નવજીવન ન્યૂઝ. સુરત: ટેક્ષટાઈલ માર્કેટમાં અગ્રેસર તરીકે ઓળખાતા સુરત શહેરમાં અવાર-નવાર ક્રાઈમની ઘટનાઓ બનતાં લોકમુખે ક્રાઈમ સીટી તરીકેની ઓળખ ઉભી થઈ છે. એવામાં અચંબો પમાડે તેવી એક ઘટના સામે આવી છે. સામાન્યપણે કોઈ ગરીબ કે આર્થિક રીતે સરભર ન હોય તેવા લોકો ચોરીના ગુના આચરતા હોય એવા ઘણાં કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. પરંતુ અહીં વાત કરોડપતિના દિકરાની છે કે, જેણે શ્રીમંત પરિવારનો હોવા છતાં 21.07 લાખની ચોરી કરી છે. સવાલ ચોક્કસ થયો હશે કે કેમ? તો કારણ જાણવા વાંચો આ અહેવાલ…
બનાવની છે શું વિગત?
19 ઓગસ્ટના રોજ સુરતના સિટીલાઇટ ખાતે નેમિનાથ એપાર્ટમેન્ટમાં એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ઘરમાં રૂપિયા 21.07 લાખની ચોરી થઈ હતી. અજાણ્યો યુવક કાચની બારીનું સ્લાઇડિંગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી ડાયમંડ જડિત સોનાના દાગીના મળી કુલ રૂપિયા 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ કરી રહી હતી. ત્યારે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંહ રાજપૂતને ઝડપી પાડતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પૂછપરછમાં ખુલાસો થયો છે કે, ચોરી કરનાર યુવક પોતે ધનાડ્ય અને સારા કુટુંબમાંથી આવે છે. અને કરોડો રૂપિયાના બંગ્લામાં રહે છે.
કરોડપતિનો દિકરો ચોરીના રવાડે ચડ્યો
આ મામલે પોલીસે ખુલાસો કરતાં જણાવ્યું કે, આરોપીનો પરિવાર લક્ઝ્યુરિયસ લાઈફ જીવે છે, અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગ્લામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. પિતા નથી પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે. આરોપીએ કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેના ભાઈએ સુમિતને ટેક્સટાઇલ વેપારમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તેમાં તેને નિષ્ફળતા મળતાં ચાર છ મહિનાથી બેકારી ભોગવી રહ્યો હતો. આખરે ખરાબ મિત્રોની સંગત અને પોતાના મોજશોખ પુરા કરવા તે ચોરીના રવાડે ચડી ગયો હતો.
આ મામલે ડીસીબી પોલીસે આરોપીની ઘરપકડ કરી છે અને હાલ તેની પાસેથી રોકડ રૂપિયા 21 હજાર, 7.70 લાખના સોના-ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક મળી કુલ 8.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.








