નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમરેલીના દામનગરમાં દારૂના ગોડાઉન ખાતે કટિંગ થતું હતું તે સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) ત્રાટક્યો હતો. સ્થળ પરથી 17 લાખનો દારૂ, ટ્રક, બે કાર અને બાઈક જપ્ત કરી બે સ્થાનિક બુટલેગરો, અમદાવાદના દારૂ સપ્લાયર અને મજૂરો સહિત 7 શખસોને પકડ્યા છે. દામનગર સહજાનંદ ગુરૂકુળની બાજુમાં આવેલા ગોડાઉનની ચાવી દામનગર પોલીસ સ્ટેશન (Vijay Bhadaliya Damnagar Police Station) માં ફરજ બજાવતા વિજય ભાડલીયાએ બુટલેગરોને આપી હોવાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે.
લાઠી તાલુકાના દામનગર ખાતે સહજાનંદ ગુરૂકુળ પાસે આવેલા ગોડાઉનમાં દારૂની ટ્રક ખાલી થવાની છે તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર. કે. કરમટા (PI R K Karamta) ની ટીમને મળી હતી. Team SMC એ દરોડો પાડ્યો ત્યારે ગુરૂકુળ પાસેના ગોડાઉન ખાતે ટ્રકમાં ગોવાથી લવાયેલા વિદેશી દારૂનું કટિંગ ચાલતું હતું. સ્થળ પરથી સ્થાનિક બુટલેગર કૌશિક ગોહીલ ઉર્ફે કવો,વિષ્ણુપરી ગોસ્વામી, ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા તેમજ ગોવાથી દારૂ મગાવનાર વિરાજ પ્રવિણચંદ્ર રાણા, સપ્લાયર તેમજ મજૂરો સહિત 7 શખસો મળી આવ્યા હતા. પોલીસે 7686 દારૂની બૉટલો (કિંમત રૂપિયા 16.91 લાખ), ટ્રક, બે કાર, બાઈક અને આરોપીઓના 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા.
પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા અનુસાર કૌશિક ગોહીલ અને વિષ્ણુપરી છેલ્લાં લાંબા સમયથી વિદેશી દારૂનો ધંધો કરતા હતા. મહિના અગાઉ અમદાવાદ જિલ્લાનો વિરાજ રાણા સંપર્કમાં આવતા તેણે ગોવાથી દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. દારૂનો જથ્થો સંગ્રહ કરવા માટે દામનગર પોલીસવાળા વિજય ભાડલીયાએ બે સપ્તાહ અગાઉ બુટલેગરોને ગોડાઉનની ચાવી આપી હતી. આ કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે (Sanjay Kharat Amreli SP) મહિલા યુનિટના પીઆઈ જે. આર. ભાચકનને સોંપી છે.








