નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આજના યુવાનો શોર્ટકર્ટ રીતે પૈસા કમાવવા માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે. જોકે આવી રીતે પૈસા કમાવાવના ચક્કરમાં આખરે જેલ હવાલે થતાં હોય છે. ત્યારે રાજકોટના એક યુવાને શોર્ટકર્ટ રીતે પૈસા કમાવવા માટે એવો તોડ કર્યો કે માનવામાં પણ નહીં આવે. રાજકોટનો યુવાન પૈસા કમાવવા માટે જૂદા-જૂદા જિલ્લાઓમાં જઈને કિન્નરનો વેશ ધારણ કરીને લોકો સાથે છેતરપીંડી કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો
અમદાવાદમાં એક મહિના અગાઉ 14 એપ્રિલના રોજ આંબાવાડી વિસ્તારમાં સુનીતા સોસાયટીમાં એક મહિલા અને તેના સાસુ ઘરે એકલા હતા. તે દરમિયાન સવારના સમયે એક કિન્નર તેમના ઘરે પહોંચ્યો હતો. જ્યાં કિન્નરે કહ્યું હતું કે, તમારા ઘરમાં બહુ તકલીફો ચાલે છે, વિધિ કરવી પડશે, વિધિ કરવા માટે દરવાજા બંધ કરી દો. કિન્નરે વિધિના નામે એક ગ્લાસમાં પાણી કંકું અને ચોખા મગાવ્યા અને તેનાથી ઘરની નજર ઉતારવાનું કહીને પાણી પોતે પીને કહ્યું કે તમારા બધા દુઃખ હું પી ગયો છું.
ત્યારબાદ કિન્નરે મહિલાને ઘરના મંદિરમાં 32 હજાર મુકવાનું કહ્યું હતું અને ઘરમાં બધુ સારુ થઈ જાય પછી આ પૈસા માતાજી પાછળ વાપરી દેવાનું જણાવ્યું હતું. જોકે મહિલા પાસે તેટલા પૈસા ન હોવાનું કહેતા કિન્નરે જ્યાં હાથ નાખશો ત્યાંથી પૈસા આવશે તેવી લોભામણી વાતો કરીને એક રૂમાલ મુક્યો હતો. જેમાં મહિલાએ રૂપિયા 4000 મૂક્યા હતા. જોકે કિન્નરે આ રૂમાલમાં સોનાના દાગીના મૂકવાનું કહીને વિધિ કર્યા બાદ પરત આપે ત્યારે દુધમાં ધોઈને પહેરી લેજો તેમ જણાવીને રૂપિયા 45000ના દાગીના મહિલા પાસેથી રૂમાલમાં મુકાવ્યા હતા. ત્યારબાદ બે કલાકમાં પરત ફરે છે તેવું જણાવીને કિન્નર નીકળી ગયો હતો. જોકે કિન્નર પરત ન ફરતા સમગ્ર મામલે મહિલાએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એલિસબ્રિજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી રાજકોટના પડધરી પાસેના ગામનો રહેવાસી છે. જે અલગ-અલગ શહેરોમાં જતો અને હોટલમાં રોકાણ કરીને કિન્નરનો વેશ ધારણ કરી લેતો હતો. ત્યારબાદ અલગ-અલગ સોસાયટીમાં ફરીને તક મળે ત્યારે મહિલાઓને વિશ્વાસમાં લઈને તેમના ઘરમાં પહોંચી જતો હતો અને ધાર્મિક વાતો કરીને દુઃખ દૂર કરવાની લાલચ આપીને વિધિ કરવાના બહાને દાગીના અને પૈસા પડાવી લેતો હતો. આરોપીએ અગાઉ બનાસકાંઠાના ડીસા અને સુરતના વરાછામાં પણ આવી જ રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.








