નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Gujarat Weather Forecast: માર્ચમાં કમોસમી વરસાદ (Rain)ને કારણે ખેડૂતોને માથે પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમાંથી હજી ખેડૂત બહાર નથી આવ્યો. ત્યાં તો ફરી હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી (Varsad ni agahi 2023) કરીને ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે.
શું છે હવામાનની આગાહી?
ગુજરાતમાં એક બાજુ ગરમી તો બીજી બાજુ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જે પ્રમાણે આવતીકાલથી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શરુઆત થશે. બે દિવસ બાદ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.
કેમ વરસી શકે છે વરસાદ?
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીના જણાવ્યાં અનુસાર, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન ઉદભવ્યું છે. જેના કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ફરી કમોસમી વરસાદ પડવાની શક્યતા ઊભી થઈ છે.
ક્યાં ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અને આવતીકાલે કચ્છ, સાબરકાંઠા, વડોદરા, બનાસકાંઠા અને પાટણમાં વરસાદી માહોલ રહેશે. તો આગામી 12,13 અને 14 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં વરસાદી માહોલ રહેશે. સાથે જ બે દિવસ ગરમીનું જોર પણ યથાવત રહેશે.
શું છે અમદાવાદ માટેની આગાહી? (Ahmedabad Weather Forecast)
અમદાવાદમાં બુધવારે અને ગુરુવારે એટલે કે 12 અને 13 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. બીજી તરફ શહેરમાં આગામી અઠવાડિયા દરમિયાન ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી વચ્ચે રહેવાનો હોય આકરી ગરમીનું પણ પ્રમાણ વધશે. ત્યારે આજે અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચશે. તો રાજ્યમાં પણ 2 ડિગ્રી તાપમાન વધારો નોંધાશે.
રાજ્યભરમાં એક તરફ ગરમીનો વર્તારો હશે, તો બીજી તરફ કમોસમી માવઠાનો માર રહેશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, માર્ચમા પડેલાં કમોસમી વરસાદે ખેડુતોના ઉભા પાકને બરબાદ કર્યો હતો. તેની હજી ભરપાઈ નથી થઈ ત્યારે ફરીથી હવામાને ખેડૂતોના પાકને વિખેરવાની તૈયારી આદરી હોય તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.








