મિલન ઠકકર (નવજીવન ન્યૂઝ અમદાવાદ) : મૂળ દેહરાદૂનના પણ અમદાવાદમાં સ્થાયી થયેલા કુલદીપ યાદવ 1991માં પાકિસ્તાન પહોંચ્યા હતા. એ વખતે તેમની ઉંમર 28 વર્ષ હતી. અને 32 વર્ષ બાદ એટલેકે 2022માં 59 વર્ષની ઉંમરે તે વતન પરત ફર્યા છે. કુલદીપ યાદવ તેમના ભાઈ દિલિપ યાદવ અને બહેન રેખા યાદવ સાથે અમદાવાદમાં પોતાના ઘરે આવ્યા છે. નવજીવન સાથેની વાતચીતમાં તેઓએ પોતાના જેલના અનુભવો અને પરિવારની સ્થિતિ અંગે વાત કરી હતી.
શેનો કેસ હતો?
કુલદીપના કેસ વિષે પૂછતા તેઓ જણાવે છે કે, તે માહિતી ખાનગી (Confidential) હોવાથી હું જાહેરમાં ન કહી શકું. પણ એટલું જરૂર કહીશ કે, હું દેશના કામ માટે ગયો હતો. હું 1991માં બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન પહોંચ્યો અને ભારત માટે કામ શરૂ કર્યું. 1994માં હું જ્યારે મારું કામ પતાવીને પરત આવતો હતો ત્યારે બોર્ડર પર પાકિસ્તાન આર્મીના હાથે પકડાઈ ગયો. અને મારી પૂછપરછ (Interrogation) શરૂ કરવામાં આવી. એ દરમિયાન મારે અનેક યાતનાઓનો સામનો કરવો પડ્યો.
આજીવન કેદની સજા
ત્યારબાદ મને કોર્ટમાં રજૂ કરાયો અને મારા પર કેસ ચલાવવામાં આવ્યો. મને મારા બચાવ માટે એક વકીલ પણ સરકારી ખર્ચે આપવામાં આવ્યો હતો. કેસ ચાલતા અઢી વર્ષ થયા અને ચુકાદો આવ્યો. ચુકાદામાં ત્યાંની કોર્ટે જાસૂસીના કેસમાં મને આજીવન કેદની સજા સંભળાવી. પાકિસ્તાનમાં આજીવન કેદનો અર્થ થાય છે 25 વર્ષ. આ સમગ્ર કેસની ટ્રાયલ દરમિયાન મને આર્મી કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને મને કોર્ટમાં લઈ જવા, લાવવાનું કામ પણ આર્મીનું જ હતું. ત્યાં મને એ જ જમવાનું મળતું જે પાકિસ્તાની ફૌજીઓને મળતું હતું. આર્મીની કસ્ટડીમાં મારા જેવા ભારતીય સહિત અનેક વિદેશી આરોપી હતા. પણ ત્યાંની વ્યવસ્થા એવી હતી કે, અમે એકબીજાને જોઈ પણ શકતા નહોતા.
લાહોરની જેલમાં લઈ જવાયો
પાકિસ્તાનના કાયદા મુજબ સજા પામેલા આરોપીને આર્મી કસ્ટડીમાં રાખી શકાય નહીં. મને ત્યાંથી લાહોરની કોટ-લખપત સેન્ટ્રલ જેલ ખાતે લઈ જવામાં આવ્યો. જ્યાં સજા પામેલા કેદીઓને રાખવામાં આવે છે. પાકિસ્તાનમાં એવો કાયદો છે કે, કેસનો ચુકાદો આવે ત્યારથી સજાના દિવસો ગણવામાં આવે એટલે આર્મી કસ્ટડીમાં ભોગવેલા અઢી વર્ષ સિવાય બીજા 25 વર્ષ મારે લાહોરની જેલમાં ભોગવવાના હતા.
જેલનો સૌથી ખરાબ અનુભવ
આર્મીના અધિકારીઓએ મારો હવાલો લાહોર જેલને સોંપ્યો. એ વખતે પાકિસ્તાન કોર્ટનો હુકમ મેઇન ગેટના અમલદારને મળતાં જ તે ભડક્યા અને એમને ખબર પડી કે હું ભારતીય છું. માત્ર ને માત્ર ભારતીય હોવાના કારણે મને ગેટમાં જ મારવામાં આવ્યો. લગભગ 15-20 મિનિટ સુધી જેલના પોલીસ સ્ટાફે મને ખૂબ જ માર્યો પછી મને બેરેકમાં મૂકી દેવામાં આવ્યો. ત્યાં થોડા દિવસ પછી બીજા બંદીવાન મારી સાથે બોલતા થયા. અને હું પણ લોકોમાં ભળી ગયો. ત્યાર પછી મારી શારીરિક યાતનાઓનો અંત આવ્યો પણ માનસિક ધમાસાણ ચાલું જ હતું.
જેલની દિનચર્યા
લાહોરની જેલમાં એક બેરેકમાં લગભગ 28-30 લોકો રહેતા ક્યારેક તે સંખ્યા વધીને 100ને પાર પણ પહોંચી જતી. રોજના શિડ્યૂલ પ્રમાણે ઋતુના હિસાબે સૂર્યોદય વખતે અમને બેરેકની બહાર કાઢવામાં આવતા અને સૂર્યાસ્ત વખતે પાછા બેરેકમાં મૂકી દેવામાં આવતા. જેવી અમારી બેરેક ખૂલે કે, તરત નાસ્તામાં અમને ચા અને રોટલી આપવામાં આવતી. બપોરે રોટલી, કોઈપણ શાક અને દાળ આપવામાં આવતા. સાંજના જમવામાં રોટલી, દાળ અને મૂર્ગી આપવામાં આવતા. દર રવિવારે બપોરે એક મિષ્ટાન પણ આપવામાં આવતું. પણ સ્થાનિક કેદીઓ સાથે હું હળીમળી ગયો હોવાથી ક્યારેક તેઓ નાસ્તો, ફળ, ફ્રૂટ વગેરે આપી દેતા.
સરબજીત સાથે મુલાકાત
લાહોર જેલમાં અમારી સાથે સરબજીત પણ હતો. જે હવે આપણી વચ્ચે નથી તેનું દુઃખ છે. કારણ કે, અમે સારા મિત્રો હતા. એને મૃત્યુ દંડની સજા હતી એટલે એને અલગ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. પણ લગભગ પંદરેક દિવસે એકવાર અમે મળતા હતા અને વાતો કરતાં હતા. અમારી વાતોના વિષયમાં મોટાભાગે ભારતની વાતો રહેતી. ક્યારેક ક્યારેક પરિવારને પણ યાદ કરીને મન હળવું કરી લેતા.
જેલમાં કુલદીપની તબિયત અને સારવાર
હું જેલમાં અનેક વખત નાની-મોટી બીમારીઓનો ભોગ બન્યો. મને સારવાર મળી જતી. પણ છેલ્લા દિવસોમાં મને હાર્ટની તકલીફ થઈ છે. જેની સારવાર ચાલું જ હતી. એન્જ્યોગ્રાફી પણ કરાવી છે.
જેલમાં કામગીરી
જેલમાં આમતો અનેક ઉદ્યોગ ચાલતા પણ હું ભારતીય હોવાના કારણે મને કોઈ જ કામ આપવામાં આવતું નહીં. એટલે હું પ્રવૃત્ત રહેવા માટે બેરેકની સાફ સફાઈ કરતો. જેલમાં લાયબ્રેરી હતી પણ વિદેશી કેદીઓ માટે લાયબ્રેરીમાં જવા પર પ્રતિબંધ હતો.
ન્યૂઝ બતાવવામાં આવતા
દરેક બેરેકમાં એક ટીવી હતું. જેમાં સ્થાનિક ન્યૂઝ ચેનલ પણ બતાવવામાં આવતી હતી. જેમાં ભારત-પાકિસ્તાનના સંબધોમાં આવતા ઉતાર-ચઢાવ વિષે માહિતી મળી જતી. ક્યારેક એવી આશા પણ બાંધતી કે, હવે સંબંધ સુધાર્યા છે તો અમારા જેલવાસનો અંત આવશે. પણ એવું ક્યારેય થયું નહીં. ભારતની રાજનીતિમાં આવતા ઉતાર-ચઢાવ વિષે પણ અમે અવગત રહેતા.
ભારત-પાકિસ્તાનની મેચ બધા સાથે જોતા હતા.
જેલમાં બીજી કોઈ મેચ બતાવે કે ન બતાવે પણ ભારત-પાકિસ્તાનની મેચ અચૂક બતાવવામાં આવતી. ભારતની જેમ જ પાકિસ્તાનમાં પણ ક્રિકેટ ફીવર એટલો જ છે. એમાં પણ ખાસ કરીને ભારત-પાકિસ્તાનની મેચ માટે તેઓ પણ એટલા જ ઉત્સાહી રહેતા. હું બેરેકમાં પાકિસ્તાની કેદીઓ સાથે મેચ જોતો. બધા જ લોકો પાકિસ્તાન જીતે એની દુઆ કરતા અને હું ભારત જીતે એ માટે મનોમન પ્રાર્થના કરતો.
જેલમાં સ્વતંત્રતાદિન
ભારતમાં જેમ 15મી ઓગસ્ટ છે તેમ પાકિસ્તાનનો સ્વતંત્રતાદિન 14 ઓગસ્ટ છે. જેલમાં તે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો. અને જેલમાં રહેલા કેદીઓને એ દિવસે 3 મહિનાની માફી સરકાર દ્વારા જાહેર કરાતી. એ દિવસે જમવાનું પણ સારું બનતું. આખી જેલમાં ઉત્સવ જેવો માહોલ રહેતો.
પાકિસ્તાનની જેલમાં દિવાળી, રક્ષાબંધન
મારી બહેન રેખા મને શરૂઆતમાં દર વર્ષે રાખડી મોકલતી. ત્યારે સાથે આવેલા પત્રમાં ખબર પડતી કે, રક્ષાબંધન ક્યારે હતી. ક્યારેક તો દિવાળી જતી રહે પછી બે-ત્રણ મહિને ખબર પડે કે, દિવાળી જતી રહી. કારણ કે, હિન્દુ તહેવારો તારીખ પ્રમાણે હોતા નથી. પણ હા, ઈદની જરૂર ખબર રહેતી અને એ અમે રંગે-ચેંગે ઊજવતા.
પરિવાર સાથે સંપર્ક
ભારતમાં રહેતા મારા પરિવાર સાથે સંપર્ક કરવાનું એક જ માધ્યમ હતું. પત્રવ્યવહાર. હું અનેક વાર જેલમાંથી એમને પત્ર લખતો. પણ અહીં અમુક પહોંચે અને અમુક ન પહોંચે. ઘરેથી આવતા પત્રમાં પણ એવું જ થતું. કેટલાક પત્ર મળે અને કેટલાક ન મળે. અને મળે તો પણ બહુ મોડા મળે. મારા પિતાનું અવસાન થયાના સમાચારનો પત્ર મને ત્રણ વર્ષ પછી મળ્યો હતો. ત્યાં કેદી દ્વારા મોકલવામાં આવતા પત્રો અને કેદી પર આવતા પત્રો જેલ પ્રશાસન દ્વારા સેન્સર કરવામાં આવતા. જેથી આ મુશ્કેલી પડતી.
જેલમાં ભાષા
જેલમાં અને મારી બેરેકમાં પાકિસ્તાની કેદીઓ જ વધારે હતા. એટલે સ્વાભાવિક રીતે ઉર્દૂ અને હિન્દીમાં જ વાતચીત થતી. પણ લાહોરની જેલ હોવાથી પંજાબી લોકોનું પ્રમાણ પણ વધારે હતું. એટલે મેં પંજાબી અને ઉર્દૂ પણ શીખી લીધી. આ ઉપરાંત રશિયા, આફ્રિકા, ફ્રાન્સ, જર્મન, નાઇજિરિયા, કંજાનિયા, યુગાન્ડા, કેન્યા, ચાઈના વગેરે દેશોના બંદીવાન પણ હતા. એટલે ક્યારેક અંગ્રેજીમાં પણ વાતચીત થતી. વિદેશી નાગરિકોમાં આફ્રિકન લોકોનું પ્રમાણ વધારે રહેતું. અને તેઓ મોટાભાગે ડ્રગ્સ સપ્લાય કરવાના કેસમાં હતાં.
જેલવાસ દરમિયાન ઇન્ડિયન એમ્બેસી સાથે વાતચીત
જેલવાસ દરમિયાન મેં ઇન્ડિયન એમ્બેસીને અનેક પત્ર લખ્યા છે. જેમાંથી મોટાભાગના પત્રોના જવાબ આવ્યા નથી. ઇન્ડિયન એમ્બેસી પાસે મેં જેલમુક્ત થવા માટે અને આર્થિક સહાય મેળવવા મદદ માગી છે. પણ મારા સમગ્ર જેલવાસ દરમિયાન મને એક વાર ત્રણ હજાર અને બે વાર બે-બે હજાર એમ કુલ 7000ની જ સહાય મળી છે.
જેલમાં થયેલો સારો અનુભવ
જેલમાં આમ તો અનેક પ્રસંગો બન્યા, અનેક મિત્રો બન્યા. પણ સૌથી સારો અનુભવ એ જ રહ્યો કે, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મને 2021માં છોડવાનો હુકમ કર્યો. આ ઉપરાંત જેલમાં કામ કરતાં એક ક્લાસ-B ઓફિસરે એકવાર મને કહ્યું હતું કે, “કેકે, (મને લોકો જેલમાં કેકે કહેતા.) તું કહે એટલા પૈસા આપું પણ તું જેલમુક્ત થવાની વ્યવસ્થા કર.” પણ મારા કેસમાં પૈસા કામ એવા નહોતા. મારો એક જ આધાર હતો. ભારત સરકાર.
આખરે ભારત પરત આવ્યો
2021માં સુપ્રીમ કોર્ટે મને છોડવાનો હુકમ કર્યો પછી મને લાહોર જેલમાં જ ડિટેન્શનમાં રાખવામાં આવ્યો. અને 22 ઓગસ્ટ 2022ના દિવસે વાઘા બોર્ડરથી મને ભારત મોકલી દેવાયો. અમે બે ભારતીય કેદી હતા. અને અમારી સાથે લગભગ 15-20 પાકિસ્તાની ઓફિસર્સ હતા. વાઘા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પગ મૂક્યો એ વખતની લાગણી હું શબ્દોમાં વર્ણવી શકતો નથી.
કુલદીપ યાદવનો પરિવાર
હું પાકિસ્તાન ગયો ત્યારે મારા પરિવારમાં 7 સભ્યો હતા. અમે ચાર ભાઈ, એક બહેન અને માતા-પિતા. અત્યારે પાછો આવ્યો છું ત્યારે માતા-પિતા તો નથી રહ્યા પણ મારો પરિવાર 10 કરતાં વધારે સભ્યોનો છે. મારા ભાઇઓના લગ્ન થઈ ગયા છે. એમના બાળકોના ઘરે પણ બાળકો છે.

રેખાબેન યાદવ (કુલદીપ યાદવના બહેન)
મને જાણ થઈ કે, મારો ભાઈ પાકિસ્તાનની જેલમાં છે. ત્યારથી દર વર્ષે એમને રાખડી મોકલતી પણ છેલ્લા કેટલાક વર્ષોથી મેં રાખડી મોકલવાની બંધ કરી હતી. કારણ કે, મેં પ્રણ લીધું હતું કે, હવે મારા ભાઈને હું રૂબરૂમાં જ રાખડી બાંધીશ. ત્યાં સુધી બધી રાખડી મેં ઈશ્વરના ચરણોમાં અર્પણ કરી હતી. અને ઈશ્વરે મારી આ આશા પૂરી કરી 19 ઓગસ્ટે રક્ષાબંધન હતી અને 23 તારીખે અમૃતસર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે, તમારા ભાઈ આવી ગયા છે. પછી મેં રૂબરૂમાં રાખડી બાંધીને રક્ષાબંધન મનાવી.
દિલિપ યાદવ (કુલદીપ યાદવના ભાઈ)
કુલદીપ સાથેની મારી છેલ્લી મુલાકાત 1990માં હોળી વખતે થઈ હતી. અમે સાથે હોળી રમ્યા અને પછી 32 વર્ષે મુલાકાત થઈ છે. અમને 1996માં ખબર પડી કે, કુલદીપ પાકિસ્તાનની જેલમાં છે. ત્યારથી અમે ગાંધીનગર અને દિલ્હીના ચકકારો કાપવા લાગ્યા. અમે મૂળ દહેરાદૂનના છીએ. પણ પિતાને ONGCમાં નોકરી હોવાના કારણે અમે અમદાવાદ સ્થાયી થયા હતા. અમે તત્કાલીન મૂખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ અનેક વખત મળ્યા અને રજૂઆત કરી હતી. વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સુધી દરેક જગ્યાએ અમે રજૂઆત કરી પણ અમારી સમસ્યાનું નિરાકરણ મળ્યું નહીં.
ત્યાર પછી અમે ગુજરાત હાઇકોર્ટમાં પણ પિટિશન કરી. જેનો કેસ એડવોકેટ એમ. કે. પૉલ અને કૌશિક પૉલ લડ્યા હતા. જેથી અમારાં બહેન રેખાબેન યાદવને નોકરી મળી. અમે સરકાર પાસેથી મદદની આશા છોડી દીધી હતી. પરંતુ ઈશ્વરને પ્રાર્થના ચાલું રાખી હતી. અને આખરે પ્રાર્થના ફળી.
કુલદીપ યાદવની સરકારને અપીલ
હું દેશના કામથી પાકિસ્તાન ગયો હતો અને ત્યાં પકડાઈ ગયો. મારા જીવનના અમૂલ્ય 32 વર્ષ મેં દેશની સેવામાં આપી દીધા છે. અત્યારે મારી ઉંમર 59 વર્ષ છે. અનેક બીમારીના કારણે હું કોઈ કામ કરી શકું એમ નથી. તો એક ફૌજીને રિટાયરમેન્ટ વખતે જે લાભ આપવામાં આવે છે તે મને પણ આપવામાં આવે. જેથી હું મારુ બાકીનું જીવન વ્યવસ્થિત રીતે વિતાવી શકું.








