નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election) આડે હવે ગણતરીના દિવસો બાકી છે. રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની જાહેરાત તેમજ પ્રચાર શરૂ કરી દીધો છે. જેની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પર રોક લગાવવા અરજી (Petition to stay elections in Supreme Court) થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા ઓબીસી અનામત નીતિ (OBC Reservation Policy) સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માગને ફગાવી દઈ સ્પષ્ટ કર્યું છે કે, હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયા (Dinesh Bambhania) દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 27 ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇન્કાર કરી આ મામલે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં અપીલ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હવે અનામતના આ જટિલ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે. રાજ્ય સરકાર 27 ટકા OBC અનામત આપવા માટે મક્કમ છે અને તેને કાયદાકીય રીતે યોગ્ય ઠેરવવા પ્રયાસ કરી રહી છે.








