Friday, December 1, 2023
HomeGeneralઇન્ટરનેશનલ નર્સિંગ ડે વિશેષ: નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગલ, ગાંધીજીએ તેમનાં વિશે શું...

ઇન્ટરનેશનલ નર્સિંગ ડે વિશેષ: નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગલ, ગાંધીજીએ તેમનાં વિશે શું કહ્યું હતું; જાણો

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): International Nursing Day Special:નર્સિગની સેવાનો મહામૂલી વારસો આપી જનારા ફ્લૉરેન્સ નાઇટિંગલની (Florence Nightingale) જન્મને બસો ત્રણ વર્ષ થયાં છે; તેઓનો જન્મદિવસ ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ તરીકે ઉજવાય છે. આજે ‘ઇન્ટરનેશનલ નર્સિસ ડે’ છે અને નર્સિંગના ક્ષેત્રમાં તેમણે કરેલા કાર્યની નોંધ ગાંધીજીએ પણ લીધી હતી. ગાંધીજીના (Mahatma Gandhi)શબ્દોમાં વાંચો ફ્લૉરેન્સનું સેવાકાર્ય….

Nursing heroine Florence Nightingale
નર્સિંગની નાયિકા ફ્લૉરેન્સ નાઇટિંગલ

આજે જેટલાં સાધનો જખમી માણસોની સારવાર કરવાનાં છે, તેટલાં આજથી 50 વર્ષ ઉપર ન હતાં. આજે જેટલા માણસો મદદ કરવા નીકળે છે તેટલા તે વખતે ન હતા. શસ્ત્રવિદ્યાનું જોર આજ છે તેટલું તે વખતે ન હતું. ઘાયલ માણસોને મદદ કરવા જવામાં પુણ્ય છે, તે દયાનું કામ છે, એવું સમજનારા તે વેળા થોડા માણસ હતા. એવા વખતે આ બાઈ ફ્લૉરેન્સ નાઇટિંગેલ કેમ જાણે ફિરસ્તો થઈ ઊતરી ન હોય એવાં તેણે કામ કર્યાં! સોલ્જરો દુઃખી થાય છે એ તેણે જાણ્યું; ત્યારે તેનું હૃદય ભેદાયું. પોતે મોટા કુળની પૈસાદાર બાઈ હતી. પોતાના એશઆરામ છોડી પોતે દરદીઓની સારવાર કરવા ચાલી નીકળી પડી. તેની પછવાડે બીજી ઘણી બાઈઓ ગઈ. પોતે 1854ના ઑક્ટોબરની 21મી તારીખે નીકળી પડી. ઇંકરમેનની લડાઈમાં તેણે સજ્જડ મદદ કરી. આ વખતે જખમીઓને ન હતાં બિછાનાં, કે ન હતી બીજી સગવડો. આ એક બાઈની દેખરેખ નીચે 10,000 જખમીઓ હતા. તે બાઈ પહોંચી તે વખતે મરણની સંખ્યા સેંકડે 42ની હતી, તેણીના જવા પછી એકદમ 31 ઉપર આવી, ને છેવટે તે સેંકડે 5 સુધી સંખ્યા આવી. આ ચમત્કારી બનાવ છે છતાં સહેજે સમજી શકાય એવો છે. આટલા હજારો ઘાયલ થયેલા માણસોને લોહી ચાલતું અટકાવવામાં આવે, જખમ બાંધવામાં આવે, અને જોઈતો ખોરાક આપવામાં આવે, તો બેશક જાન બચે. માત્ર દયાની અને સારવારની જરૂર હતી તે નાઇટિંગેલે પૂરી પાડી. એમ કહેવાય છે કે મોટા ને મજબૂત માણસો કામ ન કરી શકે તેટલું નાઇટિંગેલ કરતી. પોતે દહાડોરાત મળી 20 કલાક સુધી કામ કરતી. જ્યારે તેની નીચેની બાઈઓ સૂઈ જતી ત્યારે પોતે એકલી મધ્યરાતે મીણબત્તી લઈ દરદીઓના ખાટલા પાસે જતી, તેઓને આસાએશ આપતી અને જે કંઈ ખોરાક વગેરે જોઈએ તે પોતાને હાથે આપતી. નાઇટિંગલ જ્યાં લડાઈ ચાલતી હતી ત્યાં જતાં પણ ડરતી નહીં, ને જોખમમાં શું છે તે સમજી ન હતી. ભય માત્ર ખુદાનો રાખતી. જ્યારેત્યારે પણ મરવું છે એમ સમજી દુઃખ ઓછું કરવાને ખાતર જે ઈજા ઉઠાવવી પડે તે ઉઠાડતી.

- Advertisement -

આ બાઈ કદી પરણી ન હતી. પોતાની જિંદગી આવાં સારાં કામોમાં ગાળી. જ્યારે તે મરી ગઈ ત્યારે હજારો સોલ્જરો નાનાં બાળકની માફક પોતાની મા મરી ગઈ હોય તેમ પોકેપોકે રડેલા એમ કહેવાય છે. આવી બાઈઓ જ્યાં પેદા થાય તે દેશ કેમ આબાદ ન હોય!…

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular