Thursday, April 16, 2026
HomeGujaratAhmedabad‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ વેબ સિરીઝ ભારતીય ઇતિહાસને રજૂ...

‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ વેબ સિરીઝ ભારતીય ઇતિહાસને રજૂ કરતો પ્રામાણિક દસ્તાવેજ

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇતિહાસને નવી રીતે રજૂ કરતો નમિત અરોરાની (Nimit Arora) ‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ (Indians:A Brief History of a Civilization)નામની વેબ સિરીઝ અત્યારે ખાસ્સી જાણીતી બની છે. બે મહિનાથી શરૂ થયેલી આ સિરીઝ ‘ધ વાયર’ નામના ન્યૂઝ પોર્ટલ પર મૂકાય છે અને તેનાં દસ ભાગ અત્યાર સુધી ટેલિકાસ્ટ થઈ ચૂક્યા છે. ભારતીય સભ્યતાના મૂળિયા છેક હડપ્પા સંસ્કૃતિ સુધી જાય છે અને તે ઇતિહાસન તબક્કાવાર સરળતાથી સમજવા માટે નમિત અરોરાની આ સિરીઝ ઉપયોગી થાય એમ છે. નમિત મૂળે તો ‘આઇઆઇટી ખડપુર’ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તે પછી તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે કમ્પ્યૂટર એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી. બે દાયકા સુધી તેઓ સિલિકોન વેલીમાં રહ્યાં અને 2013માં ભારત પાછા ફર્યા. બસ, તે પછી તેઓ સતત ભારતીય ઇતિહાસ સંબંધિત રિસર્ચ કરતાં રહ્યા છે. જોકે અત્યારે તેમની જે સિરીઝ ચાલી રહી છે તે નામનું જ ‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ પુસ્તક આવ્યું હતું. તે અગાઉ તેમણે ‘ધ લૉટરી ઑફ બર્થ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં સમાજમાં જન્મથી વ્યક્તિ અસામનતા ધરી પર આવી જાય છે તેની વાત છે. આકસ્મિક રીતે થયેલા જન્મ જ એક વ્યક્તિની પૂરું જીવન ઘડે છે. આ ઉપરાંત, તેમણે ‘ધ કેલિફોર્નિયા સ્ટોરી’ પુસ્તકમાં સિલિકોન વેલીમાં કામ કરતા વેળાના અનુભવ નોંધ્યા છે. અને ‘લવ ઍન્ડ લોથિંગ ઇન સિલિકોન વેલી’ નામે એક નવલકથા પણ લખી છે. નમિતની અહીં સુધીની લેખન સફર ટૂંકી લાગી શકે, પરંતુ તે પછી તેમણે લખેલું ‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ ખાસ્સું જાણીતું બન્યું અને તે કારણે તે વેબ સિરીઝમાં ઉતર્યું છે.

Arora book
Arora book

વર્ષ 2013માં નમિત અરોરા ભારત પાછા ફર્યા પછી તેમણે જે કામ ઊપાડ્યું તે દિલ્હી સરકાર સાથે સહયોગ કરીને નાગરિક પ્રશ્નો નવીન રીતે ઉકેલવાનું હતું. આ કામ નમિતે કોઈ વળતરની અપેક્ષા વિના લીધું હતું. દિલ્હી સરકાર માટે આ રીતે તેમણે સૌર ઉર્જા માટે નીતિ ઘડી અને પ્રદૂષિત વાતાવરણને દૂર કરવા માટે પણ તેમણે કામ કર્યું. આ દરમિયાન તેમનું લેખનકાર્ય ચાલુ રહ્યું અને પુસ્તકો પણ પ્રકાશિત થતા રહ્યા; પણ ‘ઇન્ડિયન : અ બ્રિફ હિસ્ટરી ઑફ સિવિલાઇઝેશન’ તેમને વિશેષ ઓળખ બક્ષી. આ પુસ્તક આવ્યું હતું ત્યારે ભારતીય સભ્યતા અંગે તેમની મુલાકાતમાં તેમનો દૃષ્ટિકોણ જોઈ શકાય છે. તેઓ કહે છે કે, ‘હું મધ્યમવર્ગના ‘સૅફ’ કહેવાય તેવાં એન્જિનિયરીંગ ક્ષેત્રમાં આવ્યો. યુવાની કાળમાં તે સિવાય હું કંઈ બીજું ઇચ્છતો પણ નહોતો. અને તે બાબત મારા માટે સારી નીવડી. જે કારણે જ હું આઇઆઇટી ખડગપુરથી કેલિફોર્નિયા જઈ શક્યો. અને કારકિર્દીથી કમાવેલા નાણાંથી જ હું જ્યાં ઇચ્છતો હતો ત્યાં ફરી શક્યો અને માનવ-વિદ્યાઓ વિશે શીખી શક્યો. જોકે દિવસનું કામ મહદંશે બિલ ભરી શકું તે માટેનું માત્ર હતું.’

- Advertisement -

લેખનકાર્યમાં જે મહદંશે લેખકો સાથે થાય છે તેવું નમિત અરોરા સાથે પણ થયું. તેમના લેખનને અનેક પ્રકાશકોએ નકાર્યું. જોકે, તેમણે પોતાની જાતને લેખનમાં નિખારી. અને તેથી જ તેઓ પોતાની નોકરીને અલવિદા કહી શક્યા અને પાછા ભારત આવ્યા. અહીંયા આવ્યા પછી તેમની ટેક્નોલોજીની કારકિર્દીને વિદાય આપી, તેઓ પૂર્ણ સમય લખવા-વાંચવામાં અને પ્રવાસ કરવામાં ગાળતા થયા. આ દરમિયાન તેમણે દિલ્હી સરકારનું કામ લીધું અને પોતાના મનપસંદ વિષય ઇતિહાસ પર કામ કર્યું. નમિતના પુસ્તક વિશે જાણવા સાથે તેમના ઇતિહાસના અભ્યાસ પ્રત્યે લગાવ કેવી રીતે જન્મ્યો તેનાથી પણ માહિતગાર થવા જેવું છે. તેઓ ‘ધ સ્ક્રોલ’ પોર્ટલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહે છે કે, ‘ભારત છોડીને અમેરિકા જવાનું થયું તે પછી મારો ઇતિહાસ પ્રત્યેનો લગાવ ગાઢ થતો ગયો, કારણ હતું અમેરિકામાં થતા તેમના સંસ્કૃતિ અને ઓળખ વિશેના પ્રશ્નો. 1990ની આસપાસ જ્યારે હું વીસ વર્ષનો હતો ત્યારે મેક્સિકો જવા ઉપડ્યો. તે દરમિયાન અમેરિકાની ‘માયાન’ અને મેક્સિકોની ‘એઝટેક’ સભ્યતા જોઈને ચકીત થયો. આ દરમિયાન જ આવાં ગુમનાશ શહેરો અને સંસ્કૃતિઓની સ્મૃતિ સાચવી રાખતા ઐતિહાસિક સ્થળોને પુરાતત્વવાદીઓ દ્વારા શોધાયા તે તરફ મારું લક્ષ્ય ચોંટ્યું. અને એ રીતે દુનિયાની અનેક આવાં ગુમનામ સભ્યતાની મેં મુલાકાત લીધી. એ રીતે 2000ના વર્ષમાં મારા એક સહયોગી અને મેં ભારતમાં પ્રવાસ કરવા અર્થે બે વર્ષની રજા લીધી. એ અમારાં માટે ખૂબ અનેરો અનુભવ હતો. અમે વીસ જેટલાં રાજ્યોની અસંખ્ય સાઇટ પર ગયા, તેનો ઉલ્લેખ મેં ‘ઇન્ડિયન…’ પુસ્તકમાં કર્યો છે. તે દરેક જગ્યાએ અમને કોઈ નવા પ્રશ્નો થયા, જેના ઉત્તર શોધવા સરળ નહોતા.’

આ પ્રશ્નો વિશે તેઓ કહે છે જેમ કે, ‘મને થતું હતું કે ધોળાવિરામાં જીવન કેવું હશે, અને હડપ્પીયનોની કંઈ પ્રકૃતિ આજે પણ આપણી સાથે છે. એ કેવો શહેરી સમાજ-વ્યવસ્થા હશે જ્યાં નાગાર્જુન જેવાં વિદ્વાન જન્મ્યા? નાલંદામાં વિદ્યાર્થીઓનું જીવન કેવું હશે? અને કેમ ખજુરાહોના મંદિરના ભીંતો પર શૃંગારરસને ધાર્મિક વિશ્વ દૃષ્ટિકોણ રીતે રજૂ કરવામાં આવ્યા છે? વિજયનગર શહેર આટલું સમૃદ્ધ કેવી રીતે થયું? વારાણસીમાં મૃત્યુથી ખરેખર મોક્ષ પ્રાપ્તિ થાય છે? તે પછી આ પ્રશ્નોના જવાબો શોધવાની શરૂઆત કરી. અને એ રીતે ‘ઇન્ડિયન’ પુસ્તકનો વિચાર જન્મ્યો.’

આ સફરનો આગળનો પડાવમાં નમિત અરોરાએ અગાઉ આ વિશે લખાયેલું બધું વાંચ્યું. તેમાં સાહિત્ય હતું, ઇતિહાસ હતો. આ ઉપરાંત, અલગ-અલગ દૃષ્ટિકોણથી લખાયેલું સાહિત્ય અને આ વિષય પર કામ કરનારાંઓના અનુભવ વાંચ્યા. તેમણે એ દરમિયાન પુસ્તકના પરિચય, નિબંધ અને પ્રવાસવર્ણન લખ્યા. એ રીતે તેઓ ઇતિહાસના બિંદુઓને જોડતા ગયા અને પુસ્તકનો એક ઢાંચો તૈયાર થયો.

- Advertisement -

આ પુસ્તક દરમિયાન જે તેમના મહત્ત્વના નિરીક્ષણો છે તે વિશે નમિત કહે છે : ‘ભારતીય સભ્યતા નિરંતર બદલાતી સફર છે. હડપ્પા સંસ્કૃતિમાં જ્યાં સૌપ્રથમ ઇન્ડોર શૌચાલય બન્યા. અને પ્રાચીન યુગની તે સૌથી સમાનતા બક્ષતી વ્યવસ્થા હતી. આ સભ્યતામાં નાટકીય રીતે બદલાવ આર્યોના આવવાથી થયો, જેઓ નવી ભાષા, નવા ધાર્મિક વિચાર અને વર્ણવ્યવસ્થા લાવ્યા. બુદ્ધધર્મનો ઉગતો અને આથમતો કાળ, સામંતશાહી અને ભક્તિયુગનો ઘટનાક્રમ, તુર્કી-પર્શિયન દ્વારા આવેલા ઇસ્લામે ભારતીય ઉપમહાદ્વિપમાં એક સમધર્મી સંસ્કૃતિ ઊભી કરી. તે પછી અંગ્રેજ શાસન દરમિયાન યુરોપની આધુનિકતા ભળી. અને તેથી ભારતીય સભ્યતા અલગ-અલગ લોકો માટે અલગ સમજ રોપે છે.’

નમિત અરોરાને ‘ભારતીય’ તરીકે માપદંડ કયા છે તે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કહે છે કે, ‘પોતાની જાતને જે કોઈ ભારતીય કહે તે ભારતીય છે. ભારતીય હોવા અંગે કોઈ નિર્ધારીત પરીક્ષણ નથી. ન તો તે માટે કોઈ વિશેષ લાયકાત નક્કી કરવામાં આવી છે. એટલે ભારતીય તરીકેની ઓળખ જે કોઈ, જે રીતે આપતું હોય તે તેનું ભારતીય હોવાનું નિશ્ચિત કરે છે. કોઈ વ્યક્તિ કે સમૂહ ભારતીય હોવાની કોઈ મર્યાદા નિર્ધારીત કરી શકતો નથી.’ નિમત આ પૂરી વાત સમજાવવા જાણીતા શાયર રાહદ ઇન્દોરીનો એક શેર ટાંકે છે : ‘કિસી કે બાપ કા હિંદુસ્તાન થોડી હૈ.’

એ તો સ્વાભાવિક છે કે જે રીતે નમિત અરોરાએ પુસ્તક લખ્યું છે તે મુજબ પોતાની સિરીઝ બનાવી નથી. લખાણ અને દૃશ્ય માધ્યમ બંને વેગળા છે અને બંનેની પોતપોતાના જમા પાસાં છે. પરંતુ જેઓને ત્રણસો આસપાસ પાનાં વાંચવાની અનુકૂળતા ન હોય તેઓ આ સિરીઝ જોઈને પોતાની જાતને ભારતીય સભ્યતાના જ્ઞાનથી સમૃદ્ધ કરી શકે છે. ઇતિહાસ સંબંધિત નવીન પ્રશ્નો સાથે મેળવેલા ઉત્તરોથી નમિત અરોરાએ એક પ્રામાણિક ઇતિહાસ બયાન કર્યો છે. આજે જ્યારે ઇતિહાસને લઈને જ્યારે ચિત્રને ધૂંધળું કરવાનો પ્રયાસ થાય છે ત્યારે નમિત અરોરાનું પુસ્તક અને સિરીઝ ઇતિહાસને સ્પષ્ટ કરી આપે છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular