Friday, November 8, 2024
HomeEducation Newsજ્ઞાનસેતુ અંતર્ગત શિક્ષણની કાયાપલટના દાવાઓ કેટલાં સાચાં?

જ્ઞાનસેતુ અંતર્ગત શિક્ષણની કાયાપલટના દાવાઓ કેટલાં સાચાં?

- Advertisement -

કિરણ કપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): Gyan Setu Project: શિક્ષણની વ્યવસ્થામાં હવે જાતભાતના પ્રયોગો થઈ રહ્યા છે અને આ પ્રયોગોથી પરિણામ સારું આવે કે ન આવે તેનો વિવાદ ચાલતો રહે છે. હવે રાજ્ય સરકાર (Gujarat Government) શિક્ષણમાં એક નવી વ્યવસ્થા લાવી રહી છે. આ વ્યવસ્થાને સરકાર એક પહેલ તરીકે જોઈ છે અને આ પહેલ અંગે રાજ્યના શિક્ષણ વિભાગના (Education Department) ઠરાવને તપાસીએ તો તેના પ્રસ્તાવનામાં લખ્યું છે કે, “રાજ્યની સરકારી શાળાઓમાં ભણતા તેજસ્વી વિદ્યાર્થીઓની આકાંક્ષાઓની પૂરી કરવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માગ છે. આ વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનસેતુ સ્કૂલ્સ (Gyan Setu Schools) સ્થાપવા માટે નીતિ ઘડવાનું નક્કી કર્યું છે.”

Gyansetu Project
Gyansetu Project

ઠરાવમાં સરકાર પોતે સ્વીકારે છે કે ‘ખૂબ મોટા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની માગ છે.’ આ પછી તેના ઉકેલરૂપે શિક્ષણ વિભાગે જ્ઞાનસેતુ સ્કૂલ્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિક તબક્કામાં આવી શાળાઓની સંખ્યા 400 નિર્ધારીત કરવામાં આવી છે. દરેક તાલુકા અને કોર્પોરેશન દીઠ ન્યૂનત્તમ એક શાળા સ્થાપવામાં આવશે. અને દરેક શાળાની અંદાજિત ક્ષમતા અત્યારે 500 વિદ્યાર્થીઓની ઠરાવવામાં આવી છે. તેના આધારે એમ કહી શકાય કે દર વર્ષે બે લાખની આસપાસ વિદ્યાર્થીઓ આ શાળામાં શિફ્ટ થશે. જ્ઞાનસેતુનું શિક્ષણ ધોરણ છથી શરૂ થશે. સરકારના ઠરાવથી એટલું કહી શકાય કે એક આખી નવી વ્યવસ્થા નિર્માણ કરવાનું સરકાર વિચારે છે.

- Advertisement -

જ્ઞાનસેતુ શાળાઓ સ્થાપવાના ઉદ્દેશ્યોમાં અન્ય વિગતો રજૂ કરવામાં આવી છે તેમાં ‘વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું પૂરું પાડવું’, ‘શ્રેષ્ઠ ખાનગી શાળાઓની આધુનિક ભૌતિક સુવિધાઓ, અનુભવ અને નિપુણતાનો ઉપયોગ સરકારી શાળાના બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કરવો’ અને ‘શ્રેષ્ઠ ખાનગી શાળાઓ સમકક્ષ શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ, ઉચ્ચ અધ્યયન સામગ્રી, દ્વિભાષીય શૈક્ષણિક માધ્યમ વગેરે બાબતો આ શાળાઓમાં આપવામાં આવશે.’

પ્રાથમિક નજરે એવું લાગે કે સરકાર વિદ્યાર્થીઓના હિતમાં આ પગલું લીધું છે. પરંતુ આમાં આખરે ભારણ વાલી અને વિદ્યાર્થીઓ પર આવશે. ધોરણ છમાં જ્યારે જ્ઞાનસેતુમાં પ્રવેશ મેળવવાનો થશે ત્યારે બાળકોને પરીક્ષા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં મેરિટમાં આવશે તેઓને જ જ્ઞાનસેતુમાં પ્રવેશ મળશે. મતલબ કે, રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ જે સરકારી શાળામાં ભણે છે અને તેઓ પ્રતિભાવાન નથી અથવા તેઓની પરીક્ષા પાસ કરવાની ક્ષમતા નથી તો તેમને જ્ઞાનસેતુ શાળામાં પ્રવેશ મળશે નહીં. આ નીતિ બે લાખ વિદ્યાર્થીઓને સારાં શિક્ષણનો દાવો કરે છે; તો સામે પક્ષે બાકી રહી ગયેલા લાખો વિદ્યાર્થીઓને તે શ્રેષ્ઠ શિક્ષણથી વંચિત રાખે છે.

બીજું કે જ્ઞાનસેતુના પ્રવેશને અંગેની બાબત શિક્ષણ વિભાગે પોતાની પાસે રાખી છે. હવે જ્યાં શિક્ષણ વિભાગ હાલની જવાબદારીમાં પહોંચી નથી વળતું ત્યાં તે આવી જવાબદારી ઉપાડીને આખરે શું પરિણામ લાવી શકશે. જેમ કે ગત્ વર્ષે જ રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું કે રાજ્યમાં 700 જેટલી પ્રાથમિક શાળાઓ હજુય એક શિક્ષક દ્વારા ચાલી રહી છે. શિક્ષણ વિભાગની આવી તો અનેક મર્યાદાઓના અહેવાલો અખબારોમાં આવતાં રહે છે. આ મર્યાદાઓને સુધારવાના બદલે સરકાર પૂરી જવાબદારી ‘પીપીપી’ મોડલ પર લઈ જઈ રહી છે, જેમાં જૂજ વિદ્યાર્થીઓને તેનો લાભ મળે.

- Advertisement -

હવે સૌથી અગત્યનો મુદ્દો કે જ્ઞાનસેતુમાં આર્થિક ગણિત શું રહેશે. ઠરાવમાં આપેલી વિગત મુજબ ‘જ્ઞાનસેતુ ડે સ્કૂલની સ્થાપના માટેનું તમામ મૂડીરોકાણ પ્રોજેક્ટ પાર્ટનર દ્વારા ઉઠાવવામાં આવશે. પ્રોજેક્ટ પાર્ટનર સમયાંતરે જરૂરી સમગ્ર સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તેમની પોતાની જમીન અને રોકાણ લાવશે. તેઓએ રાજ્ય સરકારની પોલીસી મુજબ અત્યાધુનિક સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ પુરી પાડવાની રહેશે.’ સરકાર દ્વારા આ અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે આવશ્યકતા જણાવી છે. પરંતુ જો આ બધો જ ખર્ચ પાર્ટનર એટલે કે ખાનગી શાળાને સંચાલિત કરતી સંસ્થા ઉપાડે તો તેમાં તે સંસ્થાને શો લાભ? અને સરકારની તેમાં ભૂમિકા શું રહે? તેનો જવાબ પણ આ ઠરાવમાં મળે છે. જેમ કે, સરકારની ભૂમિકા તેમાં પ્રોજેક્ટના કન્ટ્રોલર તરીકેની તો રહે જ છે, ઉપરાંત સરકાર વિદ્યાર્થીદિઠ પ્રોજેક્ટ પાર્ટનર બનનારી સંસ્થાને વિદ્યાર્થીદિઠ 20,000 રૂપિયા ચૂકવશે.

હવે સમજો કે કોઈ એક આવી શાળા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત પસંદગી પામે છે અને તેમાં આ વર્ષે ધોરણ છમાં સિત્તેર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તો સિત્તેર વિદ્યાર્થીઓ દિઠ સરકાર 14 લાખ રૂપિયા શાળાને ચૂકવશે. 20,000ની રકમ દર વર્ષે સાત ટકાના દરે વધશે એ પણ સ્પષ્ટતા સરકારે કરી છે! એટલે કેટલીક શાળાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત જોડાવવા ઉત્સુકતા દાખવી છે. અહીં એય નોંધવું રહ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જ્યારે સેલ્ફ ફાયનાન્સમાં એડમિશન લે છે અને તે શાળાની ફી એક લાખ હોય તેમ સુધ્ધા રાજ્ય સરકાર શાળાને વિદ્યાર્થીદિઠ હાલમાં 13,000 રૂપિયા જ આપે છે. જ્યારે અહીંયા સરકાર 20,000 રૂપિયાની વાત કરે છે.

જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંતર્ગત ચાર પ્રકારની શાળાઓ શરૂ થવાની છે તેમાં ‘જ્ઞાનસેતુ ડે સ્કૂલ’, ‘જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ’, ‘જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ’ અને ‘રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ’ છે. આ પૂરા પ્રોજેક્ટમાં કેટલીક શાળાઓએ રસ દાખવ્યો છે, તેમ તેને લઈને શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા સંગઠનોનો વિરોધેય શરૂ થયો છે. તેમના વિરોધને ધ્યાનમાં રાખીને સરકારે હાલમાં દરેક સંગઠન દિઠ બે પ્રતિનિધિ અને ‘ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ’ના પાંચ સભ્યોની એક કમિટિ બનાવી છે. આ કમિટિ ટૂંક સમયમાં રિપોર્ટ સબમિટ કરાવશે.

- Advertisement -

જ્ઞાનસેતુ પ્રોજેક્ટની સામે જે સંસ્થાઓના મંડળ, શિક્ષકોના મંડળે વિરોધ નોંધાવ્યો છે. તેમનો સૌથી અગત્યનો મુદ્દો શિક્ષણના ખાનગીકરણનો છે. શિક્ષણની જવાબદારી સરકારની છે અને ધીરે ધીરે આ મોડલ દ્વારા પૂરા વહિવટમાંથી સરકાર નીકળી જશે. માત્ર નાણાં પૂરા પાડવા પૂરતી રહેશે. આ પ્રોજેક્ટની સફળતા અંતે તો શિક્ષણને ખાનગીકરણ તરફ લઈ જશે. આ કારણે સરકારી અને ગ્રાન્ટ ઇન શાળાઓમાં વિદ્યાર્થીઓ ઘટશે અને તે કારણે શિક્ષકો ફાજલ પડશે. ઉપરાંત, સરકાર અત્યાર સુધી શિક્ષણને વધુ ગુણવત્તાસભર કરવા અર્થે શિક્ષકોની પણ ‘ટેટ’ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા લીધી. આ શિક્ષકોને સરકાર સારું એવું વળતર ચૂકવે છે, પણ હવે તે શિક્ષકો જ્યાં છે ત્યાંના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે તેવી ભીતિ આ પ્રોજેક્ટના કારણે ઊભી થઈ છે.

જુદાં જુદાં સંગઠનોનું એવું પણ માનવું છે કે જિલ્લા અને કોર્પોરેશન દ્વારા ચાલતી શાળાઓને સહાય કરવામાંથી સરકાર પીછેહઠ કરતી રહી છે અને આમાં લાભ ખાનગી શાળાઓને થશે. ખરેખર તો અત્યારે જે સરકારી શાળાઓ છે તેમાં માળખાકીય સુવિધા અને સારાં શિક્ષકો છે. સરકાર જો તેમાં વધુ ધ્યાન આપે તો આવી મોડલ સ્કૂલ અહીં જ નિર્માણ પામી શકે, પરંતુ છેલ્લે તો સ્વાસ્થ્યની જેમ શિક્ષણક્ષેત્રમાંથી હાથ ખંખેરવાની વાત છે, એટલે પણ સરકાર આવો નવો પ્રયોગ કરવા જઈ રહી છે.

આ ઉપરાંત સરકાર પર આ પ્રોજેક્ટથી ભારણ વધશે. જે ભંડોળ પછીથી જ્ઞાનસેતુ દ્વારા પ્રાઇવેટ સ્કૂલોમાં જશે, તે ખરેખર સરકારી શાળાને આપવું જોઈએ. આ પ્રોજેક્ટની સૌથી વધુ અસર ગ્રામ્ય વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં થશે. અહીં હાલમાં રિઝલ્ટ બેઝ્ડ ગ્રાન્ટ પોલિસી અમલમાં છે. જેના કારણે ખરાબ પરિણામના કારણે શાળાઓમાં શિક્ષકોની ભરતી નથી થતી અને કેટલીક શાળાઓને બંધ જાહેર કરવામાં આવી છે. અને આ રીતે ગ્રાન્ટ ઇન સ્કૂલો સમયાંતરે ઘટતી જશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular