નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ હાલમાં ઘણા લોકો નિષ્ફળતાથી નાસીપાસ થઈ જતા હોય છે તેવા તમામના મનમાં આશા અને હિંમતનું કિરણ ફૂટે તેવી આ આઈપીએસ અધિકારીની કહાની છે. ગુજરાતના પછાત વિસ્તારોમાં ગણના પામતા દાહોદના વતની છે આ આઈપીએસ ધ્રુમન નીંબાળે. તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગે છેલ્લી પાટલી પર બેસતા વ્યક્તિએ માત્ર 58 ટકા સાથે એસએસસી પાસ કર્યું હતું. વિચાર કરવા જેવું અહીં એ છે કે ત્યાંથી તેમની આઈપીએસ અધિકારી બનવા સુધીની સફર કેટલી દુર હતી છત્તા તેમણે તે નિશાન તાકી બતાવ્યું છે.
અહીં વ્યક્તિના માત્ર સંઘર્ષ અને સફળતાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે આપને જણાવીએ કે આઈપીએસ અધિકારી ધ્રુમન નીંબાળેએ એક બે નહીં પરંતુ ચોથા પ્રયાસે યુપીએસસી પાસ કરી હતી. તેઓ વર્ષ 2010માં પંજાબ કેડરના આઈપીએસ અધિકારી બન્યા હતા. તેઓ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)માં એસપી તરીકે જોડાયા છે અને આપ જાણો છો કે એનઆઈએ દેશમાં આતંકી ગતિવિધિઓના કેસની તપાસ કરતી મુખ્ય સંસ્થા છે. તેમનું કહેવું છે કે, હું દાહોદમાંથી કેન્દ્રી સિવિલ સર્વિસિસની પરીક્ષા પાસ કરનાર પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છું.
તેમણે પંજાબ પોલીસમાં એસએસપી હતા ત્યારે કોમરેડ બલવીંદર સિંઘની આતંકીઓ દ્વારા કરાયેલી હત્યાની તપાસમાં ખુબ મહેનત કરી હતી, લગભગ 3200થી વધુ સીસીટીવી ચેક કર્યા હતા. બલવીંદર સિંઘ, તેમના પત્ની અને ભાઈ-ભાભીની આતંકીઓએ હત્યા કરી દીધી હતી. બલવીંદર સિંઘ એવા નાગરિક હતા જેમને આતંકીઓ સામે કામ કરવા બદલ શૌર્યચક્ર મેળવ્યું હતું. ધ્રુમન નીંબાળેએ જે રીતે તપાસ કરી તે કાબીલે દાદ હતી કારણ કે આ કેસમાં ક્યાંય કોઈ લીડ મળી રહી ન હતી ત્યારે તેમણે પોતાની તપાસ દરમિયાન આરોપીઓને આઠ જ દિવસમાં ઓળખી પાડ્યા અને 12 દિવસમાં તેમને ઝડપી પણ પાડ્યા હતા. તેમણે એટીએસમાં પણ બે વર્ષથી વધુ સમય સુધી કામગીરી સંભાળી હતી અને તે કામગીરી દરમિયાન પણ એનઆઈએ દ્વારા તેમની કામગીરીની નોંધ લેવાઈ હતી. કદાચ આ જ કારણ છે કે તેમની પસંદગી હવે એનઆઈએમાં કરવામાં આવી છે. એક સામાન્ય જિલ્લામાંથી કે જ્યાં અમદાવાદ, સુરત, જેવા શહેરો જેવી સુવિધાઓ ઘણી દુર હતી ત્યાં તેમણે ગુજરાતી માધ્યમ સાથે અભ્યાસ કર્યો અને એસએસસીમાં 58 ટકા મેળવ્યા પછી પણ પોતાની જાત મહેનત અને ખંતથી સફળતાની એ સીડી ચઢી બતાવી હતી. આજે જ્યાં સામાન્ય માણસો પાસે ચિંતાઓ અને મુશ્કેલીઓનો પાર નથી ત્યારે આ વ્યક્તિના જીવનમાંથી આટલું તો શિખવા જેવું ખરું.
[જીવન અમુલ્ય છે નાસીપાસ ન થશો. આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક મુશ્કેલ સ્થિતિ દૂધના ઉભરા સમાન હોય છે જે તેના નિશ્ચિત સમયે પાછું મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ)]








