Saturday, April 20, 2024
HomeGujaratAhmedabadપ્રથમ લોકસભાની ચૂંટણીનું સફળ આયોજન : તત્કાલિન ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનની દીર્ધદૃષ્ટિ

પ્રથમ લોકસભાની ચૂંટણીનું સફળ આયોજન : તત્કાલિન ચૂંટણી કમિશ્નર સુકુમાર સેનની દીર્ધદૃષ્ટિ

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશ આઝાદ થયો અને પ્રથમ ઇલેક્શન 25 ઑક્ટોબર 1951થી 21 ફેબ્રુઆરી 1952 સુધી યોજાયું હતું. નવાસવા આઝાદ થયેલા દેશમાં પ્રથમ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) કરાવવી તે પડકારજનક કાર્ય હતું. આ ઇલેક્શન 68 તબક્કામાં થયું હતું. દેશની પ્રથમ લોકસભાનું ઇલેક્શન વિશેષ એ માટે હતું કારણ કે, તે વખતે પાડોશી દેશ પાકિસ્તાનના વડા પ્રધાનની લિયાકત અલી ખાનની થોડા વખત પહેલાં જ હત્યા થઈ હતી; અને પાકિસ્તાનમાં સૈન્ય સરમુખત્યારશાહીના ભણકારા વાગવા લાગ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં ફરી રંગભેદનીનીતિ લાગુ થઈ હતી અને ગોરા સિવાયના મતાધિકાર છીનવાઈ ચૂક્યા હતા. ફ્રાન્સ સામે વિયેતનામનું યુદ્ધ શરૂ થયું હતું અને ઇરાનના વડા પ્રધાનની હત્યા થઈ હતી. આ રીતે એશિયા-આફ્રિકામાં અરાજકતાના અને હિંસાના સમાચાર વચ્ચે ભારતમાં લોકશાહીનું પરોઢ ખીલી રહ્યું હતું. લોકશાહી તરફ પ્રથમ ડગ દેશ માંડી રહ્યો હતો ત્યારે તેની બાગડોર ચીફ ઇલેક્શન કમિશ્નર (Chief Election Commissioner of India) તરીકે સુકુમાર સેને (Sukumar Sen) સંભાળી હતી. સુકુમાર સેન દેશના એવા નાયક છે, જેમણે આયોજેલા પ્રથમ ઇલેક્શનના તર્જ પર આજે પણ ઇલેક્શન થાય છે.

First Election india
First Election india

દેશમાં લોકશાહી ટકી છે અને તે માટે ચૂંટણી યોજવાની પ્રક્રિયા સમયાંતરે જે રીતે થાય છે તેથી આજે આપણો દેશ અદ્વિતિય બની ચૂક્યો છે. અઢારમી લોકસભામાં 543 બેઠકોમાં ચૂંટણી થશે અને તેમાં 96 કરોડની આસપાસ મતદાઓ હિસ્સો લેશે. 2024ની લોકસભાની ચૂંટણી વિશ્વભરમાં થનારી સૌથી મોટી અને લાંબા સમય [44 દિવસ] સુધી ચાલનારી અત્યાર સુધીની બીજા ક્રમની ચૂંટણી હશે. સૌથી લાંબા સમય સુધી ચાલનારી પ્રથમ ક્રમે આવતી ચૂંટણી 1951-52ની પ્રથમ લોકસભાની ચૂંટણી હતી, જ્યારે સૌથી મોટી ચૂંટણીનો રેકોર્ડ 2019ની લોકસભાનો છે. આપણો દેશ વિવિધતાભર્યો છે તે રીતે ચૂંટણીમાં એટલાં બધા રંગ જોવા મળે છે કે આજેય વિશ્વભરમાં ભારતની લોકસભાની ચૂંટણીનું વ્યાપક કવરેજ થાય છે. નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવાનો શ્રેય ઇલેક્શન કમિશનને જાય છે. અને ટી. એન. શેષાન અને જે. એમ. લિંગ્દોહ જેવા ચીફ ઇલેક્શન કમિશ્નરને આજેય યાદ કરવામાં આવે છે; પરંતુ તેમાં સુકુમાર સેનનું નામ ભુલાઈ ચૂક્યું છે. સુકુમાર સેને ઇલેક્શન કેવી રીતે થવા જોઈએ તે વ્યવસ્થા ગોઠવનારા પ્રથમ ચીફ ઇલેક્શન કમિશ્નર હતા.

- Advertisement -
First Election 1952
First Election 1952

સુકુમાર સેને દેશની પ્રથમ ચૂંટણી અને 1957માં થયેલી બીજી લોકસભાની ચૂંટણીમાં ચીફ ઇલેક્શન કમિશ્નર રહ્યા હતા. આ ઉપરાંત, તેમણે 1953માં સુદાન દેશમાં થયેલાં ચૂંટણી વખતે પણ ચીફ ઇલેક્શન કમિશ્નરની ભૂમિકા ભજવી હતી. અહીં એક વાત નોંધવી રહી કે આજેય ભારત વિશ્વના અનેક દેશોમાં ઇલેક્શનની જવાબદારી સંભાળે છે અને તે માટે આપણું ઇલેક્શન કમિશન જે-તે દેશમાં જઈને પૂરી વ્યવસ્થા ગોઠવે છે. સુકુમાર સેનનો પરિવાર દેશના વહિવટી વિભાગમાં અગાઉથી હતો. તેઓ તે વખતની કોલકતાની ખ્યાતનામ પ્રેસિડન્સી કોલેજમાં ભણ્યા અને પછી યુનિવર્સિટી ઓફ લંડનમાં ભણવા ગયા. અભ્યાસ પછી તેમણે તુરંત ‘ઇન્ડિયન સિવિલ સર્વિસ’ની પરીક્ષા આપી અને તેમાં જોડાયા. તેમનું પહેલુંવહેલું પોસ્ટિંગ ન્યાયાધિશ તરીકે હતું, તે પછી તેઓ પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી તરીકે નિમાયા. તે વખતે બંગાળના ચીફ સેક્રેટરી રહેવું તે બ્રિટિશકાળના ભારતમાં સૌથી ઉચ્ચ પદવી ગણાતી. અને એટલે દેશને સ્વતંત્રતા મળી અને ઇલેક્શન યોજવા અંગે આયોજન થવા માંડ્યું ત્યારે 1950માં ચીફ ઇલેક્શન કમિશ્નર તરીકે તેમને પદભાર આપવામાં આવ્યો.

સુકુમાર સેન સામેનો પડકાર તે વખતની દેશની સ્થિતિ જોઈને જ આવી શકે. દેશને આઝાદ થયાને હજુ તો ચાર વર્ષ થયા હોવાથી મોટા સંખ્યામાં જનમત હાંસલ કરવાનું કામ સરળ નહોતું. તે વખતના અઢાર કરોડ મતદારોમાંથી 84 ટકા જેટલાં મતદારો અશિક્ષિત હતા. તેઓ પોતાના સાચા પ્રતિનિધિને ચૂંટે તે કાર્ય ઇલેક્શન કમિશન માટે એક મોટો પડકાર હતો. અને મતદાતા પોતાના પ્રતિનિધિને ઓળખી શકે અને સરળતાથી મત આપી શકે તે માટે દરેક પક્ષને ચોક્કસ ચિન્હ એનાયત કરવામાં આવ્યું હતું. અને જે-તે ઉમેદવારની તસીવીરી ઓળખ તે ચિન્હ સાથે જોડાયેલી રહેતી. આજે પણ ઉંમરના સાત-આઠ દાયકા વટાવી ચૂકેલા મતદારો તેમના ઉમેદવારોને નામથી નહીં; પણ પક્ષના ચિન્હથી જ ઓળખે છે.

આજે દેશમાં અનેક પક્ષો છે અને વધુ પક્ષોના કારણે ઇલેક્શન કમિશન માટે તે પક્ષોને સમાન તક આપવી એક ચેલેન્જ બની રહે છે. આ ચેલેન્જ પ્રથમ ચૂંટણીમાં પણ હતી. તે વખતે પણ પક્ષોની સંખ્યા નાનીસૂની નહોતી. રાષ્ટ્રિય સ્તરની ચૌદ પક્ષો અને રાજ્ય સ્તરના 53 પક્ષો અને ઉપરાંત અપક્ષ ઉમેદવારો સાથે ઇલેક્શનમાં 17,500 ઉમેદવાર ઊભા રહ્યા હતા. ચાર મહિના સુધી જામેલી ચૂંટણીય વાતાવરણમાં જવાહરલાલ નેહરુએ કરેલી યાત્રાની પણ એ વખતે ખૂબ ચર્ચા થઈ હતી. આ ચૂંટણીમાં નેહરુએ 40,000 કિલોમીટરની યાત્રા કરી હતી અને તેઓ દેશની દસ ટકા વસતી સાથે રૂબરૂ થયા હતા. મૂળે ચીફ ઇલેક્શન કમિશ્નર તરીકે સુકુમાર સેને સર્વત્ર ધ્યાન રાખવાનું હતું અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની હતી.

- Advertisement -

સ્વાભાવિક છે કે આટલી જંગી વ્યવસ્થા કરવામાં કેન્દ્રિય ઇલેક્શન કમિશન અને કેન્દ્ર સરકારના સંસાધનોથી પહોંચી વળાય તેમ નહોતું, એટલે કેન્દ્ર અને રાજ્યએ સરખે ભાગે જવાબદારી ઊપાડી હતી. કેન્દ્રએ આ માટે રાજ્યો સાથે એક કરાર કર્યો હતો અને બેલોટના પ્રિન્ટિંગથી માડિંને ચૂંટણીની વ્યવસ્થાનો ખર્ચો સરખે ભાગે વહેંચવા જેવા અનેક મુદ્દા તેમાં સમાવવામાં આવ્યાં હતા. ઇલેક્શન કમિશનની આ ચૂંટણીમાં મહદંશે ભૂમિકા માર્ગદર્શકની રહી. ચૂંટણી યોજવા અને જરૂરી ભંડોળ એકઠું કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્યએ સરખી ભાગે વહેંચી હતી. ઇલેક્શન કમિશન માટે સૌથી મોટી દ્વિધા હતી વિભાજન સમયે થયેલાં રમખાણગ્રસ્ત વિસ્તારોમાં ચૂંટણી કરાવવી અને તદ્ઉપરાંત સરહદ પારથી આવી રહેલાં શરણાર્થીઓનોને મતાધિકાર કેવી રીતે આપવો તે હતું. તેમાં પણ બંગાળ અને પંજાબમાં શરણાર્થીઓનો આવવાનો દોર હજુય થંભ્યો નહોતો. આ ઉપરાંત ભારત-પાકિસ્તાનનું વિભાજન થયું છતાં તેમાં સરહદી વિસ્તારોને લઈને હજુ પણ અસમંજસ બની રહેલી, જેથી ક્યાં ચૂંટણી યોજવી અને ક્યાં ન યોજવી તે પણ પડકાર હતો.

પ્રથમ ઇલેક્શન યોજવાની મુખ્ય જવાબદારી સુકુમાર સેનની હતી, પણ તેમને સાથ આપનારાં પણ ઉમદા વહિવટીકર્તા હતા, જે કારણે પણ આ ચૂંટણીને વિઘ્નરહીત યોજી શકાઈ. તેમાં બંધારણ સમિતિના સેક્રટરી રહેલા બી.એન. રાવ પણ હતા, જેમણે ખાસ્સી અગાઉથી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હતી. એ ઉપરાંત એસ. એન. મુખર્જી, કે.વી. પદ્મનાભન, પી.એસ. સુબ્રમણિયમ પણ આ કાર્યમાં જોડાયા હતા. કેટલાંક કિસ્સામાં એવી પણ છૂટ આપવામાં આવી હતી કે કોઈ વ્યક્તિ ભારતીય નાગરીક ન હોય પણ તે મત આપી શકે. 1951-52માં ચૂંટણી યોજાઈ તે અગાઉ સુકુમાર સેને ઇલેક્શન કમિશનનું માળખું ઘડ્યું અને આ વિભાગ સ્વાયત્ત રહે તેવી વ્યવસ્થા કરી. તે પહેલાં ઇલેક્શન કમિશન અસ્તિત્વમાં નહોતું અને તેથી તે માટેનો સ્ટાફની પસંદગી કરવી, સંસાધનો અને માળખાગત સુવિધા ઊભી કરવાની હતી. 1944માં દેશમાં થયેલી ચૂંટણીમાં કાર્ય કરનારો સ્ટાફ વિભાજનના કારણે વેરવિખેર થઈ ચૂક્યો હતો તેથી પૂરી વ્યવસ્થામાં કર્મચારીઓ ફરીથી પસંદ કરવાના હતા. તે વખતે બેલટ પેપરનું પ્રિન્ટિંગ નાસિક સ્થિત ગવર્નમેન્ટ સિક્યુરીટી પ્રેસમાં થયું હતું. છાપકામ માટે ખૂબ મોટા જથ્થામાં જરૂરી સ્યાહી કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ ડિપાર્ટમેન્ટે પૂરી પાડી હતી. બેલોટ બોક્ષ બનાવવામાં માટે જરૂરી સ્ટીલ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટે પૂરુ પાડ્યું હતું. રેલવે અને પોસ્ટ વિભાગની વિશેષ સુવિધાએ ચૂંટણી કમિશનનું કામ સરળ કરી આપ્યું હતું. ચૂંટણી માટે 1,96,084 પોલિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા હતા. તેમાંથી 27,527 માત્ર મહિલાઓ માટે જ હતાં. આ સ્થિતિમાં 45 ટકા મતદાન થયું હતું. જે રીતે ઇલેક્શન થયું તેમાં આ આંકડો ઘણો સારો કહેવાય. કેરળના કોટ્યમ જિલ્લામાં સૌથી વધુ 80 ટકા મતદાન થું હતું.

ખર્ચને લઈને આ ચૂંટણીમાં કેટલાંક વિવાદ પણ થયા હતા. જેમ કે, ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા સરકારી કર્મચારીઓને પ્રવાસ અને રોજબરોજના અન્ય ખર્ચ રાજ્ય કે કેન્દ્રની ચૂંટણી ફંડમાંથી ચૂકવવામાં નહીં, પણ પોતે જે વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી આ ખર્ચની ચૂકવણી થશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ આ ખર્ચ ચૂકવી શકવામાં ઘણાં વિભાગોએ અક્ષમતા દાખવી હતી. અંતે વિચાર વિમર્શ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારે જ આ ચૂંટણી ખર્ચની ચૂકવણી સરકારી કર્મચારીઓને કરી હતી.

- Advertisement -

દેશની પ્રથમ લોકસભાની અને વિધાનસભાની સાથે યોજાયેલી ચૂંટણીનો કુલ ખર્ચ દસ કરોડ પિસ્તાલીસ લાખ આવ્યો હતો. સૌથી વધુ ખર્ચ મદ્રાસ રાજ્યનો હતો. ત્યાર બાદ અનુક્રમે ઉત્તર પ્રદેશ, બોમ્બે અને બિહાર જેવા રાજ્યોમાં ખર્ચ સૌથી વધુ હતો. સૌથી ઓછો ખર્ચ બિલાસપુર રાજ્યનો હતો. આ ચૂંટણીમાં મતદાર દીઠ 9.6 આના ખર્ચ આવ્યો હતો. જો વિધાનસભા અને લોકસભાના ચૂંટણીને અલગ રીતે જોઈએ તો મતદાર દીઢ ખર્ચ માત્ર 4.8 આના માત્ર હતો. આજે થતી ચૂંટણીમાં નાણાંનો વ્યવહાર એ રીતે થઈ ગયો છે કે તેની કોઈ ગણતરી ન થઈ શકે. આ રીતે દેશમાં પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં મતદારો સાથે સૌએ ભાગીદારી કરીને તેને અદ્વિતિય બનાવી હતી અને દેશમાં લોકશાહીના માહોલનને વધુ મજબૂત બનાવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular