500 rescue vehicles added to Gujarat Police : રાજ્યના નાગરિકોને ઝડપી અને અસરકારક ઇમરજન્સી સેવા પૂરી પાડવાના હેતુથી ગુજરાત પોલીસના કાફલામાં વધુ 500 અત્યાધુનિક ‘જનરક્ષક’ (112 Janrakshak) વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે નવા સચિવાલય ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ આ નવા વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ નવા 500 વાહનોના ઉમેરા સાથે હવે સમગ્ર ગુજરાતમાં 24 કલાક કુલ 1 હજાર ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે.
આધુનિક 150 બેઠકો ધરાવતા કોલ સેન્ટર, CAD (Computer Aided Dispatch) સિસ્ટમ અને કોલર લોકેશન ટેક્નોલોજીના ઉપયોગથી રાજ્યનો સરેરાશ પોલીસ રિસ્પોન્સ ટાઈમ ઘટીને માત્ર 10.49 મિનિટ થયો છે. નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી આ રિસ્પોન્સ ટાઈમને 8 મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112 પેનિક બટનનું ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે.
ફ્લેગ ઓફ પ્રસંગે રાજ્ય મંત્રી કમલેશ પટેલે (Kamlesh Patel) જણાવ્યું હતું કે, Gujarat Police હંમેશા જનતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. 112 -ઇમરજન્સી સેવા દ્વારા સહાય વધુ ઝડપી અને અસરકારક બનશે. જનરક્ષક પ્રોજેક્ટના અમલીકરણના માત્ર 11 માસના ટૂંકા ગાળામાં 11.04 લાખથી વધુ ઇમરજન્સી કોલમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે. જ્યારે 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સી બનાવોમાં તાત્કાલિક સેવા આપવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (G S Malik), ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકી, સીઆઈડી ક્રાઈમ ડીજીપી ડૉ. કે.એલ.એન રાવ (K.L.N. Rao), લૉ એન્ડ ઓર્ડર ડીજીપી (Law and Order DGP) રાજકુમાર પાંડિયન, પોલીસ ટ્રેનિંગ ડીજીપી નિરજા ગોટરૂ, અગ્ર સચિવ નિપુણા તોરવણે, પી એન્ડ એમ એડીજીપી ખુરશીદ અહેમદ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








