નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બોટાદ લઠ્ઠાકાંડનો મામલો હજી શાંત થયો નથી. ત્યાં તો ફરી એકવાર અમદાવાદમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતા અટકી છે. બોટાદ લઠ્ઠાકાંડની તપાસમાં સામે આવ્યું હતું કે તેમાં કેમિકલની મિલાવટના કારણે લોકોના મોત થતાં હતા. ત્યારે અમદાવાદમાં પણ આજ પ્રકારે બ્રાન્ડેડ વિદેશી દારૂ બનાવતી નકલી મિનિ ફેક્ટરી PCBની ટીમે ઝડપી પાડી છે.
અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં PCBની ટીમે નકલી વિદેશી દારૂ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી પાડી છે. ન્યુ રાણીપ વિસ્તારના ચેનપુર પાસે ભંગારના ગોડાઉનમાં બ્રાન્ડેડ વિદેશી દારૂ કેમિકલ મિક્ષ કરીને બનાવવામાં આવતો હતો. જે દારૂ ભારતમાં પણ ન બનતો હોય તેવી બ્રાન્ડનો દારૂ ગઠિયાઓ બનાવવાનું શરૂ કર્યું હતું. ભંગારના ગોડાઉનમાંથી પોલીસને મોટી સંખ્યામાં જૂની દારૂની બોટલ્સ મળી આવતી હતી. ઉલ્લેખનીય છે કે નકલી દારૂની મિનિ ફેક્ટરીની આસપાસ કોઈની અવર જવર ન થાય તે માટે 3 કુતરાઓ પણ રાખવામાં આવ્યા હતા. જેથી કોઈ બહારનો અજાણ્યો વ્યક્તિ આવે તો ડાયરેકટ અટેક કરે.
PCBની ટીમે નકલી દારૂની મિનિ ફેક્ટરીનો પર્દાફાશ કરીને મોહમ્મદ છીપા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે શંકર મારવાડી ફરાર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, શંકર મારવાડીએ આ જગ્યાને મહિને 10 હજારમાં ભાડે રાખી હતી, અને છેલ્લા 6 મહિનાથી બંને આરોપી નકલી દારૂ બનવા હતા. ઉપરાંત બંને જૂની દારૂની ખાલી બોટલ્સ ખરીદીને ગોડાઉનમાં રાખતા હતા. જ્યારે પોલીસ ભંગારના ગોડાઉનમાં પ્રવેશી હતી ત્યારે આખું ગોડાઉન દારૂની ખાલી બોટલ્સથી ભરેલું હતું. જેમાં મોંધીદાટ સ્કોચની બોટલ્સ પણ હતી. અત્યાર સુધીમાં આરોપીએ મોટી માત્રામાં નકલી દારૂ વહેચી ચૂકી છે. જોકે અહીંયાંથી 1 લાખથી વધારે કિંમતનો દારૂ વેચાતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
દારૂની બોટલના પેકિંગ કરવા માટે આરોપીઓએ એક ખાસ પ્રકારનું ટેબલ પણ બનાવ્યું હતું. આરોપીઓ એસેન્સ, આલ્કોહોલ અને પાણી મિક્ષ કરીને બ્રાન્ડેડ દારૂ તૈયાર કરતાં હતા. ત્યારબાદ ઓરીજનલ લાગે તે પ્રકારે પેકિંગ કરવામાં આવતું હતું. આરોપીઓ નકલી દારૂ બનાવવા માટે કયા પ્રકારનું કેમિકલ નાખતા હતા તે જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે. ઉપરાંત એક ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નકલી દારૂની મિનિ ફેક્ટરી છેલ્લા 6 મહિનાથી ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસને નકલી દારૂની ફેક્ટરીની ગંધ પણ ન આવી. ત્યારે અહીં સવાલએ થાય કે, જેવી રીતે માહિતીના આધારે PCB અને SMC જેવી રાજ્યની એજન્સી રોજબરોજ દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે. તો સ્થાનિક પોલીસને તેમના વિસ્તારમાં ચાલતી દારૂની પ્રવૃતિ વિશે માહિતી નહીં મળતી હોય? શું સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મીઓ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ નહીં કરતાં હોય?