નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મતદાનના દિવસે જ કાળઝાળ ગરમી મોટો પડકાર બની રહી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે, પરંતુ હવામાન વિભાગે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે, જેના કારણે મતદારો અને ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ કર્મચારીઓ માટે મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકના આંકડા મુજબ અમરેલી 43.3°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટ 43.1°C, અમદાવાદ 42.1°C અને ગાંધીનગર 41.5°C તાપમાન સાથે ગરમીનો ત્રાસ અનુભવાયો હતો. આવી પરિસ્થિતિ વચ્ચે આવતીકાલે તાપમાન વધુ વધી શકે છે.
હવામાન વિભાગે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર માટે આજે યલો એલર્ટ અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનોને કારણે ગરમી સાથે ઉકળાટ પણ લોકોને અકળાવશે, જે મતદાનના સમય દરમિયાન પરિસ્થિતિને વધુ કઠિન બનાવી શકે છે.
મતદાન માટે મોટી સંખ્યામાં લોકો સવારે જ મતદાન મથકો પર પહોંચતા હોય છે, પરંતુ વધતી ગરમીને કારણે બપોરના સમયમાં મતદાનમાં ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને લાંબા સમય સુધી કતારમાં ઊભા રહેતા મતદારો માટે આ પરિસ્થિતિ પડકારરૂપ બની શકે છે.
બીજી તરફ, ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા પોલીસ જવાનો, હોમગાર્ડ, મતદાન અધિકારીઓ અને અન્ય સ્ટાફ માટે પણ આ ગરમી મોટી ચિંતાનો વિષય છે. દિવસભર ફરજ બજાવતા કર્મચારીઓ માટે ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકનો જોખમ વધી શકે છે.
તબીબો અને તંત્ર દ્વારા મતદારો અને સ્ટાફને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુ પાણી પીવું, માથું ઢાંકી રાખવું, અને શક્ય હોય તો વહેલી સવારે મતદાન કરવા જવું જેવી સૂચનાઓ આપવામાં આવી છે.
ચૂંટણીના દિવસે ગરમી અને લોકશાહી ફરજ—બન્ને વચ્ચે સંતુલન જાળવવું હવે રાજ્યના નાગરિકો માટે અગત્યનું બન્યું છે.








