Thursday, April 16, 2026
HomeGeneralગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા નર્મદા કલેકટરને...

ગુજરાત-મહારાષ્ટ્રના આદિવાસી સમાજના આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીની ફરિયાદ નોંધવા નર્મદા કલેકટરને રજુઆત કરી

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): સ્ટેચ્યુ ઓફ યુનિટીના પૂર્વ નાયબ કલેકટર નિલેશ દુબેનો એક ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજ રોષે ભરાયો હતો, આ ઓડિયોમાં તેઓ આદિવાસીઓ સંદર્ભે અયોગ્ય શબ્દો બોલ્યા હોવાના આરોપસર તેમના સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ હતી. દરમિયાન ગુજરાત સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા હતા. નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા બાદ મામલો શાંત થશે તેવી તંત્રની ધારણા ખોટી પડી છે. નિલેશ દુબે સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધવાની માંગ સાથે કેવડિયા બચાઓ આંદોલન સમિતિ અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવા, રાજ વસાવા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતના મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોએ નર્મદા કલેકટરને આ સંદર્ભમાં રજૂઆત કરી હતી. મહારાષ્ટ્રના આગેવાનોએ એવી ચીમકી પણ આપી હતી કે જો નિલેશ દુબે સામે એટ્રોસીટી અંતર્ગત ફરિયાદ નહીં નોંધાય તો ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.




ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ એવું કહ્યું હતું કે, “ગુજરાત સરકાર આદિવાસી સમાજ સાથે છે કે નિલેશ દુબે સાથે એ બાબતની સ્પષ્ટતા કરે. સરકાર આદિવાસી સમાજની અનદેખી કરી નિલેશ દુબેને છાવરે છે, સરકાર કાયદાને ઘોળીને પી ગઈ છે.” જ્યારે ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે, “જો અમને ન્યાય નહીં મળે તો આખો આદિવાસી સમાજ રોડ પર ઉતરી પડશે. નર્મદા જિલ્લામાં આ રીતે કાયદાનું ઉલ્લંઘન થાય છે એ માટે વહીવટીતંત્ર અને પોલીસ જવાબદાર છે. જો આદિવાસીઓ કાયદાની ઉપરવટ જાય તો લાઠીચાર્જ કરાય અને ન્યાય માટે આગળ આવે તો ફરિયાદ લેવાતી નથી.” રાજ વસાવાએ જણાવ્યું હતું કે નિલેશ દુબે સામે ફરિયાદ દાખલ નહીં કરવા પોલીસ પર દબાણ છે, આ અંગેની સાબિતી હોવા છતાં કેમ તેમની સામે ફરિયાદ નોંધાતી નથી.

કેવડિયા બચાઓ આંદોલન સમિતિના કાર્યકરોએ નિલેશ દુબે સામે કાર્યવાહીની માગ સાથે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નિલેશ દુબે અગાઉ અનેક વાર આદિવાસી સમાજ સામે અભદ્ર ભાષામાં બોલી ચુક્યા છે. તેઓ એવી ધમકીઓ પણ આપતા હતા જ્યારે ઉપર રજૂઆત કરવાનું કહે તો નોકરીમાંથી કાઢી મુકશે. બીજા સમાજો કરતા આદિવાસીઓને ઓછો પગાર આપી અને પોતાના હોદ્દા કરતા 5 ગણું વધારે કામ કરાવામાં આવે છે અને અમારું શોષણ પણ કરતા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડની બાજુમાં જો કોઈ આદિવાસી વસ્તુ વેચવા બેઠો હોય તો પોલીસ હેરાન કરે છે. નિલેશ દુબે જેવા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીને ટેકો કોણ કરે છે? નિલેશ દુબે સામે તુરંત એટ્રોસીટીનો કેસ દાખલ નહીં કરવામાં આવે તો અન્ય અધિકારીઓ પણ આવું કૃત્ય કરશે અને કાયદો નબળો પડશે, નિલેશ દુબે સામે કોઈ ફરિયાદ દાખલ નથી કરાઈ એ દુઃખદ બાબત છે.

- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular