નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી ભાજપની સરકાર છે અને આ સમય દરમિયાન ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, તેવી જાહેરાતો અવાર-નવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા પણ સતત ગુજરાત સરકાર પર આક્ષેપો કરવામાં આવે છે કે ભાજપ માત્રને માત્ર કેટલાક નજીકના ઉદ્યોગપતિઓનો જ વિકાસ કરે છે. ગત શનિવારે આવા જ એક આક્ષેપ સાથે શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર પર આક્ષેપ કરતાં કોલસાની ખરીદીમાં અદાણીને 3900 કરોડ વધારાના આપીને કૌભાંડ કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી.
શક્તિસિંહ ગોહિલની આ પત્રકાર પરિષદના થોડા જ સમયમાં ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પણ એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે શક્તિસિંહની વાતોને પાયવિહોણી ગણાવવામાં આવી હતી અને કરાર મુજબ જે પૈસા અદાણીને ચૂકવવામાં આવ્યા છે તે આગામી સમયમાં પરત મેળવી લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે ફરી શક્તિસિંહ ગોહિલે સરકાર અને મંત્રી ઋષિકેશ પટેલને ઘેરવા માટે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે ઋષિકેશ પટેલ અને સરકારને કેટલાક આકરા સવાલો કર્યા છે.
શક્તિસિંહ ગોહિલે ગઇકાલે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું છે કે, “કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જે આધારવિહીન ખુલાસા રજૂ કરવામાં આવ્યા છે, તેના અનુસંધાનમાં કેટલા પ્રશ્નો ઊભા થયા છે, તે હું અહિયાં રજૂ કરું છે. જે પત્ર મેં પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યો હતો તે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL) નો જ હતો અને એમાં કોઈપણ જાતની છેડછાડ થઈ હોય તેવું આપ પણ બોલ્યા નથી, ત્યારે GUVNLના સરકારના તા. 15-5-2023ના પત્રમાં જ સ્પષ્ટ રીતે લખાયું છે કે અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ દ્વારા કોઈપણ પ્રકારના બિલો, સપોર્ટીંગ ડોક્યુમેન્ટ્સ કે રીપોર્ટ્સ પાંચ વર્ષ સુધી રજૂ કરવામાં નથી અને સ્પષ્ટ રીતે એ પત્રમાં જ લખાયું છે કે, જે કિંમત કોલસાની બતાવવામાં આવી છે તે બજારકિંમત કરતાં ખૂબ જ ઊંચી બતાવવામાં આવી છે. આ જ પત્રમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે, મંત્રાલય દ્વારા જ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ARGUSની કિંમતને જ ધ્યાને લઈને અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા ચૂકવી શકાય. ગુજરાત સરકારના મંત્રી તરીકે આપ આ પત્રમાં જે વ્યવસ્થિત વસ્તુ લખાયેલ છે તે કેમ સ્વીકારતા નથી ?”
તેમણે વધુમાં લખ્યું છે કે, “આ પત્રમાં સ્પષ્ટ લખાયું છે કે, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના બોર્ડમાં નક્કી થયું છે અને તે મુજબ કિંમત ધ્યાને લેતાં રૂપિયા 3,900 કરોડનું વધારાનું ચૂકવણું અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને કરી દેવામાં આવ્યું છે. તો સવાલ એ છે કે, ગુજરાત સરકારના મંત્રી તરીકે આપ સરકારના જ પોતાના GUVNLના બોર્ડમાં થયેલા ઠરાવને શું ખોટો ગણો છે ? જો અધિકારીઓએ પોતે જ પોતાના પત્રમાં લખ્યું છે કે, અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ ઉંચા ભાવે કોલસાની વાત કરે છે જે બજારકિંમતે નથી અને બિલો કે ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરતા નથી, તો શું ગુજરાત સરકાર પોતાના જ વિભાગના અધિકારીઓના લખાયેલા પત્રને સ્વીકારતા નથી ? મંત્રી તરીકે આપ દ્વારા કોઈપણ મુદ્દાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.”
વધુમાં શક્તિસિંહે મંત્રી ઋષિકેશ પટેલ પર આક્ષેપ કરતાં લખ્યું છે કે, “વધુમાં જો મેં પ્રેસ કોન્ફરન્સમાં આપેલો GUVNLનો પત્ર ખોટો હોય અથવા તેમાં કોઈ ચેડા થયા હોય તો મારી સામે સરકાર કેસ કરે અને નહીં તો GUVNL કે જે સરકારનું જ બોર્ડ છે તેને સંપૂર્ણ વિચારણાના અંતે તેમજ સરકારના ઊર્જા વિભાગે આપેલ સુચના મુજબ જ્યારે ARGUSના ભાવ મુજબ ગણતરી કરીને રૂપિયા 3,900 કરોડ પાછા આપી દેવા માટે જણાવ્યું છે, તે પૈસા કેમ પાછા લેવામાં નથી આવતા? જે રૂપિયા 3,900 કરોડ વધારાના ચુકવાયા છે તેનું વ્યાજ ધ્યાને લેવામાં આવે તો બેંકના સાદા વ્યાજ મુજબ પણ પાંચ વર્ષ સુધી અપાયેલી રકમ વ્યાજની ઉમેરીએ તો રૂપિયા 3,900 કરોડ કરતાં આંકડો અનેકગણો મોટો થાય છે તે વસુલ કરવા પણ સરકાર કેમ તૈયાર નથી ? ગુજરાત સરકારના મંત્રી તરીકે આપ એવી પણ સ્પષ્ટતા કરતા નથી કે, જ્યારે કોઈપણ બિલોના આધાર વગર ઉંચી કિંમતના પૈસા ચૂકવી દેવામાં આવ્યા ત્યારે જે વ્યક્તિ GUVNLમાં ડાયરેક્ટર (ફાયનાન્સ) હતા તે આજે અદાણીની કંપનીમાં CEO તરીકે છે તે વાત ખરી છે ? અને જો આ વાત સત્ય હોય તો આ બાબતમાં સરકાર શું પગલાં ભરવા માગે છે ? તે પણ સરકાર જણાવે.”
વધુમાં તેમણે લખ્યું છે કે, “બોગસ માગણીઓ બિલો આપ્યા વગર કે ARGUSના ભાવ ધ્યાને લીધા વગર સરકાર ખાનગી કંપનીને પૈસાની લુંટ કરવાની છુટ આપે તો આખરે ગુજરાત રાજ્યના અનેક વીજળી ઉપયોગ કરતા ગુજરાતીઓના માથે કરોડો રૂપિયાનું ભારણ આવશે તે અંગે સરકાર કેમ ચુપ છે ? છેલ્લે એટલું જ જણાવવાનું છે કે જ્યારે સરકારના પોતાના જ પરિપત્રને સ્પષ્ટ ધ્યાને લઈએ તો સમગ્ર કેસ એ મની લોન્ડરીંગનો કેસ થાય છે અને ત્યારે આ પ્રકારના ભયમુક્ત ભ્રષ્ટાચારનો એજન્ડા લઈને ભાજપ ચાલી રહી છે અને માનીતા ઉદ્યોગપતિઓને પ્રજાના ઉપર ભારણ નાંખીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવે છે તે અંગે યોગ્ય તપાસ શા માટે નહીં ?”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








