Ahmedabad Plane crash: જય અમિન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી):
આખા દેશને હચમચાવી નાખનાર અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી આ ભયાનક દુર્ઘટનાની યાદ આજે પણ મૃતકોના પરિવારજનોના મનમાંથી ભૂંસાઈ નથી. ઘટનાના એક વર્ષ બાદ પણ અનેક પરિવારો માટે 12 જૂનનો દિવસ દુઃખ અને આંસુઓ લઈને આવે છે. વિમાનનો અવાજ સાંભળતા કે આકાશમાં વિમાન ઉડતું જોતા આજે પણ સ્વજનો ગુમાવનાર પરિવારોની આંખો ભીની થઈ જાય છે.
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેક-ઓફ થયાના માત્ર 32 સેકન્ડ બાદ એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના તેમજ જમીન પર રહેલા 19 લોકોના મોત સાથે કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
મૃતકોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત અરવલ્લી જિલ્લાના ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થતો હતો. જેમાં મોડાસા શહેરની 35 વર્ષીય નુસરતજહા જેથરા, મોડાસા તાલુકાના ખંભીસર ગામના જયશ્રીબેન પટેલ અને બાયડના કૈલાશબેન પટેલનો સમાવેશ થાય છે.
ખંભીસરના જયશ્રીબેન પટેલ લગ્ન બાદ પોતાના પતિ પાસે લંડન જવા માટે નીકળ્યા હતા. જ્યારે બાયડની ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન પટેલ પોતાના પુત્રને મળવા લંડન જવા રવાના થયા હતા. મોડાસાની નુસરતજહા જેથરા પણ આ ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તેમની આ સફર અંતિમ યાત્રા સાબિત થશે.
આ દુર્ઘટના દરમિયાન જયશ્રીબેન પટેલનો એરપોર્ટ પર પરિવાર સાથેનો છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો. પરિવાર માટે આ વીડિયો આજે પણ અમૂલ્ય સંભારણો બની રહ્યો છે. સ્વજનો કહે છે કે સમય પસાર થયો છે, પરંતુ દુઃખ આજે પણ એટલું જ તાજું છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને એરલાઈન્સ અને ટાટા કંપની તરફથી સહાયરૂપે કુલ ₹1.25 કરોડની આર્થિક મદદ આપવામાં આવી હતી.
ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં અનેક પરિવારો હજુ પણ તે ભયાનક ક્ષણોને ભૂલી શક્યા નથી. પરિવારજનોનું કહેવું છે કે 12 જૂન, 2025નો દિવસ તેમના જીવનમાં ક્યારેય ન ભરાઈ શકે તેવી ખોટ મૂકી ગયો છે.
અમદાવાદ પ્લેન ક્રેશની આ દુર્ઘટના આજે પણ સમગ્ર દેશ માટે દુઃખદ અને ક્યારેય ન ભૂલાય તેવી યાદ બની રહી છે.








