નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં રાજકારણ ગમાયું છે. ગઈકાલે ગુજરાત આપ દ્વારા CM ચહેરા તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કર્યા બાદ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભંગાણ થયું છે. કોંગ્રેસમાંથી છેડો ફાડીને આપમાં ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નારાજગી સામે આવી હતી અને તેમણે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી. જોકે કોંગ્રેસમાં આવતાની સાથે તેમણે આપની પોલ ખોલી રહ્યા હોય તે રીતે આક્ષેપબાજી કરી રહ્યા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપનો છેડો ફાડતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ પોતાને CM ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તેવું ઈચ્છતા હતા. ઉપરાંત પોતે 15 ટિકિટ ફાળવે તેવું દબાળ પક્ષ પર બનાવી રહ્યા હતા. તેમને CM બનવાની ઈચ્છા હોય તે કોંગ્રેસ રજૂ કરે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસમાં જોડાયા બાદ આજે આપ પર અનેક આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ઈસુદાન ગઢવીને CM ચહેરા તરીકે જાહેર કરવાનું છેલ્લા 6 મહિનાથી નક્કી હતું, લોકોને પુછીને નહીં પણ આ પહેલાથી જ નક્કી હતું, મેં જે 15 ટિકિટ માગી હતી ત્યાં આપના મજબુત લોકોના બદલે ભાજપને ફાયદો કરાવે તેવા લોકોને ટિકિટ આપવામાં આવી હતી. મેં મારૂ સ્ટેન્ડ લીધું તો મને કહેવામાં આવ્યું કે જીદ ન કરો કમલમમાંથી લીસ્ટ આવે છે.
વધુમાં જણાવ્યું કે, આપ કહે છે કે અમે કરપ્શન નથી કરતાં, પરંતું મેં મારી આંખોથી જોયું છે આટલા બધાં પૈસા ક્યાંથી આવે છે. જો કરપ્શન ન કરતાં હોય તો આટલા બધા પૈસા આવે ક્યાંથી? 1 ઓક્ટોબરે દિલ્હી અને પંજાબના CM રાજકોટ આવ્યા હતા ત્યારે આ પૈસા ક્યાંથી આવ્યા છે તે અંગે પુછ્યું હતું ત્યારે ઈશારામાં ઉપર હાથ કરી દીધો હતો.








