Tuesday, April 21, 2026
HomeGujaratપશ્ચિમ બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ: BJP-TMCએ ઝોકી પૂરી તાકાત, મુખ્ય...

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર પૂર્ણ: BJP-TMCએ ઝોકી પૂરી તાકાત, મુખ્ય મુદ્દાઓ ચર્ચામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ડેસ્કઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મંગળવારે સાંજે 6 વાગ્યે પ્રચાર સમાપ્ત થયો હતો. આ તબક્કામાં ભાજપ (BJP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે તીવ્ર રાજકીય ટક્કર જોવા મળી રહી છે. પ્રચાર દરમિયાન SIR અને લોકોની ખાવા-પીવાની આદતો જેવા મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રત્યારોપ થયા હતા.

પ્રચારના અંત સુધી બંને પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી હતી. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓએ જોરદાર રેલીઓ કરી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ તરફથી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વ્યાપક પ્રચાર કર્યો હતો.

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાર્જિલિંગ, પશ્ચિમ મેદિનીપુર અને કુલ્ટી સહિતના વિસ્તારોમાં રેલીઓ કરી હતી. તેમણે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની, ‘સિન્ડિકેટ રાજ’ સમાપ્ત કરવાની અને એક લાખ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી. બીજી તરફ મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણા જિલ્લાના ખડદાહમાં સભા કરીને ભાજપ પર આરોપ મૂક્યો કે તેઓ ઉમેદવારોને ધમકી આપી રહ્યા છે અને ઘૂસણખોરીના મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઝારગ્રામ અને મેદિનીપુરમાં રેલીઓ કરી હતી, જ્યારે અભિષેક બેનર્જીએ બાંકુરામાં પ્રચાર સંભાળ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ સિલિગુડીમાં સભાઓ યોજી હતી. પ્રચાર દરમિયાન ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી, મહિલા સુરક્ષા અને ‘સોનાર બાંગ્લા’ સામે ‘સ્થાનિક બંગાળી ઓળખ’ જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.

પ્રથમ તબક્કામાં ઉત્તર બંગાળના 152 મતવિસ્તારો તેમજ દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. ચૂંટણી આયોગના આંકડા મુજબ આ તબક્કામાં 3.60 કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે, જેમાં આશરે 1.84 કરોડ પુરુષ, 1.75 કરોડ મહિલાઓ અને 465 થર્ડ જેન્ડર મતદાતાઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

ચૂંટણી આયોગે સુરક્ષાના પક્કા બંદોબસ્ત કર્યા છે. લગભગ 8,000થી વધુ મતદાન કેન્દ્રોને ‘અત્યંત સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે. માલદા, મુર્શિદાબાદ, ઉત્તર દિનાજપુર, કૂચ બિહાર, બીરભૂમ અને બર્ધમાન જિલ્લાઓને વિશેષ સંવેદનશીલ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં 2,450 કેન્દ્રીય અર્ધસૈનિક દળોની કંપનીઓ (લગભગ 2.5 લાખ જવાનો) તૈનાત કરવામાં આવી છે. સાથે જ 2,193 ક્વિક રિસ્પોન્સ ટીમોને પણ સક્રિય રાખવામાં આવી છે.

આ તબક્કાના મુખ્ય ઉમેદવારોમાં શુભેંદુ અધિકારી (ભાજપ), નિશીથ પ્રામાણિક (ભાજપ), ઉદયન ગુહા (તૃણમૂલ), ગૌતમ દેવ (તૃણમૂલ) અને અધિર રંજન ચૌધરી (કોંગ્રેસ)નો સમાવેશ થાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular