નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેર (Ahmedabad City) તેમજ જિલ્લામાં સેંકડો વિઘા જમીન ધરાવતા પોપ્યુલર બિલ્ડર્સ (Popular Builders) ના માલિક દથરથ પટેલની પોલીસે નાથદ્વારા ખાતેની હૉટેલમાંથી ધરપકડ કરી છે. સાણંદ તાલુકાના ગોધાવીમાં આવેલી કરોડો રૂપિયાની જમીન ઘસી નાખવાના કેસમાં રમણ ભોળીદાસ પટેલ (Raman Bholidas Patel) અને દશરથ ભોળીદાસ પટેલ (Dashrath Bholidas Patel) સામે નવેમ્બર-2022માં બોપલ પોલીસે ગુનો નોંધ્યો હતો. જે કેસમાં રમણ પટેલની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે દથરથ પટેલે હાઇકૉર્ટ, સુપ્રીમ કૉર્ટ અને સેશન્સ કૉર્ટના વારંવાર દ્ધાર ખખડાવી ધરપકડ ટાળવા સતત પ્રયત્નશીલ રહ્યા હતા. સાણંદ કૉર્ટે દશરથ પટેલને ભાગેડુ (Dashrath Patel Fugitive) જાહેર કર્યા હતા.
બિલ્ડર દથરથ પટેલને અદાલતે ભાગેડુ જાહેર કર્યા હતા
અમદાવાદમાં રહેતા રામકૃષ્ણ આચાર્યએ બોપલ પોલીસ સ્ટેશનમાં ગોધાવી ખાતે આવેલી વડિલોપાર્જિત જમીન પટેલ બંધુઓએ પચાવી પાડી હોવાની ફરિયાદ કરી હતી. 25 નવેમ્બર 2022ના રોજ નોંધાયેલી ફરિયાદમાં આરોપ લગાવાયો છે કે, રમણ પટેલ, દશરથ પટેલ અને અન્ય એક શખસે ભેગા મળીને બોગસ વારસદાર થકી હજારો વાર જમીન પચાવી પાડી છે. આ મામલાની તપાસ કરી રહેલાં પીઆઈ આર.કે.કરમટીયા (PI R K Karmatiya) એ જેલમાં કેદ રમણ પટેલની જે-તે સમયે ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરી હતી. જ્યારે દશરથ પટેલ અન્ય કેસોમાં જામીન મુક્ત હોવાથી તેમણે Gujarat High Court અને તે પછી સુપ્રીમ કૉર્ટમાં ક્વૉશીંગ પિટીશન ફાઈલ કરી હતી, પરંતુ રાહત નહીં મળતા તેમણે આગોતરા માટે સેશન્સ કૉર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સેશન્સ કૉર્ટ પછી હાઇકોર્ટ અને ફરી સુપ્રીમ કૉર્ટમાં ધા નાંખવા છતાં અદાલતે રાહત આપી ન હતી. આખરે ત્રીજી વખત ગુજરાત હાઇકૉર્ટમાં કવૉશીંગ ઑન મેરિટ પિટીશન કરી હતી, પણ તે નવેમ્બર-2025માં રિજેક્ટ થતાં દશરથ પટેલ ધરપકડ ટાળવા છુપાતા ફરે છે. આ કેસના તપાસ અધિકારી કરમટીયાએ સાણંદ કૉર્ટમાં રિપોર્ટ કરતા અગાઉ 70નું વૉરંટ જારી કરાયું હતું અને ગત ફેબ્રુઆરી મહિનામાં સાણંદ કોર્ટે (Sanand Court) દશરથ પટેલ સામે 82નું વૉરંટ જારી કરી ભાગેડુ જાહેર કરી 10 માર્ચ સુધીમાં અદાલત સમક્ષ જાહેર થવા ફરમાન કર્યું હતું.
ભાગેડુ દશરથ પટેલને પોલીસે શોધી કાઢ્યા
જમીન પચાવી પાડવાના કેસમાં ધરપકડથી બચવા દશરથ પટેલ પ્રયત્નશીલ હતા. અનેક વખત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને સેશન્સ કોર્ટમાં અલગ અલગ પીટિશન કરી ત્રણેક વર્ષ જેટલો સમય કાઢી નાંખ્યો હતો. નવેમ્બર-2025માં હાઇકોર્ટે તેમની કવૉશીંગ ઑન મેરિટ પિટીશન (Quashing on Merit Petition) કાઢી નાંખતા તેઓ ભૂર્ગભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ સાણંદ કોર્ટે તેમની સામે 70 અને 82નું વૉરંટ જારી કર્યું હતું. આમ છતાં દશરથ પટેલ અદાલત કે તપાસ અધિકારી સમક્ષ હાજર થયા ન હતા. તાજેતરમાં મળેલી માહિતીના આધારે અમદાવાદ એલસીબી (Ahmedabad LCB) પીઆઈ આર. કે. કરમટીયા અને તેમની ટીમે દશરથ પટેલને રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલી એક હૉટલમાંથી વહેલી સવારે પકડી પાડ્યા છે. દશરથ પટેલની બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police Station) ના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસને દશરથ પટેલ પાસેથી ત્રણ ચાર જોડી કપડા ભરેલી એક બેગ, મોબાઈલ ફોન અને રોકડ મળી આવી છે.
ફિઝુ પટેલ કેસ બાદ પોપ્યુલર બંધુઓ આવ્યા કાયદાના સકંજામાં
રમણ પટેલ તેમના પુત્ર મોનાંગ અને ભાઈ દશરથ તથા ભત્રીજા વિરેન્દ્ર સહિત અન્યની સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ઓગસ્ટ-2020માં ફરિયાદ થઈ હતી. રમણ પટેલના પુત્રવધૂ ફિઝુ પટેલે નોંધાવેલી હત્યાના પ્રયાસની ફરિયાદમાં તબક્કાવાર રમણ પટેલ, મોનાંગ, દશરથ પટેલ, વિરેન્દ્ર સહિત અન્યની ધરપકડ થઈ હતી. ફરિયાદી ફિઝુ પટેલનું અપહરણ કરી ગોંધી રાખી બળજબરીપૂર્વક કાગળ પર સહીઓ કરાવવાનો પણ આરોપ હતો. બિલ્ડર રમણ પટેલે પુત્રવધૂ સાથે સમાધાનના પ્રયાસ કર્યા હતા, જેમાં રમણ પટેલના ભાઈ દશરથ અને ભત્રીજો વીરેન્દ્ર હાજર હતો. પોલીસે આ પૈકી રોકડ રૂપિયા 2.5 કરોડ પણ કબજે કરી હતી. ફિઝુ પટેલ કેસ (Fizu Patel Case) માં પોપ્યુલર બિલ્ડર્સ પરિવારના સભ્યોને જેલ થતાં જમીન વિવાદના કેસો એક પછી એક સામે આવવા લાગ્યા હતા. ખોટા દસ્તાવેજો, વારસદાર બનાવી તેમજ યેનકેન પ્રકારે કરોડો/અબજો રૂપિયાની જમીન અમદાવાદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પચાવી પાડી હોવાના મામલા સામે આવ્યા હતા. જેને લઈને અમદાવાદ શહેર તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં રમણ પટેલ સામે નવેક ફરિયાદ તેમજ દશરથ પટેલ સામે અડધો ડઝન જેટલી ફરિયાદો જમીન મામલે નોંધાઈ ચૂકી છે. વર્ષ 1996માં સાણંદના ચેખલા ગામના જમીન કેસમાં સાણંદ કૉર્ટે રમણ પટેલને 4 વર્ષની સજા (Raman Patel Sentenced) પણ ફટકારી છે.








