નવજીવન ન્યૂઝ. કડી: ગુજરાતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને મારમારી, લૂંટ, ચોરી, મહિલાઓની છેડતી અને હુમલા જેવી અનેક ઘાટનો સામે આવી રહી છે, ત્યારે આજે કડીમાં અલદેસણ ગામમાં એક સગીરાને ફોસલાવીને લગન કરવાની લાલચ આપીને ભગાડી જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે, આ ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કડીમાં અલદેસણ ગામમાં ગઇકાલે બપોરે એક સગીરાને એક યુવક લગ્નના ઇરાદે ભગાડી જતાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ફરિયાદ નોંધાવતાં સગીરાના પિતાએ જણાવ્યુ હતું કે, જ્યારે તેઓ નોકરી પર હતા તે સમયે તેમની પત્નીનો કોલ આવ્યો હતો. કોલમાં સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી સવારથી ઘરે આવી નથી. જેથી તેમણે ઘરે આવ્યા ત્યારે આસપાસમાં રહેતા પાડોશી અને સગાસંબંધીઓના ઘરે તપાસ કરતાં દીકરીની કોઈ ભાળ મળી ન હતી.
દીકરી અંગે વધુ તપસ કરતાં તેના પિતાને જાણવા મળ્યું હતું કે, તેમના જ ફળિયામાં રહેતો એક યુવક ઘણા સમયથી તેમની દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. આ યુવક પર શંકા જતાં તેના ઘરે તપાસ કરી તો જાણવા મળ્યું કે સવારે 11 વાગ્યાથી આ યુવક પણ ગાયબ છે. તેને ફોન લગાવતા તેનો ફોન પણ બંધ હતો. સગીરાના પિતા જ્યારે આ તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ યુવક તેમની દીકરીને લગ્નના ઇરાદે ભગાડી ગયો છે. જેથી તેમણે આ યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો છે.