નવજીવન ન્યૂઝ. અમદાવાદ: women employment in gujarat: ગુજરાતની મહિલાઓ પુરુષો સાથે પગથી પગ મળાવીને ચાલી રહી છે, નાના ગૃહ ઉદ્યોગ હોય કે પછી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દો હોય તે ગુજરાતની મહિલાઓએ મેળવ્યું છે. તેમ છતાં આજે ગુજરાત મહિલા રોજગારીની દૃષ્ટિએ છેલ્લા ક્રમાંકે છે, આ આંકડા કેન્દ્ર સરકારના માંત્રાલયના એક અહેવાલમાં પ્રસિદ્ધ થયા છે. ગુજરાતની મહિલાઓની રોજગારમાં (women employment) ભાગીદારીને લઈને આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે (Hiren Banker) પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કેન્દ્ર સરકારના આંકડા ટાંકીને સરકાર પર પ્રહાર કર્યા હતા.
હિરેન બેંકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધારે સમયથી ભાજપની સરકાર છે, તેમ છતાં ગુજરાતની ભાજપ સરકાર મહિલા સશક્તિકરણ કરવામાં અસમર્થ રહી છે. રસોઈથી રોજગાર, લઘુ ઉદ્યોગથી લઈને લોકસભા સુધી દેશમાં મહિલાનું યોગદાન મહત્વનું છે. સશક્ત ભારતનું નિર્માણ સશક્ત મહિલાઓથી જ શક્ય બનશે. આત્મનિર્ભર મહિલા, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના બણગા ફૂક્તી ભાજપ સરકારનાં શાસનમાં સ્વરોજગાર, લઘુ અને મધ્યમ ઉદ્યોગમાં મહિલાઓની ભાગીદારીમાં ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા ક્રમાંકે છે. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની સંખ્યા માત્ર ૧૬.૬૨ ટકા, ગુજરાતનાં લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી માત્ર ૯.૦૪ ટકા જેટલી છે. જ્યારે લઘુ ઉદ્યોગ-સ્વરોજગારમાં મહિલા કર્મચારીઓની ટકાવારીની રાષ્ટ્રીય સરેરાશ ૨૩.૫૯ છે એટલે કે ગુજરાત ટકાવારીની દ્રષ્ટીએ રાષ્ટ્રીય સરેસાશ કરતા અડધી જેટલી છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લઘુ ઉદ્યોગોના કુલ ઉત્પાદનમાં મહિલાઓની ભાગીદારી રાષ્ટ્રીય સ્તરે સરેસાશ 12.70 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડા માત્ર ૯.૦૪ ટકા છે. જે ભાજપ સરકારના મોટા-મોટા દાવાની પોલ ખોલે છે. ગુજરાતમાં વિવિધ શ્રેત્રે મહિલાઓની ભાગીદારીની વાતો કરતી ભાજપ સરકાર મહિલાઓનો મત મેળવવા માટે ઉપયોગ કરે છે, પણ સાચા અર્થમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા સહીત મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓનું અમલીકરણનું નિરાશાજનક ચિત્ર ભાજપની મહિલા વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો, સ્વરોજગારીમાં મોટાભાગની મહિલાઓને મળવાપાત્ર સહાય, સુવિધાઓ મળતી નથી અને મોટાભાગની યોજનાઓથી મહિલાઓ વંચિત રહે તે પ્રકારે વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે. ગુજરાતમાં મહિલાઓ માટે સુરક્ષિત અને અનુકૂળ ધંધા-સ્વરોજગાર માટે વાતાવરણ-વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ છે. જે અત્યંત ચિંતાજનક અને નિરાશાજનક છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








