નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના(BJP Karnataka) નેતા નલિન કુમાર કતિલ (Nalinkumar Kateel) તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. હવે તેમણે મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાન (Tipu Sultan)વિશે ટિપ્પણી કરી વિવાદ છેડ્યો છે. કતિલે બુધવારે એક બેઠકમાં કહ્યું હતું કે, ‘ટીપુ સુલ્તાનના તમામ પ્રખર અનુયાયીઓ જીવિત ન હોવા જોઈએ.’ તેમણે કહ્યું કે ટીપુ સુલતાનના વંશજોને ભગાડીને જંગલોમાં મોકલી દેવા જોઈએ.
કતિલે જાહેર સભા દરમિયાન કહ્યું- ‘અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ. અમે ટીપુ સુલતાનના વંશજો નથી. અમે ટીપુના વંશજોને પાછા મોકલી દીધા છે. તો હું યેલ્લાબુર્ગાના લોકોને પૂછું છું કે, શું તેઓ હનુમાનની પૂજા કરશે કે ટીપુ સુલતાનનાં ભજન ગાશે?
કતિલે કહ્યું, ‘રાજ્યના લોકોએ વિચારવું જોઈએ કે તેઓ ભગવાન રામ અને હનુમાનના ભક્તો ઈચ્છે છે કે ટીપુના વંશજો. હું ભગવાન હનુમાનની ભૂમિ તરફથી પડકાર ફેંકું છું કે જે લોકો ટીપુને પ્રેમ કરે છે તેઓ અહીં ન રહે. જે લોકો ભગવાન રામના ભજન ગાય છે અને ભગવાન હનુમાનના સમર્થક છે તેઓએ અહીં જ રહેવું જોઈએ.
આ મહિનાની શરૂઆતમાં, કતિલે એવો દાવો કરીને વિવાદ સર્જ્યો હતો કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી “ટીપુ Vs સાવરકર” પર લડવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “તેઓએ (કોંગ્રેસ) ટીપુ જયંતિ ઉજવવાની પરવાનગી આપી હતી, જેની જરૂર નહોતી, ત્યારે પાર્ટીએ સાવરકર વિશે અપમાનજનક વાતો કરી હતી.”
મૈસૂરના શાસક ટીપુ સુલતાનનો મુદ્દો કર્ણાટકના રાજકારણમાં એક ધ્રુવીકરણનું તત્વ બની ગયો છે. ટીપુ સુલતાન Vs હનુમાનની ચર્ચા 2018ની કર્ણાટક ચૂંટણીમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શરૂ કરી હતી. તેમની એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર નિશાન સાધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કર્ણાટક એ “હનુમાનની ભૂમિ” છે, જેના પર અગાઉના વિજયનગર સામ્રાજ્યનું શાસન હતું.
રાજ્યમાં જમણેરીઓ ટીપુ સુલતાનને એક કટ્ટર જુલમી તરીકે જુએ છે જેણે હજારો લોકોને બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું હતું. તત્કાલીન સિદ્ધારમૈયા સરકારે સતત બે વર્ષ સુધી ટીપુ જયંતિ ઉજવી. સિદ્ધારમૈયા સરકારે ટીપુ સુલતાનને પ્રારંભિક સ્વતંત્રતા સેનાની તરીકે જોયા હતા. જો કે ભાજપ અને દક્ષિણપંથી સંગઠનો તેનો જોરદાર વિરોધ કરી રહ્યાં છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ટીપુ સુલતાન ફરી એકવાર મુદ્દો બની ગયો છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં આ વર્ષે એપ્રિલ-મેમાં 224 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








