જય અમીન (નવજીવન.અરવલ્લી): ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી અવધેશ પટેલ સમગ્ર ભરતી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર અને વચેટિયા તરીકે ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ કરતા ભારે સનસનાટી મચી હતી. જિલ્લા સહીત ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો હતો અને રાજકીય પક્ષોએ ભાજપ પર માછલાં ધોયા હતા ઉર્જા ભરતી કૌભાંડમાં નામ આવતા મીડિયાથી કિનારો કરી લીધા પછી બીજા દિવસે મોડાસા સર્કિટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અવધેશ પટેલે બચાવ કર્યો હતો. બીજીબાજુ સાબરકાંઠાના યુજીવીસીએલમાં ફરજ બજાવતા અને કથિત કૌભાંડમાં સંડોવાયેલા હર્ષદભાઈ નાઈ પણ મીડિયા સમક્ષ આપના યુવા નેતા યુવરાજસિહના આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા હતા.
ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે અરવલ્લી બીજેપીના યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલનું નામ બહાર આવતા ભુગર્ભમાં ઉતરી ગયેલ અવધેશ પટેલ આજે મીડિયા સામે પ્રગટ થયો હતો અને પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે ‘હું માનસિક રીતે કંટાળ્યો હોવાથી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જો મારું ઇન્વોલમેન્ટ હોય તો કાયદાકીય કાર્યવાહીમાં મારો સહકાર ન હોય. યુવરાજ સાબિત કરી બતાવે કે, મેં વિદ્યાર્થી પાસે પૈસા લીધા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘હું યુવરાજ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવા જઇશ. મને શંકા તો છે પણ મારે અત્યારે કાંઇ જાહેર નથી કરવું. આ એક રાજકીય બદનામી કરવાનો સ્ટંટ છે. ‘
હું કોઈ શિક્ષક નથી અને જે લોકોના આ ભરતી કૌભાંડમાં નામ આવ્યા છે તેમને ઓળખાતો નથી
અવધેશ પટેલે વધુમાં જણાવ્યા પ્રમાણે, યુવરાજસિંહે મને શિક્ષક કહ્યો પરંતુ હું શિક્ષક નથી હું પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો છું. હું કોઇ ક્લાસીસ નથી ચલાવતો કે કોઇ શિક્ષક નથી. સ્થાનિક પંચાયતની ચૂંટણી પુરી થઇ છે જેને કારણે આ કોઇ કાવતરું લાગી રહ્યું છે. આથી વિશેષ કાંઇ હોય એમ લાગી નથી રહ્યુ. મને જાણવા મળ્યું હતુ કે, ધનસુરામાં યુવરાજસિંહ આવ્યા હતા જેથી કોઇ કાવતરું થયું હોય એમ લાગી રહ્યુ છે.

આપ યુવાનેતા યુવરાજસિંહએ કોની કોની સામે આક્ષેપ કર્યો હતો વાંચો
વિદ્યાર્થી યુવાનેતા યુવરાજસિંહના આક્ષેપ પ્રમાણે વચેટીયા તરીકે ધનસુરાનો અવધેશ પટેલ, વડોદરાની એનએસઇ આઇટી કંપની (મહારાષ્ટ્ર)નો શ્રીકાંત શર્મા, ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ, અરવિંદ પટેલ, જીયુવીએનએલમાં ઉચ્ચ અધિકારી પ્રજાપતિ, હર્ષ નાઇ, પ્રાંતિજ સેન્ટર ઉપર હાલ પરીક્ષા આપતા મિત પટેલનો સમાવેશ થાય છે. ભરતીમાં જે લોકોએ પૈસા આપીને ઊર્જા વિભાગમાં નોકરી મેળવી લીધી છે તેમાં હિતેશ પટેલ, કુશાંગ પટેલ, ધવલ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ-રાહુલ પટેલ (પતિ-પત્ની), પ્રદીપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ, રજનીશ પટેલ વિગેરેનો સમાવેશ થાય છે.
![]() |
![]() |
![]() |











