નવજીવન ન્યૂઝ. રાજકોટ: છેલ્લા ઘણા સમયથી આપણે જોયું છે કે ગરીબોની ઝૂંપડીઓ ઉપર બુલડોઝર ફરી જવાની ઘટનાઓ કેટલી ઝડપી વધી રહી છે. તેવી જ રીતે ગતરોજ રાજકોટના (Rajkot) જેતપુરમાં (Jetpur) લગભગ 70 વર્ષથી રહેતા દેવીપૂજક સમાજના ઘર પર બુલડોઝર (Bulldozer) ફેરવી કાઢવામાં આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આસપાસના કારખાનાના માલિકોએ જે દબાણ કર્યું છે તે નગરપાલિકાને (Jetpur Nagarpalika) ન દેખાયું અને અમારી આખી જીંદગીની કમાણીથી ઊભા કરેલા ઘર નગરપાલિકાએ તોડી પાડ્યા છે. જ્યારે નગરપાલિકાના અધિકારીઓ લૂલો બચાવ કરતાં નજરે પડ્યા હતા.

ગઈકલે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ ગાડા રોડ પર રહેતા દેવીપૂજક સમાજના 15 જેટલા કાચા/પાકા મકાન તોડી પાડવામાં આવ્યા છે. આ ડિમોલિશન (demolition) દરમિયાન એક કરૂણ ઘટના એવી હતી કે, આ જગ્યાએ રહેતા ઉષાબેન સોલંકીના દીકરીની ગઇકાલે સગાઈ હતી. નગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં તેમની દીકરીની સગાઈ રઝડી પડી હતી. આ ઉપરાંત અન્ય એક મહિલાએ નગરપાલિકા ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “આજુ બાજુના કારખાનના માલિકો કેટલું દબાણ કરીને બેઠા છે, તે આ નગરપાલિકાને દેખાતું નથી અને અમે કોઈને નડતાં નથી તેમ છતાં અમારા ઘર પાડી દેવામાં આવ્યા છે. અમે આખી જીંદગીની કમાણી આ ઘર બનાવમાં નાખી દીધી છે, હવે અમારે ક્યાં જવાનું? અમારે નાના બાળકો છે તેમને લઈને હવે અમે રસ્તા ઉપર રહીશું?”
આ અંગે વાત કરતાં નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન ગઢવી જણાવે છે કે, “આસપાસના કારખાના માટે પણ નગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જો તેમણે ગેરકાયદે દબાણ કરેલું હવે તો તેમને પણ નોટિસ આપીને ડિમોલિશન કરવામાં આવશે. હાલ જે જગ્યાએ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે, ત્યાં પહેલા નોટિસ આપવા આવી હતી. નોટિસનો સમય પૂર્ણ થયા બાદ તેમને ઘર ખાલી કરવાની જાણ પણ કરવામાં આવી હતી, ત્યાર બાદ આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં કારખાનની ગેરરીતિ દેખાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








