Thursday, April 16, 2026
HomeGujaratસારો પત્રકાર સારી રીતે જીવે અને સુખે મરે તેવી વ્યવસ્થા અભાવે ગુજરાતના...

સારો પત્રકાર સારી રીતે જીવે અને સુખે મરે તેવી વ્યવસ્થા અભાવે ગુજરાતના સિનિયર પત્રકાર જયદેવ પટેલની વિદાય થઈ

- Advertisement -

જેમ રાજકારણમાં આટાપાટા હોય છે તેવુ જ પત્રકારત્વમાં પણ હોય છે, પોલીટીકલ સ્ટોરી કવર કરતો પત્રકાર પણ કેવી રીતે રાજકારણના ચેપથી પોતાને કેવી રીતે બચાવી શકે, ગુજરાતમાં હાલમાં સક્રિય હોય તેવા તમામ પત્રકારોની ઉમંર કરતા વધુ પત્રકારત્વ કરનાર જયદેવ પટેલનો કોઈ શત્રુ ન્હોતો તેવુ તમામ પત્રકારો દાવા સાથે કહી શકે છે. 63 વર્ષ સુધી પત્રકારત્વ કરનાર જયદેવકાકા શુક્રવારના રોજ 81 વર્ષની ઉમંરે આપણને અલવીદા કહી કહી ગયા છે, જીંદગીની એકઝીટ તો અનિવાર્ય છે પરંતુ જયદેવકાકાના મામલે અફસોસ એટલો છે કે એક શકિતશાળી પત્રકાર સતત જીંદગીના પડકારો અને વિપરીત પરિસ્થિતિ વચ્ચે જીવતો રહ્યો હતો, જીંદગીના એક મુકામે હવે થાક લાગ્યો છે, બહુ થયુ કામ હવે આરામ કરવો છે તેવુ કહેવાની કુદરતે તેમને તક આપી જ નહીં.



જયદેવ પટેલે જેમને અમે જયદેવકાકા તરીકે ઓળખતા તેમને હું પહેલી વખત 1990માં ગુજરાત સમાચારની બહાર મળ્યો હતો, મારા સિનિયર જયેશ ગઢવી મને જયદેવકાકાને મળવા લઈ ગયા હતા કાકા ગુજરાત સમાચારની બહાર આવેલી ચ્હાની કીટલી પાસે તેમના બજાજા સ્કુટરને સ્ટેન્ડ કરી બેઠા હતા. જયેશ ગઢવીએ તેમનો પરિચય કરાવતા કહ્યુ આ જયદેવકાકા , ક્રાઈમ રીપોર્ટરમાં ગુજરાતમાં સૌથી સિનિયર, હું જયદેવકાકાને જોઈ રહ્યો , એક માતબર અખબારના ક્રાઈમ રીપોર્ટર, પણ વ્યવહાર, પહેરવેશ એકદમ સાદગી હતી, હું પત્રકારત્વમાં ખુબ નવો હતો, મને સિનિયર પત્રકારોની ખુબ બીક લાગતી હતી કારણ સિનિયરોને કોઈ નવો પત્રકાર આવે તે પસંદ પણ ન્હોતુ અને મંજુર પણ ન્હોતુ, હું અનેક સિનિયરોના માઠા અનુભવમાંથી પસાર થઈ ચુકયો હતો, પણ આ તો કોઈ જુદી માટીનો જ માણસ હતો તેવુ લાગ્યુ, પોતાના જ્ઞાન અને પદનું તસુભર અભિમાન નહીં તેમણે મને કહ્યુ પ્રશાંત મારુ કયારેય પણ કામ પડે તો કહેજે.

પણ મારે તો રોજ કામ પડવાનું હતું, હું પણ ક્રાઈમ રીપોર્ટર હતો, એટલે રોજ રમવાનું હતું, રોજ નવી રમત સમજવા મારે કાકાને ફોન કરવો પડતો, પણ રોજ મારા નવા પ્રશ્નને સાંભળવાનો અને સમજાવવાનો તેમની પાસે સમય હતો કયારેક તેમના ચહેરા અને શબ્દોમાં કંટાળો અને ગુસ્સો મેં જોયો નથી. આમ તો તેમને વાર્તાકાર થવુ હતું એટલે તેમની 15 વર્ષની ઉમંરે તેમણે જનસત્તા અખબારમાં વાર્તા લખવાની શરૂઆત કરી હતી, 1957માં તેમણે સંદેશમાં પત્રકાર તરીકે પહેલી નોકરીની શરૂઆત કરી અને તેમણે પોતાની સફરનો પ્રારંભ કર્યો, જયદેવકાકા એક માત્ર એવા પત્રકાર રહ્યા કે જેમણે પત્રકાર તરીકે 1962નું યુધ્ધ 1969ની કોમી તોફાનો સહિત હમણાં સુધીના તમામ તોફાનોનો તેમણે સ્વાનુભવ કર્યો હતો, 1974નું નવનિર્માણ આંદોલન હોય કે પછી અનામત આંદોલનઅને ધરતીકંપના તેઓ સાક્ષી રહ્યા હતા તેમણે અમદાવાદમાં ધમધમતી કાપડ મિલો અને અમદાવાદમી ચડતી પડતીને પોતાની કલમમાં કંડારી હતી.



જયદેવકારા એક ઉત્તમ રીપોર્ટર હોવાની સાથે અતિ ઉત્તમ માણસ હતા, કારણ જેમ એક બાળકને પોતાની માતામાં પોતાનાપણુ લાગે તેવુ જયદેવકાકાને મળ્યા પછી પત્રકારોને લાગતુ હતું, જીંદગીનો એક તબ્બકો એવો હોય છે કે માણસને જીંદગીની 60-65 વર્ષની ઉમંરે એવુ લાગે કે બસ હવે કામ કરવુ નથી, પણ જયદેવકાકાના હાથની રેખામાં આરામ જેવો શબ્દ ન્હોતો, તેમની પરિસ્થિતિઓને કારણે તેમના માટે કામ કરવુ અનિવાર્ય હતું, જયદેવકાકા જાણતા હતા કે બીજાને આપણી તકલીફ કહેવાથી કોઈ ફેર પડતો નથી માટે કોઈ કાકાની તકલીફ સમજી શકે એટલા નજીક તેમણે કોઈને આવવા દિધા જ નહીં નિવૃત્તીકાળ પછી અખબારમાં કામ કરવા ઉપરાંત તેઓ અમેરીકાના સ્ટોરમાં પણ કામ કરી આવતા હતા, જયદેવકાકા ગુજરાતના ગુગલ બાબા હતા, હાલમાં તેઓ દિવ્ય ભાસ્કર અખબારમાં પોતાની સેવા આપી રહ્યા હતા,

- Advertisement -

એક સપ્તાહ પહેલા તેમને બ્રેઈન સ્ટ્રોક આવ્યો, તેમના પરિવારજનોએ તેમને બચાવી લેવા અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં ખસેડયા, માત્ર ચાર દિવસમાં જ લાખોનું બીલ આવ્યુ, પરિવાર પાસે હવે તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવા સિવાય વિકલ્પ ન્હોતો, પરિવારે પોતાની હેસીયત પ્રમાણે તમામ પ્રયત્ન કર્યા, પણ પરિવારની શ્ર્ધ્ધા અને વિજ્ઞાન હારી ગયુ, કદાચ સ્વર્ગલોકને હવે તેમની ક્રાઈમ સ્ટોરીમાં રસ પડયો હશે, પણ મન માત્ર અફસોસ કરવા સિવાય કઈ કરી શકતુ નથી કારણ આપણે પાસે સારો પત્રકાર જીવનભર સારી જીંદગી જીવી શકે તેવી ખાનગી કે પછી સરકારી વ્યવસ્થા નથી અને જીવનના અંતિમ શ્વાસે ચીંતા વગર મરી શકે તેવુ સુખ હોતુ નથી, જયદેવકાકા જ્ઞાનનં ગોડાઉન હતા, તેમની પાસે અઢળક માહિતી હતી, પણ તેમની સ્થિતિ મહાવત સવારી કરે તેવા હાથી જેવી હતી,હાથી એવુ માનતો હોય છે કે તેની ઉપર સવારી કરનાર મહાવત તેના કરતા શકિતશાળી હોય છે, જયદેવકાકા પોતાના જ્ઞાન-અનુભવ અને તાકાતનું આર્થિક રૂપાતંરણ કરી શકયા નહીં, તેમને પૈસાનો લગાવ કયારેય થયો જ નહીં કદાચ એટલે જ તેઓ સારા માણસ હતા, જયદેવકાકાને આજે અલવીદા કહેવાની હિમંત થતી નથી, કયારેક કાકા મને નારણપુરાના અંકુરના બગીચામાં મોર્નીગ વોકમાં મળી જતા હતા,પણ હવે તે મને મળશે નહીં તેની મને ખબર હોવા છતાં મારી આંખ તેમને શોધ્યા કરશે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular