નવજીવન ન્યૂઝ. ભૂજઃ Bhuj Accident Video: રાજ્યમાં બેફામ વાહન હંકારવાના કારણે થતા અકસ્માતના (Road Accident) બનાવ અવાર-નવાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ ભુજમાંથી (Bhuj)સામે આવ્યો છે. જ્યાં બેફામ થયેલી એક કારે રાહદારીને અડફેટમાં લેતા એક વ્યક્તિ ફંગોળાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બનાવ અંગેના સી.સી.ટી.વી. વીડિયો પણ વાયરલ (Accident Video Viral) થયા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ભુજ તાલુકાના ભારાપર ગામમાં ગત 8 તારીખે સાંજના સમયે પેટ્રોલ પંપ નજીકના ત્રણ રસ્તા પાસે અલાઉદ્દીન સુલેમાન ભટ્ટી નામના વ્યક્તિ રસ્તાની એક તરફ ઊભેલા હતા. આ દરમિયાન ત્રણ રસ્તા પાસેથી વળાંક લઈને વેગેનાર કારે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અલાઉદ્દીનને અડફેટમાં લીધા હતા. કારની સ્પીડ એટલી બઘી હતી કે અલાઉદ્દીન કાર સાથે 10થી 15 ફુટ ફંગોળાયો હતો. આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો હોય વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેફામ કાર ચાલકે અલાઉદ્દીનને અડફેટ લીધા અને દૂર ફંગોળી દિધા હતા.
કારે રાહદારી અલાઉદ્દીનને ફૂટબોલની જેમ ફંગોળતા અલાઉદ્દીન ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ બનતા આસપાસના લોકો ઈજાગ્રસ્તની મદદે આવી પહોંચ્યા હતા અને અલાઉદ્દીનને તાત્કાલિક ભુજની જી. કે. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે માનકૂવા પોલીસે કારચાલક વિરૂદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધીને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે કાર ચાલકની તપાસ શરૂ કરી છે.








