ABVP worker create terror in Gujarat College : અમદાવાદ શહેરની ગુજરાત કોલેજમાં જૂની અદાવતને લઈને ABVPના કાર્યકરોએ એક વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો (ABVP activists attack Gujarat college student) કર્યો હતો. ધોકા સાથે ધસી આવેલા સાતેક જેટલાં શખસોએ વિદ્યાર્થીને ગડદાપાટુનો માર માર્યો હતો અને તે દરમિયાન તેનું માથું ભીંત સાથે ટકરાતાં લોહીલુહાણ થઈ ગયો હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની તપાસ આરંભી છે.
અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા ધ્રુવરાજસિંહ સોલંકી (મૂળ રહે. ગોધરા) ગુજરાત કોલેજમાં બીએસસી સેમેસ્ટર-5માં અભ્યાસ કરે છે. ધ્રુવરાજસિંહ બુધવારે કોલેજ કેમ્પસમાં નહેરૂ હોલ સામે બેઠા હતા. આ સમયે જૂની અદાવતને લઈને ABVPના કાર્યકર્તા પ્રિન્સ દેસાઈ, આર.બી. મુધવા, રામ તથા અન્ય શખ્સો ત્યાં ધોકા લઈને ધસી આવ્યા હતા. ABVPના કાર્યકર્તાઓ સહિતની ટોળકી ધ્રુવરાજસિંહ પર તૂટી પડી હતી. હુમલા દરમિયાન વિદ્યાર્થીનું માથું દીવાલ સાથે ટકરાતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. હુમલાની ઘટનાના પગલે એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ બનાવના વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે અન્ય આરોપીઓની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.








