત સમજાતી નહોતી અને એટલે જ તેઓ શાહઆલમ છોડી પાલડીમાં રહેવા આવી ગયાં હતાં.

આ એક એવી કમનસીબી હતી કે મીરાં હિન્દુ હતી છતાં તેને પોતાના જ સમજી શકતા નહોતા અને રફી હિન્દુને પ્રેમ કરતો હતો છતાં તેને ડર પણ હિન્દુનો જ લાગતો હતો. આ દિવસો દરમિયાન રફી કાર ચલાવતો હોય ત્યારે મીરાં કપાળમાં ચાંદલો કરી તેની બાજુની સીટમાં બેસતી હતી, જેના કારણે રફીને હૂંફ મળતી હતી. જયારે સામેથી આવનાર હિન્દુને જોઈ કોઈ અજાણ્યો ડર લાગતો હતો. આ એક એવી વિટંબણા હતી જેમાં મીરાં અને રફીએ પોતાના પ્રશ્નોના પોતે જ જવાબ આપવાના હતા. સાદગી ત્રીજા ધોરણમાં આવી છે. તે કૃષ્ણની પૂજા કરતી માતાને જુએ અને દાદાના ઘરે જાય ત્યારે નમાઝ પઢતી દાદીને પણ જુએ છે. હજી તે અસમંજસમાં છે. તેને ખબર નથી કે તેને કઈ તરફ જવાનું છે પણ મીરાં અને રફીએ તેના માટે બંને રસ્તા ખુલ્લા રાખ્યા છે.

- Advertisement -

મીરાં અને રફીનાં લગ્નને ઘણા વર્ષ થઈ ગયાં છે. તેમના લગ્ન બાદ મીરાંના પિતા કયારેય મીરાંને મળવા આવ્યા નથી પણ મીરાંને ગળ્યું ખૂબ ભાવે છે માટે તેમણે ઘણા વર્ષથી ગળ્યું નહીં ખાવાનો નિયમ લીધો છે અને તેને પાળે છે. કદાચ દીકરીની યાદમાં ગળ્યું નહીં ખાવાનો નિયમ જ તેમની પ્રેમ કરવાની સ્ટાઈલ હશે! આ છે મીરાં અને રફીની રિયલ વેલેન્ટાઈન લાઈફ.

આપને વાંચન ગમ્યું હશે, તેવી આશા છે. નવજીવનની આવી જ પોસ્ટ વાંચવા માટે ફેસબુક પેજ લાઈક કરો, લાઈક કરવા અહીં ક્લિક કરોઃ Navajivan અથવા આ હેન્ડલર સાથે ફેસબુકમાં સર્ચ કરી લાઈક કરો @Navajivan.in, હા ફોલોમાં see first કરવાનું ચુકતા નહીં

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular