નવજીવન ન્યૂઝ, નવી દિલ્હી : ચૂંટણીમાં મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની નૈતિક જવાબદારી છે, પરંતુ શું મત ન આપવો તે ગુનો છે ? આ મુદ્દે સુપ્રીમ કોર્ટે (Supreme Court On Voting) મહત્વની સ્પષ્ટતા કરી અરજી પર સુનાવણીનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે આ મામલાને નીતિગત ગણાવીને અરજદારને સંબંધિત સત્તાધિકારી પાસે જવા માટે છૂટ આપી છે.
મતદાન ન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતામાં જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં જણાવ્યું હતું કે, મતદાન કરવું એ મજબૂરી નથી. ભારત એક લોકશાહી દેશ (India Democratic Country) છે જ્યાં છેલ્લા 75 વર્ષોથી લોકોના વિવેક અને વિશ્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. જો કોઈ મત નથી આપતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે મત ન આપવા પર દંડાત્મક જોગવાઈઓ લાગુ કરવી એ નીતિગત બાબત છે, જે સરકાર અને ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ચીફ જસ્ટિસે (Chief Justice Suryakant) એક માનવીય પાસાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો કોઈ ગરીબ વ્યક્તિ એમ કહે કે તેણે તે દિવસે પોતાની રોજીરોટી કમાવવાની છે, તો તે મત આપવા કેવી રીતે જાય? એ સ્થિતિમાં આપણે તેને શું જવાબ આપીશું?








