નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ NEET-UG પેપર લીક કેસમાં CBI તપાસ દરમિયાન વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શિક્ષકે પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને કેટલાક ખાસ સવાલો નોંધાવીને તે જ આવવાના હોવાનો સંકેત આપ્યો હતો અને બાદમાં એ જ સવાલો પરીક્ષાના પ્રશ્નપત્રમાં જોવા મળ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, NEET-UG બાયોલોજી પેપર લીક કેસમાં CBIએ પુણેની બોટની શિક્ષિકા મનીષા ગુરુનાથ મંધારેની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ આ કેસમાં કુલ આરોપીઓની સંખ્યા 9 થઈ ગઈ છે.
CBI તપાસ મુજબ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં નિયુક્ત થયા બાદ મનીષા મંધારેએ આ કામગીરી સાથે જોડાઈ હતી. તપાસમાં ખુલાસો થયો છે કે એપ્રિલ મહિનામાં તેણે પુણેની અન્ય આરોપી મનીષા વાઘમારે મારફતે ઘણા NEET ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો.
ત્યારબાદ આરોપી શિક્ષિકાએ પોતાના ઘરે વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ ક્લાસ શરૂ કર્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ કોચિંગ દરમિયાન વિદ્યાર્થીઓને બોટની અને ઝૂલોજીના અનેક મહત્વના સવાલો લખાવીને ખાસ માર્ક કરવા કહેવામાં આવ્યા હતા.
CBIના દાવા મુજબ, શિક્ષિકાએ વિદ્યાર્થીઓને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે આ સવાલો મહત્વના છે અને પરીક્ષામાં આવી શકે છે. તપાસમાં સામે આવ્યું છે કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્રમાં આવા ઘણા સવાલો સમાન જોવા મળ્યા હતા.
આ કેસમાં છેલ્લા 24 કલાક દરમિયાન CBIએ દેશભરમાં 6 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મહત્વના દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઇલ ફોન સહિતના ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
તપાસમાં અત્યાર સુધી દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગર સાથે જોડાયેલા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 આરોપીઓને 7 દિવસના પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્નપત્ર લીક થવાના સોર્સ સુધી એજન્સી પહોંચી ગઈ છે. સાથે જ લાખો રૂપિયાની બદલામાં વિદ્યાર્થીઓને ખાસ કોચિંગ મારફતે પરીક્ષાના સવાલો પહોંચાડતા બિચોળિયાઓની ઓળખ પણ થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પહેલાં CBIએ આ કેસના મુખ્ય આરોપી પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ કરી હતી. તેઓ NTA સાથે જોડાયેલા કેમિસ્ટ્રી લેકચરર હોવાનું સામે આવ્યું છે અને પ્રશ્નપત્ર સુધી પહોંચ હોવાનો આરોપ છે.
તપાસ મુજબ, એપ્રિલના અંતિમ સપ્તાહમાં કુલકર્ણી અને મનીષા વાઘમારેએ મળીને પુણે સ્થિત પોતાના ઘરે પસંદગીના વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ સેશન યોજ્યા હતા.
હાલ CBI આ સમગ્ર રેકેટના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે. છતાં લોકોના મનમાં સવાલ છે કે કોઈનું ઠીકરું ક્યાંક બીજે તો નથી ફોડવામાં આવી રહ્યું ને?








