કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગત્ અઠવાડિયે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) નમાઝ અદા કરવા અને તેનો વિરોધ કરવાને લઈને મારપીટ-તોડફોડની ઘટના બની અને એ ન્યૂઝ પૂરા દેશમાં ચમક્યા. વાત એમ હતી કે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે તે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં જ આવેલા હોસ્ટેલના ‘એ’ બ્લોક પાસે નમાજ પઢી રહ્યા હતા. આ નમાઝનો વિરોધ કરવા માટે ‘બી’ બ્લોકના ત્રણ વિદ્યાર્થીઓ આવ્યા. આ દરમિયાન તેમની વચ્ચે થયેલી બોલાચાલીમાં એક વિદેશી વિદ્યાર્થીએ સ્થાનિક વિદ્યાર્થીને લાફો ઝીંકી દીધો. સ્થાનિક વિદ્યાર્થીઓ જે હિંદુ સંગઠન સાથે સંકળાયેલા હતા તેમણે અન્ય વિદ્યાર્થીઓને આ પૂરી ઘટનાની જાણ કરી અને ત્યાં બસો વિદ્યાર્થીઓનું ટોળું ઉમટ્યું. આ ટોળાએ વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં રહે છે ત્યાં જઈને તોડફોડ મચાવી અને તેમને માર્યા પણ ખરાં. અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં જે થયું તેવું છેલ્લા વર્ષોમાં દેશની અનેક યુનિવર્સિટીમાં થઈ રહ્યું છે. શિક્ષણ (Education) અને ધર્મ બંને અલગ બાબત છે. પરંતુ હવે તેની ભેળસેળ એ હદે થઈ છે કે તેને અલગ રાખીને જોઈ શકાતા નથી.

ગત્ વર્ષે તેલંગાનાની એક યુનિવર્સિટીમાં ફરતા થયેલા પત્રને લઈને વિવાદ જાગ્યો હતો. આ પત્રમાં સનાતન ધર્મ મિટાવવા અંગે એક વક્તવ્ય તૈયાર કરવાની વાત હતી. આ પત્ર યુનિવર્સિટીમાંથી આવ્યો હતો તે તો ખોટું જ હતું. પરંતુ તેને લઈને પછી ઉત્તર પ્રદેશના વિધાનસભ્ય રાજાભૈયાએ એક ટ્વિટ કરી અને તે કારણે પૂરો મુદ્દો વધુ ગરમાયો. રાજાભૈયાએ લખ્યું કે, ‘વ્યક્તિનો વિરોધ હોઈ શકે, વિચારધારાનો વિરોધ પણ આપણા લોકશાહીમાં શક્ય છે, પરંતુ હિંદુ ધર્મ મિટાવવા અંગે કોઈ વાત કરે તો તે અંગે લોકોએ બોલવું પડશે.’ યુનિવર્સિટીઓમાં આ રીતે ધર્મનો ચરુ સળગતો રહે છે અને તેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ હોમાય છે. પરંતુ હવે તે અંગે હવે જેટલી ચર્ચા થાય છે તેના કરતાં આવી અનેક ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓ બનવાનું કારણ વિદ્યાર્થીઓ અને કેટલાંક કિસ્સામાં અધ્યાપકગણ પણ છે.

ઑગસ્ટ 2022માં ઉત્તર પ્રદેશના અલીગઢમાં આ રીતે વિદ્યાર્થીઓએ એક મુદ્દો ચગાવ્યો હતો. આમ તો વિદ્યાર્થીઓની ઓળખ વિદ્યાધમમાં ધર્મથી હોતી નથી, બલકે તેમના જ્ઞાનથી જ હોય છે. પણ અલીગઢના ધર્મસમાજ નામની કૉલેજના વિદ્યાર્થીઓ પોતાના ધર્મની ઓળખ સાથે કૉલેજમાં આવીને એવી માંગણી કરી હતી કે, અમારા કૉલેજમાં રામાયણના પાઠ થવા જોઈએ. આ માંગણી સાથે વિદ્યાર્થીઓએ પોતાનો વિડિયો વાયરલ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ વર્ગખંડમાં બેસીને રામાયણનો પાઠ કરી રહ્યા હતા. આ માંગણી તેમને રામ પ્રત્યેની આસ્થાના કારણે કરી હતી તેવું નહોતું, બલકે તેમની મુખ્ય દલીલ એ હતી કે અલીગઢમાં આવેલી મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુઓને તમામ ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે, તો અમારા શિક્ષણ સંસ્થા ધર્મજ્ઞાનથી વંચિત કેમ? આ પૂરી ઘટનાનો અલીગઢમાં ખૂબ હોબાળો થયો. અનેક દિવસો સુધી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું અને વર્ગખંડનું વાતાવરણ દૂષિત થયું.

કર્ણાટક અને હૈદરાબાદની યુનિવર્સિટીમાં થયેલા હિજાબ વિવાદ ખાસ્સો લાંબો ચાલ્યો હતો અને તેના પડઘા પૂરા દેશભરમાં પડ્યા હતા. તે સમયે કર્ણાટકની અનેક શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પહેરનારી વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં જતાં રોકવામાં આવી હતી. ઇસ્લામ ધર્મમાં હિજાબનું સ્થાન છે અને તેથી અનેક સ્થળે હિજાબના નકાર સામે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યા. હિજાબ પહેરવાના સમર્થન કરતી રેલીઓ નીકળી. હિજાબનું સમર્થન કરનારી કેટલીક વિદ્યાર્થીનીઓએ ‘અમને ન્યાય જોઈએ છે અને અમે હિજાબનું સમર્થન કરીએ છીએ’ તેવાં નારા લગાવ્યાં.
શિક્ષણ સંસ્થાઓ જ્ઞાન મેળવવાનું ઠેકાણું છે, ત્યાં ધર્મને પ્રવેશ ન હોઈ શકે. પરંતુ અત્યારના માહોલમાં યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ઓળખ તેમના ધર્મથી થવા માંડી છે. હિજાબને લઈને હૈદરાબાદમાં પણ થોડા સમય પહેલાં વિવાદ થયો હતો. અહીંની રંગા રેડ્ડી કોલેજમાં સ્ટાફ દ્વારા પરીક્ષાના દિવસે જ હિજાબ પહેરનારી યુવતિઓને અટકાવવામાં આવી. તે પછી મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ અડધો કલાક પરીક્ષામાં મોડાં બેસવા મળ્યું તે અંગે ફરિયાદ કરી. આ ઘટના પછી ન્યૂઝમાં આવી અને તેને લઈને તેલંગાનાના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તો મામલો ઓર બગડ્યો. તેમણે કહ્યું ‘મહિલા પોતાની જાતને ઢાંકવી જોઈએ. મહિલા જો ટૂંકા વસ્ત્ર ધારણ કરે તો તે સમસ્યા ઊભી કરે છે.’ પહેલાં હિજાબનો વિવાદ અને તે પછી ગૃહમંત્રીએ આપેલી પ્રતિક્રિયાથી વાતાવરણ વધુ ડહોળાયું. આવી બબાલ તે પછી મહારાષ્ટ્રમાં પણ થઈ. જે રીતે હિજાબનો વિરોધ શરૂ થયો તેનાથી અનેક વિદ્યાર્થીનીઓનાં મનમાં કૉલેજ જવા અંગે ડર પેસ્યો હતો.
શિક્ષણમાં ધર્મ સંબંધિત વિવાદો ઊભા કરેલા હોય છે અને વિવાદમાં કુલપતિ પદે બેસેલા પદાધિકારીઓ પણ સામેલ હોય છે. આ વર્ષના શરૂઆતમાં લખનઉ યુનિવર્સિટીના કુલપતિ આલોક રાયે એક જાહેરાત કરી હતી, જેનો વિવાદ થયો હતો. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો તેના આસપાસના સમયમાં આલોક રાયે કહ્યું હતું કે, ‘ઇસ્લામિક અધ્યયન માટે સંસ્થાઓ છે, તો પછી હિંદુ અધ્યયન કેન્દ્ર કેમ નથી.’ તેમણે એટલે સુધી કહ્યું કે, યુનિવર્સિટીમાં નવા સત્રથી એક સંસ્થા નિર્માણ પામી ચૂકી હશે. જે અંતર્ગત હિંદુ અધ્યયનમાં એમ.એ. અભ્યાસક્રમ હશે. આલોક રાય પર શિક્ષણમાં ધર્મની વાત લાવવાનો આરોપ લાગ્યો ત્યારે તેમના વતી યુનિવર્સિટીના અધિકારીઓએ કહ્યું કે, ‘અભ્યાસક્રમનું ભગવાકરણ અમે નથી કરી રહ્યા. હવે યુ.જી.સી.ના ક્રેડિટ ફ્રેમવર્કના અંતિમ અહેવાલ મુજબ વિદ્યાર્થીઓને વેદ સહિત ભારતીય જ્ઞાન પ્રણાલીના વિવિન્ન પાસાં પર ભણાવવામાં આવશે.’ અહીંયા કુલપતિએ જાહેરાત કરી તે સમય જોઈએ તો ખ્યાલ આવે કે આલોક રાયને વિદ્યાર્થીઓને હિંદુ ધર્મનું જ્ઞાન આપવા કરતાં આ જાહેરાત કરવામાં વધુ રસ હતો, જેના કારણે આ ન્યૂઝ પ્રકાશમાં આવ્યા. હિંદુ સહિત તમામ ધર્મોનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તે ઇચ્છનીય છે, પરંતુ આ જ્ઞાન આપવાની જાહેરાત થાય, તેનું ગૌરવ લેવાય, જ્યાં-ત્યાં યુનિવર્સિટીના પદાધિકારીઓ દ્વારા કહેવામાં આવે કે અમે હિંદુ કે કોઈ અન્ય ધર્મનું શિક્ષણ આપી રહ્યા છે, તો તેનો અર્થ એટલો જ થાય કે ધર્મ શીખવાડવા કરતાં ધર્મની પાછળ થયેલી રાજનીતિ તેમાં હાવી થઈ રહી છે.
યુનિવર્સિટીના કૅમ્પસના વિવાદના કેટલાંક ન્યૂઝ ‘ઑપ ઇન્ડિયા’ વેબસાઇટ પર પણ વધુ જોવા મળે છે. આ સાઇટ પર એક ન્યૂઝ છે તે હરિયાણા સ્થિત ઓ. પી. જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીના છે. ‘ઑપ ઇન્ડિયા’ પર આ ન્યૂઝ વાંચીએ તો યુનિવર્સિટીના એક વર્ગખંડમાં જે ઘટના બની તેમાં સમીના દલવાઇ નામનાં મહિલા અધ્યાપક દોષી ઠરે છે. તેમાં લખવામાં આવ્યું છે કે, સમીના દલવાઇએ આંતકવાદી સંગઠન હમાસનું સમર્થન કર્યું હતું અને જયશ્રી રામ નારાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સામે એક ડેટિંગ એપ ખોલાવડાવી. સમીના દલવાઇના તરફેણમાં યુનિવર્સિટીના અનેક અધ્યાપકો આવ્યા અને સમીનાએ ડેટિંગ ઍપ ઉદાહરણ દાખવવા ખોલાવડાવી હતી તેમ જણાવ્યું. દેશભરમાંથી પાંચસોથી વધુ શિક્ષણવિદો સમીના દલવાઇના સપોર્ટમાં આવ્યાં. વર્ગખંડમાં જે વિડિયો દર્શાવીને સમીના દલવાઇને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો; તે વખતે વિડિયો શૂટ થતી વેળાએ સમીના વિદ્યાર્થીઓને ‘ડિઝાયર, સેક્સુઆલિટી ઍન્ડ જૅન્ડર’ વિષય સંદર્ભે ભણાવી રહ્યાં હતાં. શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈને માનવું છે કે સમીના જે રીતે ભણાવી રહ્યાં છે તેમાં કશુંય અજુગતું નથી. અહીંયા પણ સમીનાને પરેશાન કરવાનું કારણ તેમની ધર્મની ઓળખ છે.
યુનિવર્સિટીમાં ધર્મ સંબંધિત તો આવા અનેક વિવાદો નિકળી શકે છે. કેટલાંકમાં તો ફરિયાદ સુધ્ધા થતી નથી. અમદાવાદમાં થયેલાં વિદેશી વિદ્યાર્થીઓના કેસમાં પણ મામલો આંતરરાષ્ટ્રિય બન્યો એટલે સરકારે પણ પગલાં લેવા પડ્યા. બાકી તો આવાં કિસ્સામાં સરકારનું વલણ અને પરિણામથી આપણે માહિતગાર છીએ.
આ રીતે થોડા વખત પહેલાં બિહારની પટના યુનિવર્સિટીની હોસ્ટેલમાં બબાલ થઈ હતી.
બીજુ કે ગુજરાત યુનિવર્સિટીનો મુદ્દો વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો હતો એટલે તે વિશેની માહિતી વિદેશ મંત્રાલયે પણ માંગી અને ટૂંકા ગાળામાં જ અફઘાની પ્રતિનિધિ મંડળે અહીંયા મુલાકાત લઈને પણ ગયું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








