- યુરોપમાં ભાવ સતત વધી રહ્યા છે તે દાખવે છે કે નેચરલ ગેસ વાયદો મોટી તેજીના ઉંબરે બેસી ગયો છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આગામી શિયાળો વધુ ઠંડોગાર સાબિત થવાનો, ઘરોને ગરમ રાખવાની મોસમ માથે છે, અને પશ્ચિમના દેશોમાં એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની માંગ વેગથી વધી રહી છે, ત્યારે નેચર ગેસના સોદા કરનારા ટ્રેડરો માટે બજારને પોતાના રડાર પર લેવાનો આ વાજબી સમય છે. દરરોજ તમારા વગર પણ બજારની તેજી અગ્રેસર જ રહેવાની. પાછલા સાત સપ્તાહમાં ન્યુયોર્ક કોમેક્સ નેચરલ ગેસ રોકડો (હાજર) સપ્ટેમ્બર વાયદો ૯ જુલાઈ સુધીમાં ૧૮ ટકા વધીને ૩.૧૦ ડોલર પ્રતિ એમબીટીયુ (મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ) બોલાયો હતો. ત્યાર પછી વાયદો સતત ઘટ્યા બાદ, ૬ ઓગસ્ટે ૨.૪૮ ડોલરની બાવન સપ્તાહની બોટમ બનાવી, ગુરૂવારે એશિયન બજારસત્રમાં ઇન્ટ્રાડે ભાવ ૨.૮૦ ડોલર ક્વોટ થયો હતો. યુરોપમાં ભાવ સતત વધી રહ્યા છે. તે દાખવે છે કે નેચરલ ગેસ વાયદો મોટી તેજીના ઉંબરે બેસી ગયો છે. આમ આગામી સપ્તાહમાં આ વાયદો ૪ ડોલર પાર કરી જાય તો નવાઈ નહિ.
અમેરિકા દ્વારા ઉત્પાદક દેશો પર નિયંત્રણ અને ભૂ-રાજકીય સમસ્યા તેમજ ઉપરોક્ત સિનારિયો સૂચવે છે કે ૨૦૨૬મા નેચરલ ગેસ અને એલએનજી ઐતિહાસિક નવી ઊંચાઈ બનાવી શકે છે. બજારની સંવેદના, અને વાવાઝોડાની મોસમને ધ્યાને લઈએ તો, આગામી દિવસો, સપ્તાહો અને મહિનાઓમાં બજાર પર તેજીવાળાનું નિયંત્રણ બની રહેશે. આગામી સપ્તાહથી અમેરિકામાં વાવાઝોડાની મોસમ શરુ થશે, પરિણામે પાંચ અમેરિકન રાજ્યના ગલ્ફ કીનારા પર માળખાગત સુવીધામાં ભાંગફોડ થવાની ચિંતાઓ સાથે, પુરવઠો ખોરવાવાનો ભય, માલની અછત અને માથે મોટી માંગના દિવસો આ બધાનું મિશ્રણ ભાવમાં મોટી અફડાતફડીનાં સંકેત આપે છે. અમેરિકામાં ઓગસ્ટ મધ્યથી ઓક્ટોબર સુધી વાવાઝોડાની મોસમ ગણાય છે.
આ સદીના આરંભથી જ અમેરિકન ગલ્ફ રાજ્યોના હવામાનના તોફાનોએ માળખાગત સુવિધાઓમાં ભારે તબાહી મચાવી છે. રશિયા પર અમેરિકન વેપાર નિયંત્રણો, હોર્મુઝ્ની ખાડી પર યુદ્ધનો પડછાયો એ બધું મળીને કતારથી નેચરલ ગેસની નિકાસ લગભગ બંધ થઇ ગઈ છે, સાથી જ અમેરિકામાં એલએનજીની જબ્બર માંગ નીકળી છે. વેપાર નિયંત્રણો અને યુદ્ધગ્રસ્ત દુનિયા જોતા યુરોપમાં આગામી શિયાળુ મોસમમાં પુરવઠો પહોચાડવો અઘરો થઇ પડશે, જે ભાવને નવી ઉંચાઈએ લઇ જવામાં મદદ કરશે.
જુલાઈ ૨૦૨૬મા યુકેમાં નેચરલ ગેસના ભાવ, ગતવર્ષના સમાન ગાળાનાં ૭૬.૫૬ ડોલરથી ૮૭.૬૧ ડોલર રહ્યા હતા, તે આ વર્ષે અસમાન્ય ઉંચાઈએ ૧૦૧.૪૯ ડોલરથી ૧૫૭.૫૬ ડોલર ડોલર બોલાય છે. ૧૪ ઓગસ્ટ ૨૦૨૫એ યુકે નેચરલ ગેસ વાયદો ૧૫૦ ડોલર વટાવી ગયો હતો, જે ઓગસ્ટ ૨૦૨૫ના સમાન દિવસે ૮૭.૯૭ ડોલર હતો. મંદીમાં રહેલી કંપનીઓ એવું માને છે કે ડ્રીલીંગ પ્રવૃત્તિ વેગથી વધશે અને ઉત્પાદન ખર્ચાઓ પ્રમાણમાં નીચા રહેશે. વર્તમાન માળખામાંથી ગેસનું ઉત્પાદન મોટાપાયે વધ્યું છે, જે ભાવને નીચે દબાવવામાં ઉપયોગી ઠરશે.
૭ ઓગસ્ટે પુરા થયેલા સપ્તાહમાં અમેરિકન નેચરલ ગેસની પુરાંત, ગતવર્ષની તુલનાએ થોડી ઓછી હતી, પણ પાંચવર્ષની સરેરાશ કરતા વધુ હતી. ૨૦૨૫ના અંતે અમેરિકન ઇન્જેક્શન (ટાંકામાં ગેસ ભરવો) મોસમમાં પુરાંત સ્ટોક ૩.૯૬૦ ટ્રીલીયન ક્યુબીક ફૂટ હતો. આ વર્ષે હવે નવેમ્બરમાં ઘરોને ગરમ રાખવાની ઉર્જા માંગ વધશે અને ગેસના ટાંકામાંથી પુરાંત માલ ઉપાડ ચરમસીમાએ હશે, ત્યાં સુધીમાં અમેરિકન પુરાંત ગતવર્ષની ઇન્જેક્શન મોસમના પુરાંત આંક સુધી પહોચવા, ૮૦૦ બિલીયન ક્યુબીક ફૂટ ગેસની આવશ્યકતા છે.
(અસ્વીકાર સુચના: commoditydnaઅને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








