નવજીવન ન્યૂઝ. કોચી (કેરળ): દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું અને પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર ‘INS વિક્રાંત’ લગભગ 1,600 ક્રૂ મેમ્બર માટે ડિઝાઇન કરાયેલુ લગભગ 2,200 રૂમ સાથે આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આજે કેરળના કોચીનમાં INS વિક્રાંતનું લોન્ચિંગ કર્યું. ભારતના દરિયાઈ ઈતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે. વડા પ્રધાન પીએમ મોદીએ કોચીન શિપયાર્ડ ખાતે રૂ. 20,000 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્વચાલિત ઉપકરણો સાથે સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયરનું લોન્ચિંગ કર્યું હતું. આ વહાણના લોકાર્પણ કાર્યક્રમમાં, વડા પ્રધાને નવા નૌકા ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું, જે વસાહતી ભૂતકાળને પાછળ છોડીને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ હશે.
ભારતીય નૌકાદળના વાઇસ ચીફ, વાઇસ એડમિરલ એસએન ઘોરમાડેએ અગાઉ કહ્યું હતું કે INS વિક્રાંત હિંદ-પ્રશાંત અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપશે. તેમણે કહ્યું કે INS વિક્રાંત પર ફ્લાઇટ ટેસ્ટ નવેમ્બરમાં શરૂ થશે, જે 2023ના મધ્ય સુધીમાં પૂર્ણ થશે. તેમણે કહ્યું કે મિગ-29 જેટ યુદ્ધ જહાજથી શરૂઆતના કેટલાક વર્ષો સુધી કામ કરશે.
INS વિક્રાંતનું કમિશનિંગ સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે. વિક્રાંતના સેવામાં પ્રવેશ સાથે, ભારત US, UK, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા દેશોના જૂથમાં જોડાશે કે જેઓ સ્વદેશી રીતે ડિઝાઈન અને એરક્રાફ્ટ કેરિયર બનાવવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધ જહાજને ભારતના અગ્રણી ઔદ્યોગિક ગૃહો તેમજ 100 થી વધુ નાના, કુટીર અને મધ્યમ ઉદ્યોગો (MSME) દ્વારા બનાવવામાં આવેલા સ્વદેશી ઉપકરણો અને મશીનરીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. વિક્રાંતની શરૂઆત સાથે, ભારત પાસે સેવામાં બે એરક્રાફ્ટ કેરિયર્સ હશે, જે દેશની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.

ભારતીય નૌકાદળની સંસ્થા વોરશિપ ડિઝાઇન બ્યુરો (WDB) દ્વારા ડિઝાઇન કરાયેલા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળના જાહેર ક્ષેત્રના શિપયાર્ડ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે, તેનું નામ તેના પ્રખ્યાત પુરોગામી, પ્રથમ એરક્રાફ્ટ કેરિયર ‘વિક્રાંત’. જેણે 1971ના યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેના નામ પર રાખવામા આવ્યું છે. વિક્રાંત એટલે વિજયી અને બહાદુર. ઔપચારિક સ્ટીલ કટીંગ દ્વારા એપ્રિલ 2005માં સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર (IAC)નો પાયો નાખવામાં આવ્યો હતો.
એરક્રાફ્ટ કેરિયર્સ બનાવવા માટે ખાસ પ્રકારના સ્ટીલની જરૂર પડે છે, જેને વોરશિપ ગ્રેડ સ્ટીલ (WGS) કહેવામાં આવે છે. સ્વદેશીકરણ અભિયાનને આગળ વધારતા, IAC ના ઉત્પાદન માટે જરૂરી યુદ્ધ જહાજ ગ્રેડ સ્ટીલનું ઉત્પાદન સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) દ્વારા સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા (DRDL) અને ભારતીય નૌકાદળના સહયોગથી દેશમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પછી જહાજના શેલ (ફ્રેમવર્ક)નું કામ આગળ વધ્યું અને ફેબ્રુઆરી 2009માં જહાજના પઠાણ (નૌટાલ, કીલ)નું બાંધકામ શરૂ થયું, એટલે કે યુદ્ધ જહાજ બનાવવાની પ્રક્રિયા આગળ વધી. પઠાણ એ વહાણના તળિયે મૂળભૂત ઘટક છે, જેની મદદથી સમગ્ર માળખું ઉભું કરવામાં આવે છે.
શિપબિલ્ડિંગનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2013માં જહાજના સફળ પ્રક્ષેપણ સાથે પૂર્ણ થયો હતો. 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું INS વિક્રાંત 18 નોટિકલ માઈલથી 7500 નોટિકલ માઈલની રેન્જને કવર કરી શકે છે. જહાજમાં અંદાજે 2,200 કેબિન છે, જે લગભગ 1,600 ક્રૂ મેમ્બર માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં મહિલા અધિકારીઓ અને ખલાસીઓને રહેવા માટે ખાસ કેબિનનો સમાવેશ થાય છે. મશીનરી ઓપરેશન, શિપ નેવિગેશન અને ટકી રહેવા માટે ખૂબ જ ઉચ્ચ ડિગ્રી ઓટોમેશન સાથે ડિઝાઇન કરાયેલુ એરક્રાફ્ટ કેરિયર, અત્યાધુનિક સાધનો અને સિસ્ટમોથી સજ્જ છે.

આ જહાજમાં પ્રીમિયર મોડ્યુલર ઓટી (ઓપરેશન થિયેટર), ઈમરજન્સી મોડ્યુલર ઓટી, ફિઝીયોથેરાપી ક્લિનિક્સ, આઈસીયુ, લેબોરેટરી, સીટી સ્કેનર્સ, એક્સ-રે મશીન, ડેન્ટલ કોમ્પ્લેક્સ સહિતની અદ્યતન તબીબી સાધનોની સુવિધાઓ સાથેનું સંપૂર્ણ અત્યાધુનિક મેડિકલ કોમ્પ્લેક્સ છે. આઇસોલેશન વોર્ડ અને ટેલીમેડીસીન સુવિધાઓ વગેરેનો સમાવેશ થાય છે.
તે મિગ-29 ફાઇટર જેટ્સ, કામોવ-31 અને MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર ઉપરાંત સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર (ALH) અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) સહિત 30 એરક્રાફ્ટ ધરાવતી એર વિંગનું સંચાલન કરવા સક્ષમ છે.








