નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: આજે ત્રીજા દિવસે પણ બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગ (IT Survey at BBC Office)નો સર્વે ચાલુ છે. બે દિવસ પહેલા વિશ્વની પ્રતિષ્ઠિત ન્યૂઝ સંસ્થા બીબીસી પર આવકવેરાનો સર્વે શરૂ કરવામાં આવતા અનેક આક્ષેપો સરકાર પર લાગ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયાએ આ ઘટનાને તાજેતરમાં જ બીબીસીએ ગુજરાત દંગા (Gujarat Riots) પર રીલિઝ કરેલી ડોક્યુમેન્ટરી (BBC Documentary) ને કારણે સરકારના ઈશારે આ કાર્યવાહી થઈ હોવાના અહેવાલ પ્રગટ કર્યા હતા. સાથે જ દેશના સામાજિક કાર્યકરો અને વિપક્ષના નેતાઓએ પણ આ ઘટનાને પત્રકારત્વ પર હુમલો ગણાવ્યો હતો.
મળતી માહિતી મુજબ ત્રીજા દિવસે પણ બીબીસીના સંપાદકીય વિભાગો સહિત 10 જેટલા વરિષ્ઠ કર્મચારીઓને બે રાત સુધી ઘરે જવાની મંજૂરી આપવામાં નથી આવી. સાથે જ કેટલાક કર્મચારીઓના ફોન પણ આવકવેરા વિભાગ દ્વારા ક્લોન કરવામાં આવ્યા છે. ત્યારે બીબીસીએ પોતાના સ્ટાફને તપાસમાં સહકાર આપવા માટે જણાવ્યું હતું અને કહ્યું હતું કે જે કર્મચારીઓના કોમ્પ્યુટર ચેક કરવામાં આવ્યા છે તેમને ઘરેથી કામ કરવું.
Hindusena protest against BBC News

વધુ વાંચો: ટીપુ સુલતાનના સમર્થકોને જીવતા ન રહેવું જોઈએ: ભાજપના નેતાનો બફાટ
મહત્વની વાત છે કે, ગુરુવારના રોજ હિન્દૂ સેનાના પ્રદર્શન બાદ આજરોજથી બીબીસીની ઓફિસ બહાર ITBPના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આમ હવે બીબીસીના વિરોધમાં હિન્દૂ સેનાના કાર્યકરો પણ દેખાવ કરતા હોય મામલો રાજકીય દિશા તરફ આગળ વધતો જણાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટીયાએ બીબીસી પર આવકવેરના સર્વેને યોગ્ય ઠેરવતા આક્ષેપ કર્યો હતો કે, બીબીસીનો ઈતિહાસ ખરડાયેલો રહ્યો છે. તેઓ ભારત વિરોધમાં ઝેરી અહેવાલ પ્રસિધ્ધ કરી ખોટો પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.








