નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂ ઉપર કડક નજર રાખવામા આવી રહી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં આ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂની હેરફેર માટે નવી મોડસ ઓપ્રેન્ડી સામે આવી છે. ગઇકાલે અમદવાદની કાગડાપીઠ પોલીસ દ્વારા એક કિશોરની અટકાયત કરવામાં આવી છે જેમાં આ કિશોર પાસેથી રસગુલ્લાના ડબ્બામાં દારુ અને બીયરની બોટલ મળી આવી હતી, જોકે આ દારૂની હેરફેરમાં કિશોરની ઉપર અન્ય કોઈ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ, કાગડાપીઠ પોલીસને બાતમી મળી હતી કે, ગીતામંદિર પાસે આવેલા વાસુદેવ ધનજીની ચાલીમાં રેહતા સાહિલ વાઘેલાએ દારૂ મગાવીને કાંકરિયા રોડ પર આવેલા કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રાખ્યું છે અને જે માહિતીના આધારે તપાસ કરતા ત્યાંથી દારૂ અને બિયરની બોટલ્સ મળી આવી હતી, તેમજ સાથે એક કિશોર પણ મળી આવ્યો હતો. પોલીસને આ જગ્યાએથી રસગુલ્લાના ડબ્બા મળી આવ્યા હતા, જેની તપાસ કરતાં તેમાંથી 15 દારુ અને બીયરની બોટલ મળી આવી હતી જેની કિંમત 45 હજારથી વધુ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ પોલીસની કામગીરી ઉપર માછલાં ધોવાયા હતા જેના કારણે પોલીસે હવે દારૂને લઈને કાર્યવાહી કડક કરી દીધી છે, ત્યારે દારૂનો ધંધો કરતાં લોકો માટે કામ કારવું અઘરું બન્યું છે માટે જ તેમણે હવે નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે, જેના કારણે જ અમદાવાદમાં આવી રીતે રસગુલ્લાના ડબ્બામાં દારૂની હેરફેર સામે આવી છે.








