Sunday, July 13, 2025
HomeGujaratગુજરાતમાં 73 દારૂની દુકાનો: નિયમ કહે છે નશાબંધી અધિકારીની હાજરી વગર દારૂનું...

ગુજરાતમાં 73 દારૂની દુકાનો: નિયમ કહે છે નશાબંધી અધિકારીની હાજરી વગર દારૂનું વેચાણ કરી શકાય નહીં

- Advertisement -

પ્રશાંત દયાળ (દારૂબંધી ભાગ- 9): ગુજરાત નશાબાંધી અને આબકારી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી વિદેશી દારૂની કુલ 73 દુકાનો છે. નિયમ એવું કહે છે કે, વિદેશી દારૂની દુકાન ખૂલે અને બંધ થાય ત્યાં સુધી નશાબંધી સબ ઇન્સ્પેક્ટરની હાજરી હોવી અનિવાર્ય છે. નશાબંધી અધિકારીની હાજરી વગર દારૂનું વેચાણ થઈ શકે નહીં. કારણ વિદેશી દારૂ ઇથાઈલ આલ્કોહોલની વ્યાખ્યામાં આવે છે. આમ 73 વિદેશી દારૂની દુકાનો માટે 73 સબ ઇન્સ્પેક્ટર હોવા જરૂરી છે, પરંતુ હાલમાં આખા ગુજરાતમાં 28 સબ ઇન્સ્પેક્ટર જ છે. કાયદાની કમ નસીબી છે કે, નશાબંધી વિભાગ દ્વારા ઇથાઈલ અને મિથાઈલ આલ્કોહોલ માટેની મંજૂરી આપવામાં આવે છે. મિથાઈલ આલ્કોહોલ ઝેરી હોવા છતાં તેના નિયમો હળવા છે જ્યારે ઇથાઈલ આલ્કોહોલ ઘાતક નહીં હોવા છતાં તેના નિયમો કડક છે.

વિદેશી દારૂ એટલે કે આલ્કોહોલ માટે જે પરવાનો આપવામાં આવે છે તેના નિયમો પ્રમાણે ઇથાઈલ આલ્કોહોલનો પરવાનો ધરાવનારા ઇથાઈલ આલ્કોહોલ ખરીદવા માગે ત્યારે નશાબંધી વિભાગની પૂર્વ મંજૂરી લેવી પડે છે. ગુજરાત બહારથી ઇથાઈલ આલ્કોહોલ આવતો હોય ત્યારે નશાબંધી વિભાગના અધિકારી તેને એસ્કોટ કરે છે. જ્યાં ઇથાઈલ આલ્કોહોલનો જથ્થો ઉતારવામાં આવે છે ત્યાં નશાબંધી અધિકારીની હાજરી હોવી અનિવાર્ય છે. આ જ ઇથાઈલ આલ્કોહોલ લોક કરવાનું કામ પણ નશાબંધી ખાતું કરે છે. આ જ પ્રકારે ગુજરાતમાં આવેલી 73 દારૂની દુકાનો બપોરના 12થી રાતના 8 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. આ દુકાન ખૂલે અને બંધ થાય ત્યાં સુધી દરેક દુકાન પર એક સબ ઇન્સ્પેક્ટરની હાજરી હોવી અનિવાર્ય છે, પરંતુ ગુજરાત નશાબંધી વિભાગમાં 103 સબ ઇન્સ્પેક્ટરની જગ્યા સામે 28 સબ ઇન્સપેકટરની જ જગ્યા ભરેલી છે. બાકીની તમામ કામગીરી છોડી દેવામાં આવે તો પણ 73 દુકાનો માટે 73 સબ ઇન્સ્પેક્ટરની જરૂર છે.

- Advertisement -

આ સમસ્યાનો તોડ સિનિયર અધિકારીઓએ એવી રીતે કાઢ્યો છે કે એક સબ ઇન્સ્પેક્ટરને બેથી ત્રણ દુકાનોનો હવાલો આપવામાં આવ્યો છે. એક સબ ઇન્સ્પેક્ટર શારીરિક રીતે એક જ સ્થળે હાજર રહી શકે બાકીની દુકાને સબ ઇન્સ્પેક્ટર સઃદેહે હાજર છે તેવી રીતે ચાલવવામાં આવે છે. ગુજરાતમાં નશાબંધીના સબ ઇન્સ્પેક્ટરની હાજરી પણ આવી જ છે. 38 ઇન્સ્પેક્ટરની સામે 9 જ ઇન્સ્પેક્ટર હાજર છે. બાકીની જગ્યાઓ ખાલી છે. 750ના કુલ સ્ટાફ સામે 350 જગ્યાઓ ખાલી છે. આમ નશાબંધી ખાતાની હાલત ધણી વગરની સ્ત્રી જેવી છે.

અગાઉના ભાગ વાંચવા માટે અહિયાં ક્લિક કરો

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular