પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં બે આઈએએસ અધિકારીઓ માટેના સમાચાર છે જેમાં એક સમાચાર એવા છે કે વિક્રાંત પાંડે જેઓ ભારત સરકારમાં હતા તેમને હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અવંતિકા સિંગને હવે એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતના આઈએસ અધિકારીઓની જેમાં બે આઈએસ અધિકારીઓ માટે સરકારે આદેશ આપ્યો છે. એમાં એક આઈએસ અધિકારીનું નામ છે અવંતિકા સિંગ જેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કચેરીમાં જ ફરજ બજાવતા હતા. સેક્રેટરી તરીકે હવે તેમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે વધુ એક અધિકારીને સીએમઓમાં મૂકવામાં આવ્યા છે તેમનું નામ છે ડૉ. વિક્રાંત પાંડે. વિક્રાંત પાંડેનું નામ સાંભળતા જેમને પૂર્વ ભૂમિકા ખબર છે તેમને અંદાજ આવ્યો કે, હવે બધું સારું થઈ રહ્યું છે. કોણ છે આ વિક્રાંત પાંડે જેઓ લગભગ છ વર્ષ પછી ગુજરાત પાછા ફર્યા છે?
2005 ની બેચના આઈએસ અધિકારી છે વિક્રાંત પાંડે. લાંબો સમય તેમણે ગુજરાતમાં પસાર કર્યો 2019 માં તેઓ અમદાવાદના કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને અચાનક રાતોરાત વિક્રાંત પાંડેની બદલી ભારત સરકારની અંદર કરી દેવામાં આવી તેઓ દિલ્હીમાં રેસિડેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પણ સવાલ ઉઠ્યો હતો કે વિક્રાંત પાંડેની કેમ અચાનક બદલી થઈ? જ્યારે સરકારી અમલદારોની બદલી થાય છે ત્યારે કાગળ ઉપર કારણ લખવામાં આવતું નથી. બધામાં જ એવું લખવામાં આવે છે કે, જાહેર હિતમાં બદલી થઈ. આમ 2019 માં વિક્રાંત પાંડેને જ્યારે ભારત સરકારમાં મૂકી દેવામાં આવ્યા ત્યારે કાગળ પર તો જાહેર હિત જ હતું પણ…
જાહેર હિત શું હતું? તો એ વખતે જે ચર્ચા નીકળી હતી અને એ ચર્ચા એવી હતી કે, 2010 ની અંદર સોહરાબુદ્દીનના બનાવટી એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈ કરી રહી હતી અને સીબીઆઈ જ્યારે ગુજરાતની તપાસમાં આવે છે ત્યારે તપાસ દરમિયાન, અમદાવાદના બહુ જાણીતા બિલ્ડર છે, રમણ દશરથ. જેમને રમણ દશરથના નામથી ઓળખવામાં આવે છે. એ પોપ્યુલર બિલ્ડરના માલિકો છે જેમને વાંધો હતો અમિત શાહ સામે. જેમને વાંધો હતો એડીસી બેંકના ચેરમેન અજય પટેલ સામે. એટલે તેઓ પોતાનો હિસાબ સરભર કરવા માટે સીબીઆઈ સુધી પહોંચે છે. સ્ટિંગ ઓપરેશન કરે છે અને અમિત શાહ અને અજય પટેલની વિરુદ્ધ જુબાની આપી તેમને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયત્ન કરે છે.
આમ અમિત શાહ જેમને દુશ્મન ગણી રહ્યા હતા તે રમણ દશરથની આ વાત છે અને આ દુશમની પાછળ આવું કારણ હોવાનું કહેવાય છે. 2019 માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી હતા. આમ તો સરકાર વિજય રૂપાણી ચલાવતા હતા, એવું કહેવાતું હતું પણ વિજય રૂપાણીની એક કિચન કેબિનેટ હતી. કિચન કેબિનેટ મુખ્યમંત્રીના બંગલેથી સરકાર ચલાવી રહી હતી. આ જે કિચન કેબિનેટ છે તેમની પાસે એક કામ આવ્યું હતું. કામ એવું હતું કે જે રમણ દશરથ જેઓ અમિત શાહના દુશ્મન તરીકે ઓળખાય છે એ રમણ દશરથની એક જમીન આમ તો એમની ઘણી બધી જમીન વાંધાવાળી જ છે. એમાંની એક જમીનનો વાંધો સુલટાવવાનો હતો. આ કામ કલેક્ટર કરી શકે તેમ હતા.
અગાઉના તમામ કલેક્ટરે રમણ દશરથનું નામ પડતા પોતાના હાથ ઊંચા કરી દીધા હતા. કારણ કે તેઓ જાણતા હતા કે, આમાં દાજી જવાશે, અમિતભાઈ નારાજ થશે. પણ ખબર નહીં કિચન કેબિનેટ વધુ શક્તિશાળી નીકળી કે કેમ? વિક્રાંત પાંડેને આદેશ કરવામાં આવ્યો કે, આ રમણ દશરથની જે જમીનનો મામલો છે તેને સુલટાવી દો અને પછી અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડે આ ફાઈલ હાથમાં લઈ તેના ઉપર કામ શરૂ કરે છે. સ્વાભાવિક હતું કે વાત છાની રહે તેમ હતી નહીં. આ ઘટનાના સમાચાર અમિત શાહ સુધી પહોંચતા અમિત શાહનું નારાજ થવું પણ બહુ સ્વાભાવિક હતું. કારણ કે જે રમણ દશરથે અમિત શાહને જેલનો દરવાજો બતાડ્યો તેની સાથે હવે ગુજરાતના જે એક આઈએસ અધિકારી સહાનુભૂતિ બતાડી રહ્યા હતા તેમની તાત્કાલિક બદલી ભારત સરકારમાં કરી દેવામાં આવી એવી ચર્ચા છે. આવું કાગળ ઉપર પ્રસ્થાપિત થતું નથી કારણ કે આવું કાગળ ઉપર લખવામાં પણ આવતું નથી. છ વર્ષ સુધી વિક્રાંત પાંડે દિલ્હીમાં હતા. અમિત શાહ તો દિલ્હીમાં જ છે. શક્ય છે મીટિંગ્સ થઈ હશે, વાત થઈ હશે, માફી માંગવામાં આવી હશે, ભૂલનો એકરાર કરવામાં આવ્યો હશે અને અમિત શાહ માફી આપી શકે છે. અમિત શાહ માફી આપે છે અને મળી હશે એટલે હવે તેઓ ગુજરાતમાં પાછા ફર્યા અને તેમને બહુ મહત્વની જવાબદારી મુખ્યમંત્રીના કાર્યાલયમાં સેક્રેટરી તરીકે સોંપવામાં આવી હોવાની ચર્ચા શરૂ થઈ છે. પણ લાંબા સમયથી સીએમ ઓફિસમાં કામ કરતા અવંતિકા સિંહને હવે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે તે પણ એક સારા અને મોટા સમાચાર છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








