Friday, April 19, 2024
HomeGujaratCM અને HM સાહેબ તમારા જ અધિકારીઓ તમને ઉંધા રવાડે ચઢાવે છેઃ...

CM અને HM સાહેબ તમારા જ અધિકારીઓ તમને ઉંધા રવાડે ચઢાવે છેઃ પોલીસનો પગાર વધારાનો  પ્રશ્ન તમે પોલીસની સ્થિતિ બંધવા મજુર જેવી કરી

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ):

માનનીય ભુપેન્દ્રભાઈ અને હર્ષભાઈ

- Advertisement -

તમે ઘણી બાબતે ઉદારતા દાખવી છે તેનો હું પરોક્ષ રીતે સાક્ષી રહ્યો છું, છતાં તમારી નિર્ણય લેવાની ઝડપ ઘણી ઓછી હોવાને કારણે રાજ્યના પ્રશ્ન ગુંચવાઈ જાય પછી તેના ઉકેલની તરફ તમે વિચારવાનું શરૂ કરો છો. આવી એક ઘટના નથી, રાજ્યના શાસક અને પાલક તરીકે તમારે સતત એલર્ટ મોડમાં રહેવાનું છે. ખાસ કરી તમારી અને તમારી સરકારની વાત કરીએ તો પરફોર્મ કરવાનો તમારી પાસે સમય પણ ઓછો છે. તમારા ઈરાદામાં કોઈ શંકા નથી, ઈરાદા નેક હોવા છતાં તમારા અધિકારીઓ પ્રજાના પ્રશ્ને સંવેદનશીલ થવાને બદલે પ્રશ્નને તુમારમાં અટકાવી ફાઈલ એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફેરવે છે. તમે અને તમારી આખી સરકાર સંવેદનશીલ હોવાનો દાવો કર્યા વગર સંવેદનશીલ રહેવાનો પ્રયત્ન કરો છો.

ગુજરાત પોલીસનો પગાર વધારાનો જે પ્રશ્ન હતો તે મહિનાઓ સુધી તમારા અધિકારીઓ અને વિભાગોમાં ફરતી રહેલી ફાઈલને કારણે ઘણો લાંબો સમય અટવાયો, સરકાર તરીકે જો તમે કોઈને આપવા સક્ષમ છો તો તરત નિર્ણય કરો અને તરત આપી દો તો જ તેની કિમંત છે, પરંતુ આપણી ત્યાં શાસકોને ટેવ પડી ગઈ છે આપવાનું હોય તે પણ ટટળાવી આપે છે. જેમાં તમારી ઉદારતા મરી પરવારે છે. ગુજરાત પોલીસમાં ભથ્થામાં તમે વધારો જાહેર કર્યો, ત્યારે ગુજરાત પોલીસનો મોટો હિસ્સો ખુશ હતો. હા કેટલાંક નારાજ હતા પણ આપણે ઘર ઘરમાં પણ બધાને રાજી રાખી શકતા નથી, જ્યારે આપણાથી કોઈ દુઃખી હોય ત્યારે આપણે જાતને તપાસી લેવાની જરૂર હોય છે જાણે અજાણે આપણે કોઈને અન્યાય તો કરતા નથીને.

પોલીસના ભથ્થામાં વધારો જાહેર કર્યા પછી પ્રેમપુર્વક આપી દેવાનો હતો, પરંતુ તમારા અધિકારીઓ એક નવુ ગતકડુ ઉભુ કર્યુ છે, મારી જાણકારી છે કે DGP ઓફિસ તરફથી આવો કોઈ પ્રસ્તાવ ન્હોતો, પરંતુ તમારા નાણા વિભાગના આદેશ પ્રમાણે ગુજરાત પોલીસે સોંગદનામા ઉપર બાંહેધરી આપવી પડશે કે અમે ભવિષ્યમાં કોઈ વધારો માગીશુ નહીં, એક સ્ત્રી અને પુરૂષ લગ્ન કરે છે ત્યારે સ્ત્રી ક્યાં પતિ પાસે બાંહેધરી લખાવે છે કે તમે મારા અને મારા સંતાનનું ધ્યાન રાખશો, કેટલાંક સંબંધોમાં બોલ્યા વગર ઘણુ બધુ કહેવાય જાય અને સમજાય જાય છે. તમારા જે અધિકારીઓ પોલીસ પાસે સોંગદનામુ લેવાનો નિર્ણય કર્યો. નક્કી તેમણે રાજ્યના હિતને બદલે કેમ કરી પોલીસ અને સરકાર સામ-સામે રહે તેવો પ્રયત્ન કર્યો છે.

- Advertisement -

લોકશાહી પ્રણાલિકમાં એટલે જ તો ચુંટાયેલી પ્રતિનિધિનું મહત્વ હોય છે, UPSC અને GPSC પાસ કરી આવેલા અધિકારીઓ માટે  ફાઈલ જ તેમની ગીતા-બાઈબલ અને કુરાન હોય છે, પણ ફાઈલમાં પ્રાણ અને લાગણી હોતી નથી, તમારે જીવતા માણસની જીંદગી અંગે નિર્ણય કરવાનો હોય છે. પોલીસને પગાર વધારો લેતા પહેલા એક વિચિત્ર પ્રકારનું સોંગદનામુ આપવાનો આદેશ આપ્યો, તેનો અર્થ તમારી પોલીસ બંધવા મજુર છે. પોલીસે પોતાના કાંડા કાપી આપી દેવાના છે. જે પોલીસ અન્યાય કરતા લોકો સામે કાયદો અમલ કરાવવાનો છે, તે જ પોલીસને પાંગળી બનાવી દેવાની વાત છે. આખી ઘટના અધિકારીના માથે એટલા માટે ઢોળી શકાય તેમ નથી કારણ અધિકારી ઉપર પ્રજાએ તમને મૂક્યા છે. તમે શપથ લીધા ત્યારે તમે કહો છો તમારી સામે મુકવામાં આવતા કામને સુઝબુઝથી તમે નિર્ણય કરશો, પરંતુ આ કિસ્સામાં લાગે છે તમે અધિકારી ઉપર ભરોસો કરવા સિવાય કઈ  કર્યુ નથી.

આવી જ સ્થિતિમાં હું પણ પસાર થયો છુ 2014માં હું જે અખબારમાં કામ કરતો હતો, ત્યાં પણ અમારી પાસે એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે અમારે આવુ સોંગદનામુ આપવુ કે અમારે વધારે પગાર જોઈતો નથી. અમે પણ પત્રકાર તરીકે લોકો સાથે થઈ રહેલા અન્યાય માટે લખીએ છીએ એટલે અમે કહ્યુ અમારે પગાર વધારો જોઈતો નથી, સાથે અમે આવુ સોંગદનામુ પણ કરીશુ નહીં. જેના કારણે મારી બદલી ઝારખંડ ધનબાદ થઈ, મામલો હાઈકોર્ટ પહોંચ્યા પછી અખબારે અમારી સાથે સમાધાન કર્યુ. જો કે રંજ એટલો હતો કે ધાર્યુ પરિણામ આવ્યા પછી પોતાના માણસો સામે જ લડવુ પડ્યું. આ પોલીસ પણ તમારી જ છે, અને તમારી પોલીસને પણ તમારી સામે લડવુ ગમતુ નથી, એટલે જ વિનંતી છે આ પ્રકારના નિર્ણય તમારી પાસે લેવડાનાર અધિકારીને તમે ઓળખી લો વિવાદ ટાળે તેવા અધિકારીને સાથે રાખો.

ગુજરાત પોલીસે બાંહેધરીનો આકરો વિરોધ કર્યો છે અને યુનિયન નહીં હોવાને કારણે તેમની પાસે વિરોધ વ્યકત કરવાનું માધ્યમ માત્ર સોશીયલ મિડીયા છે. તમારા અધિકારીઓ તો સોશીયલ મિડીયા ઉપર પણ ખાસ્સી નજર રાખે છે તેમનો પુછજો કે સાચી સ્થિતિ શું છે તમે પોલીસને ડરાવશો અને ધમકાવશો તો તે સોંગદનામુ કરી આપશે, પણ ડરનો સંબંધ લાંબો ટકતો નથી. કારણ એક વખત ડર જતો રહ્યો ત્યારે સ્થિતિ હાથ બહાર જશે, આપ બંન્ને મારા પત્રનો હાર્દ-ઈરાદો અને પ્રમાણિકતાને સારી સમજ્યા હશો તેવી અપેક્ષા સાથે વિનંતી છે કે, બાંહેધરી લેવાનો નિર્ણય તરત પડતો મુકી આપેલા વચન પ્રમાણે પ્રેમથી વધારો આપી તમારી પોલીસને રાજી રહેવાનો અવસર આપો.

- Advertisement -

આપનો

પ્રશાંત દયાળ

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular