નવજીવન ન્યૂઝ. અમદાવાદ: રાજસ્થાનના સીકર જિલ્લાના કુખ્યાત ગેંગસ્ટર રાજુ ઠેહટ (Raju Thehat)ની હત્યાના આરોપીને ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને રાજસ્થાન પોલીસે(Rajasthan Police) આપેલી માહિતીના આધારે દીલઘડક રીતે આરોપી વિજયપાલ બિશ્નોઈને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
ઘટનાની વિગત એવી છે કે, ગત 23 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સીકરમાં રાજુ ઠેહટને ગોળી ધરબી ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને તેની ગેંગે મોતને ઘાટ ઉતારી દીધો હતો. રાજુની હત્યાના ગુનામાં સંડોવાયેલા બિશ્નોઈ ગેંગના રોહિત ગડારા અને તેના સાગ્રીતોને રાજસ્થાન પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓએ પોલીસ પુછપરછ દરમિયાન હથિયાર અને કારતૂસ પુરા પાડવાનાર શખ્સ રાજસ્થાનના બીકાનેરનો વિજયપાલ બિશ્નોઈ (Vijaypal Bishnoi) ઉર્ફે ફૌજી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપી વિજયપાલને ઝડપી લેવા રાજસ્થાન પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
વિજયપાલને ઝડપવા માટે કાર્યરત રાજસ્થાન પોલીસને માહિતી મળી હતી કે, વિજયપાલ ગુજરાતમાંથી પસાર થવાનો છે. આ માહિતી મળતા રાજસ્થાન પોલીસે ગુજરાત પોલીસને માહિતી આપી હતી કે, આરોપી વિજયપાલ બિશ્નોઈ બીકાજી કંપનીના ટ્રકમાં ખેડાથી બીકાનેર જવાના માર્ગે મહેસાણા ટૉલ પ્લાઝા પરથી પસાર થવાનો છે. માહિતી મળતા જ ગુજરાત એટીએસની ટીમે માહિતીના સ્થળ આસપાસ વૉચ ગોઠવી દીધી હતી.
વૉચમાં રહેલા ગુજરાત એટીએસના અધિકારી અને કર્મચારીઓએ મહેસાણા ટૉલનાકા પાસે આવેલી ટ્રકને રોકી લીધી હતી. ટ્રકમાં રહેલા બે શખ્સોને અટકાવી તેમની ઓળખ કરતા આરોપી વિજયપાલ બિશ્નોઈ ઝડપાઈ ગયો હતો. બાદમાં એટીએસની ટીમે આરોપી વિજપાલની ધરપકડ કરી તેને અમદાવાદ ખાતે લાવી રાજસ્થાન પોલીસને જાણકારી આપી હતી. ગુજરાત પોલીસે ઝડપેલા વિજયપાલને હાલ રાજસ્થાન પોલીસને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








