નવજીવન ન્યૂઝ.અમરેલીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામાન્ય રીતે રાજકીય પક્ષો વચ્ચેના મુકાબલા માટે જાણીતી હોય છે, પરંતુ અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં આ વખતે ચૂંટણી એક અલગ જ કારણસર ચર્ચામાં આવી છે. અહીં એક જ પરિવારની દેરાણી અને જેઠાણી વચ્ચે સીધી ટક્કર સર્જાઈ છે, જેનાથી આ વોર્ડની ચૂંટણી રાજકીય જંગથી આગળ વધીને કુટુંબિક સ્પર્ધામાં ફેરવાઈ ગઈ છે. જોકે અહીં સાસુ બંને વહુઓને વારા ફરથી ફોર્મ ભરવા માટે પણ લઈ ગયા હતા. એટલે દેરાણી જીતે કે જેઠાણી સાસુને કોઈ માટે હરખ કે દુઃખ સમાન જ રહેશે.
વોર્ડ નંબર 9 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની પરંપરાગત સ્પર્ધા વચ્ચે આ વખતે પરિસ્થિતિ વધુ રસપ્રદ બની છે. જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપ તરફથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી છે, જ્યારે તેમની દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. બંનેએ વિધિવત રીતે ઉમેદવારી પત્રો ભર્યા બાદ હવે એકબીજા સામે પ્રચારમાં ઉતરવાની તૈયારી શરૂ કરી છે.
આ અનોખી પરિસ્થિતિને કારણે માત્ર રાજકીય જ નહીં, પરંતુ સામાજિક સ્તરે પણ ચર્ચાઓ તેજ બની છે. એક જ પરિવારના સભ્યો વચ્ચેની આ ટક્કર સ્થાનિક મતદારો માટે પણ ચોંકાવનારી બની છે. મતદારો હવે માત્ર પક્ષને નહીં, પરંતુ વ્યક્તિગત સંબંધો અને કાર્યક્ષમતાને પણ તોળી રહ્યા છે.
જેઠાણી રેણુકાબેન સોલંકીએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે તેઓ વિકાસના મુદ્દાઓને આધારે જનસમર્થન મેળવી રહ્યા છે અને મતદારોનો સહકાર મળશે તેવી આશા છે. બીજી તરફ, દેરાણી કાજલબેન સોલંકીએ વિસ્તારની સમસ્યાઓને ઉકેલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને જીતનો વિશ્વાસ દર્શાવ્યો છે. બંને પક્ષો પોતપોતાના દાવાઓ સાથે મેદાનમાં ઉતરતા, આ ચૂંટણી વધુ કસોટીભરી બની રહી છે.
કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો ગણાવી ભાજપ સામે જોરદાર ટક્કર આપવાની વાત કરી છે. તેઓનો દાવો છે કે સ્થાનિક મુદ્દાઓ અને જનહિતના પ્રશ્નોને લઈને તેઓ મતદારોનો વિશ્વાસ જીતશે. બીજી તરફ, ભાજપ પણ પોતાના પરંપરાગત મતદારોને જાળવી રાખવા અને વિકાસના મુદ્દાઓને આગળ રાખીને જીત માટે પ્રયત્નશીલ છે.
એક જ પરિવારની દેરાણી અને જેઠાણી વચ્ચેનો આ મુકાબલો હવે માત્ર રાજકીય જંગ નહીં, પરંતુ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે. અમરેલી નગરપાલિકાની આ બેઠક પર કોણ જીતશે તે તો મતદાન બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે વોર્ડ નંબર 9 ની આ ચૂંટણી સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ચર્ચામાં રહી છે.
કોંગ્રેસના ઉમેદવાર અને દેરાણી કાજલબેન સોલંકી કહે છે કે, કોંગ્રેસે મને ટિકિટ આપી તે બદલ પાર્ટીનો ખુબ ખુબ આભાર છે. મને આ તક આપી તેની મને ખુબ ખુશી છે. સામે મારા જેઠાણી સાથે ચૂંટણી જંગ છે. પણ મારા સામે કોણ છે તેનાથી મને નિસ્બત નથી. હું મારા વિસ્તારના જે કામો છે તે કામો લોકોના છે અને તે લોકોના કામો અંગે જ વિચારું છું. મારી સામે મારી દેરાણી હોય કે જેઠાણી તેનાથી મને ફરક પડતો નથી. મારે બસ મારા વિસ્તારનું સારું કરવું છે.
ભાજપના ઉમેદવાર અને જેઠાણી રેણુકાબેન સોલંકી કહે છે કે, હું વોર્ડ નં. 9માંથી ચૂંટણી લડું છું. ભાજપે મને જે ટિકિટ આપી છે તેનાથી ચૂંટાઈને હું વિસ્તારના વિકાસના કામો કરીશ. અમારા પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી. હું પાણી, રોડ-રસ્તાના કામો કરીશ, વિકાસ કરીશ. મને ભાજપમાંથી ટિકિટ મળી છે અને મારી દેરાણીને કોંગ્રેસમાંથી પણ સહુની વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ-વિવાદ નથી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હું જીતીશ.
આ ચૂંટણી અંગે યુવા કોંગ્રેસના પ્રમુખ અમરેલી સંદીપ ધાનાણી કહે છે કે, અમરેલીના વોર્ડ નં. 9માં કોંગ્રેસે કાજલ બેનને ટિકિટ આપી છે. આ કોઈ દેરાણી-જેઠાણીની લડાઈ નથી. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાને વાચા નથી આપી તેને લઈને કાજલબેને મન બનાવ્યું છે કે, આ જેઠાણી બનીને ફરતી ભાજપનો પારો ઉતારવા દેરાણીપણું નિભાવી ભ્રષ્ટાચાર અને વિકાસનું કામ કરવાની નેમ રાખી છે.








