નવજીવન ન્યૂઝ.હિંમતનગરઃ કોઈ કેવી રીતે નવજાત બાળકને જીવતું દાટી શકે? કોઈ કેવી રીતે આટલું નિષ્ઠુર અને નિર્દયી હોઈ શકે? શું તેનું કાળજું નહીં કંપ્યું હોય? આવા ઘણા સવાલો અને વિચારો આ વીડિયો જોયા પછી તમારા મનમાં ઊભા થશે તે સ્વાભાવીક છે જો તમારી માનવતા હજુ પણ જીવંત છે. ઘટના એવી છે કે સાબરકાંઠાના હિંમતનગર ખાતે આવેલા ગાંભોઈ ગામમાં એક કરુણ અને કંપારી છોડાવી દેનારી ઘટના બની છે. અહીં જમીનમાંથી રડવાનો અવાજ આવતો હતો જે સાંભળીને લોકોએ સાવચેથીથી જમીન ખોદી તો સહુ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યાં એક નવજાત બાળક દટાયેલું હતું અને તે જીવતું હતું. અહીં હાજર લગભગ તમામનું હૃદય આ બાળકનું રુદન સાંભળી ધ્રુજી ગયું હતું.
કદાચ આ વીડિયો જોયા પછી તે બાળકને દાટી દેનારા માતા પિતા કે સ્વજન કે જેણે આ કામ કર્યું છે તેના પર ફિટકાર વરસ્યો છે. બન્યુ એવું છે કે, ગાંભોઈમાં કેટલાક શ્રમીકો મજુરી કામ કરી રહ્યા હતા. લોકો કામ કરવા પહોંચ્યા ત્યારે તેમને ક્યાંકથી રડવાનો અવાજ આવતો હતો. તે અવાજ નાના બાળકનો હતો પરંતુ આ વિસ્તારમાં નાનું બાળક ક્યાં રડતું હશે તેવ પ્રશ્ન થતા તેના જવાબ માટે તેઓએ તે દીશામાં શોધવાનું શરૂ કર્યું.
દરમિયાન ગાંભોઈ જીઈબીની ઓફિસ પાસેની જમીનમાંથી આ અવાજ આવતો હતો. જ્યાં ધીમે ધીમે ખાડો ખોદતા તેમાંથી બાળક મળ્યું હતું. જોકે ગંભીરતા એ બાબતની હતી કે બાળક જીવતું હતું. કોઈએ તેને ત્યજી દીધું હતું, પણ કરુણતા એ હતી કે કોઈએ તેને જીવીત જ દાટી દીધું હતું. આ બાળકને તો હજુ સમજ નથી પરંતુ તેને દાટી દેનારાઓની સમજ અને તેમના પથ્થર હૃદય પર લોકો ફિટકાર વરસાવી રહ્યા હતા.








